(જામનગરના પેંડા)
-પેંડા; જેણે ન ખાધા માવાના પેંડા એનાં જીવતર સાવ ઢેફાં ને ઢેફાં. બાળકોને આગળ વધારવા બાળપણથી વાંચતા કરો.
જામનગરના પેંડા ખાઈને બચપણ યાદ આવી ગયું. હું પાંચ વર્ષનો હતો ત્યારે હાથે દૂધ હલાવીને ધીમા તાપે પેંડા બનાવતો અને પેંડા વાળતો વાળતો ૧૦-૧૨ પેંડા ખાઈ જતો, પછી મારી બાના મોઢામાં પેંડો મૂકતો. મારી બા પેંડો તેના મોઢામાંથી કાઢી પરાણે મને ૧૨મો કે ૧૩મો પેંડો ખવરાવી દેતી. મારું મોસાળ સથરા (ગાપજ) ત્યાં પેંડા ખાવા જ એક પટેલને ઘરે જતો. પટલાણી કહેતા ''ભાણિયાભાઈ (સથરામાં બધા મને ભાણિયો કહેતા) પેંડા હવે નથી બનાવતા. તમે જ લ્યો દૂધ હલાવી નાખો અને પેંડા બને ત્યારે પહેલાં મને ખવરાવજો. હું પટલાણીનાં મોઢામાં બે પેંડા ભરાવી દેતો.’’
વર્લ્ડ ફેક્ટ બૂક લાખે છે કે (૨૦૧૪) અમારા બાળક બે વર્ષના હોય ત્યાં જ કમ્પ્યૂટર ચલાવતા શીખે છે. અમારા બાળકોની ફેવરિટ સાઈટ હતી વર્લ્ડ ફેક્ટ બુક. અમે બે વર્ષની ઉંમરે પેંડા વાળતા શીખી જતા. કાઠિયાવાડમાં અમારે માટે ૧૯૩૪માં કયાં કમ્પ્યૂટર હતું? અમે મૂળજીભાઈ ગાંઠિયાવાળાની દુકાને જઈને તેને પેંડા વાળવામાં મદદ કરતા. મૂળજી દાદાના પેંડા વાળતા વાળતા અડધો શેર પેંડા બેઠા બેઠા ખાઈ જતા. એક વખત મૂળજી દાદા કહે ''ભાણિયા કેમ સંતાડી સંતાડીને ખાય છે. ખુલ્લમ્ખુલ્લા ખા. પેંડા ખાવાની ચીજ છે, સંતાડવાની નથી, એમ કહીને બે પેંડા મોઢામાં ઘાલી દેતા.’’
ઝાંઝમેર (મારું વતન) કોળીની જાનમાં જઈએ તો રસ્તામાં ભાતુ ખોલે તો કોળી લોકો ગાંઠિયાની સાથે ઢેબરા ખાય. જો પેંડા લીધા હોય તો તે મારે માટે જ રહેવા દે. અમને ઢેબરા કે ગાંઠિયામાં રસ જ નહીં. પેંડા નહીં તો સુખડી. મારા ગાપજવાળા જટાશંકર દાદા (મારી બાના બાપા) મારી બાને કહેતા, ''ભાણિયાને ગાપજ મોકલજે, આપણી ભેંસ પારેટી થઈ છે અને પારેટી ભેંસના દૂધના પેંડા એને ભાવશે. એટલે અમે ગાડું જોડતા. સવારે ઝાંઝમેરાથી બળદગાડામાં બેસીએ સાંજે સથરા પહોંચીએ. મામી અમને વાળુ કરવા બોલાવે પણ એ પહેલાં જટાશંકર દાદાએ રાખેલા પેંડા ખાઈ લઈએ. આજે કમ્પ્યૂટરની સાઈટમાં પ્રશ્ન પૂછયો છે કે, ''તમારા બાળકને મેથેમેટિક્સમાં જિનિયસ કેમ બનાવવો. ત્રણ વર્ષનો હોય ત્યારે મેથ્સમાં જિનિયસ કેમ બનાવવો?’’હું આગળ વાંચતો નથી, પણ હું જવાબ આપું છું કે, ''અમે જિનિયસ હતા, કારણ કે પેંડા ઝાપટીને ગણિતના દાખલા ફટફટ ગણી કાઢતા થેંક્સ ટુ પેંડા તમે બાળકને મહુવાના મૂળજી દાદાના પેંડા નાની ઉંમરે ખવરાવો અને પછી ઉપર પાણી નહીં પીવાનું કહેજો. હમણાં હમણાં અઠવાડિયા પહેલાં જામનગરથી જુગલ ચોટાઈ નામના ભાઈ આવેલા, તે ગાયના દૂધના પેંડા લાવેલા. તેનો એક બાબો હું નાનો હતો ત્યારે જેવો હતો તેવો જ મારા જેવો હતો. મને તેને કહેવાનું મન થયું કે, ભાઈલા, આ કાંતિ ભટ્ટ લેખક તરીકે હવે મને નથી જોઈતો. તારું બચપણ મને આપી દે, મને જામનગરના તારા બાપાની દુકાનમાં તાજા તાજા પેંડા થતા હોય તે ખાવા મળે.
લંડનના ''ડેઈલીમેઈલ’’માં ૨૪-૨-૧૧ના એક લેખ આવ્યો. એક માતાએ લખેલું કે મેં ટી.વી.ને સ્વિચ ઓફ કરીને મારી દીકરી ખૂબ વાંચે તેવી કરી દીધી. મને એ ઇંગ્લિશ માતાને કહેવાનું મન થયું કે, ''તમારી દીકરીને જિનિયસ બનાવવા અને તે ચાઈલ્ડ સાયકોલોજીમાં માસ્ટર્સ ડિગ્રી મળે તેવી કરવી હોય તો ટી.વી.ને સ્વિચ ઓફ કરવાની જરૂર નહોતી. તેને રોજ સવારે પેંડા ને ગાંઠિયાનો નાસ્તો આપવો. શરત કરવી કે કમ્પ્યૂટર ન ખોલે જો જો જિનિયસ થશે જ. લંડનની બહેને મને કહ્યું કે, લંડનમાં તમારી જેવા પેંડા ક્યાં મળે? પછી ખબર પડી કે તે બાઈનું પિયર કેન્યામાં નકુરૂ ગામ પાસે છે. હું નકુરૂ ગયેલો. નકુરૂના નજીકના જંગલમાં ગૌશાળા હતી. ગામડામાં ગાયનું દૂધ કોણ ખરીદે એટલે નકુરૂના એક દૂધના વેપારી લુહાણા-બાપા પછી ગાયના દૂધના પેંડા બનાવીને લંડન નિકાસ કરતા. અદ્ભુત દૃશ્ય હતું. ચાર ચાર તાવડામાં ગાયનું દૂધ ઉકળતું હોય, પેંડા વાળતા હોય, બોક્સમાં પેક થતાં હોય તમે અમેરિકાની મેડોનાનું નામ સાંભળ્યું છે. તે સુંદરી હતી. મેડોના તેના બાળકોને ટી.વી. જોવા ન દેતી. લાલચમાં તે શું આપતી? ચોકલેટ પણ ચોકલેટથી બાળકોને અબળખો થયો. ત્યારે મને કહેવાનું મન થયું કે તેને કહેવું કે જામનગરમાં પ્રખ્યાત પેંડાવાળો છે. તેઓ ખાસ ચોકલેટી પેંડા બનાવે છે, તે ખવરાવ માર્ક ઝુકરબર્ગને તમે જાણો છોને? તમારાં બાળકોને તેની ફેસબુકના માર્ક ઝુકરબર્ગે વ્યસની બનાવ્યા છે.તેણે દરેકને કહેવું જોઈએ કે, જ્યારે ફેસબુકથી કંટાળે ત્યારે પેંડાનું એક બોકસ બાજુમાં રાખે અને બે-ત્રણ પેંડા ખાઈ લે પણ પેંડા ઉપર પાણી ન પીવે
'ફોબ્ર્સ’ મેગેઝિનની વેબસાઈટમાં ૨૪-પ-૧૪ના લખ્યું છે. ''એઈમ યોર સાઈટ,હેવ યોર હાર્ટ ફૂલ ઓફ ફેઈથ.’’ અરે સાહેબ તેને કહો કે તેના ધ્યેય ઊંચા રાખે અને તેના હાર્ટ નહીં પણ તેનું બોકસ ફુલ ઓફ પેંડા રાખે. એક નવી કહેવત મારે ગળપણની જગ્યાએ મૂકવી છે. અમારી જૂની કહેવત છે કે ''જેણે ન ખાધું ગળ્યું, તેનું જીવતર બળ્યું.’’ તો તેને બદલે મારે કહેવું છે કે જેણે ન ખાધા માવાના પેંડા એના જીવતર સાવ ઢેફાં ને ઢેફાં.’’
આજની ઈકોનોમિ એટલે કે આજનું અર્થતંત્ર જ્ઞાનને લગતું છે. બાળકોને આગળ વધારવા હોય તો તેને બચપણથી વાંચતા કરો અને ડો. જેના ગોડ્રોએ બાળકના બ્રેઈનપાવરને વધારવા તેમને ડો. અનાતોલી લીલાંવસ્કીનું પુસ્તક વાંચવા કહ્યું છે. તેમાં લખ્યું છે કે ''માતા ગર્ભવતી હોય ત્યારે શું ખાય છે અને શું પીવે છે તેના ઉપર જ તેના બાળકની બુદ્ધિમતાનો આધાર રાખે છે. વળી બાળક લાંબે સુધી ગર્ભાશયમાં રહે ત્યાં સુધી સારું છે, પણ તે દરમિયાન ગર્ભવતી મમ્મી સારો સારો ખોરાક ખાય...’’ હું કહું છું કે ગર્ભવતી મમ્મી શેડકઢું દૂધ પીવે, શેડકઢું દૂધ ન મળે તો નજીકના તબેલામાંથી દૂધ મંગાવીને તેના પેંડા બનાવે અને ગર્ભવતી મમ્મી રોજ ૧૦૦ ગ્રામ પેંડા હાલતા ચાલતા ખાઈ જાય. તેના ગર્ભના બાળકની બુદ્ધિમતા વધશે છે તમારે કંઈ કહેવાનું? કહેવાનું હોય તો પહેલાં એક પેંડા ખાઈ લેજો. લેખ વાંચી ખુશ થયા હોય તો આ ભામણને એક પેંડો ખવરાવજો.