Tuesday, 8 July 2014

આપશ્રી ક્યાં કોઈદી ભીંજાવ છો ? – કૃષ્ણ દવે

આપશ્રી ક્યાં કોઈદી ભીંજાવ છો ? – કૃષ્ણ દવે

 છેવટ કંટાળી મેં વાદળાંને કીધું કે વરસ્યા વિનાના શું જાવ છો!
વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ પણ આપશ્રી ક્યાં કોઈદી ભીંજાવ છો?
મેં કીધું શું ક્યો છો? ગ્યા વરસે ક્યાં રયો તો છત્રી ઉઘાડવાનો વેત?

વાદળ ક્યે, રહેવા દ્યો પલળી જે જાય ઈ તો અંદરથી ઉગાડે હેત,
વરસી વરસીને અમે થાકી ગયાને તોય તમે ક્યાં લીલાછમ થાવ છો?
આપશ્રી ક્યાં….


મેં કીધું આ રીતે શું કામે નાખો છો માણસની જાત માથે આળ?
વાદળ ક્યે મને તારામાં ગોતી દે એકાદી લીલીછમ ડાળ?
મૂળનું તો સરનામું મળતું નથી ને પાછા કૂંપળનાં ગીતો શું ગાવ છો?
આપશ્રી ક્યાં….

મેં કીધું આ રીતે તરસ્યે મારીને તમે સારું તો કરતાં નથી જ,
વાદળ કયે બસ ભાઈ આ રીતે અમને પણ થોડીક ચડી ગઈ છે ખીજ.
અબઘડીએ ધોધમાર વરસી પડું છું, બોલો બાળકની જેમ તમે ન્હાવ છો?
આપશ્રી ક્યાં…