- ડૉ. જગદીશ જોશી
“ઓરા આવો તો કહું કાનમાં વાતડી…..”
આમ ‘ઓરા’ આવવાની વાત પણ કહેવી પડે છે. એનો અર્થ એમ કે, વાત કરી શકાય એટલા ‘ઓરા નથી કે ‘કાનમાં’ કહી શકાય એવી (અંગત) ‘વાતડી’ એટલા ‘ઓરા’નથી ! એટલે જ મારે પણ કહેવું પડ્યું – ‘પતિ-પત્ની નજીક આવો’?
વિવિધ સંબંધોમાં અગત્યનો અને અન્ય સંબંધોને સીધો કે આડકતરી રીતે અસરકરતા પતિ-પત્નીના આ સંબંધની વાત કંઈક નિરાલી જ છે.
……. અને તમે પણ લખાણનું ટાઈટલ વાંચી, આ સંબંધની અગત્યતા અને આંટીઘુંટીની જાણકારીની કુતુહલતાથી જ ક્લીક કર્યું હશે.
પરીણિત મિત્રોને પહેલો સવાલ તો ઉઠ્યો જ હશે કે “શું અમે નજીક નથી ? કામકાજના સમય સિવાયનો સોનેરી સમય સાથે જ વિતાવીએ છીએને ! ”. (….કે એક્બીજાને સહન કરીએ છીએ ? આ સહન કરવાની વાતમાં કંઇ કરી શકાય કે કેમ ? )
જો આપણે પતિ-પત્નીને ‘નજીક’ જ જોતાં હોઈએ તો લગ્નજીવનમાં પ્રવર્તતા લડાઈ-ઝગડા, અસંતોષ, અંજંપો ક્યાંથી હોય ? પણ આ નજીકતામાં ક્યાંક કંઈક ખૂટે છે. નજરે દેખાતી ‘નિકટતા’ એ ભૌતિક છે, આપણી વાત ‘માનસિક નિકટતા’ની છે, મનમેળની છે.
પત્નીને અમુક રંગની સાડી કે ડ્રેસ પસંદ નથી જ્યારે પતિ તેને એવા જ રંગની સાડી ભેટ આપે અને પાછી એવી અપેક્ષા રાખે કે પત્ની પોતાની ભેટની કદર કરે. પત્નીને ઘરકામમાં કોઇ ટોકે એ ગમતુ નથી, પતિ પોતાનો અહમ સંતોષવા કે જ્ઞાનનું પ્રદર્શન કરવા ઘરકામમાં માથુ મારે. પત્ની ઇચ્છે કે પતિ વ્યવસાયમાંથી પરવારી સાંજનો સમય ઘરમાં વિતાવે, જ્યારે પતિને, પત્ની કે ઘર કરતાં મિત્રોમાં વધુ રસ હોય.
સામે પક્ષે પણ પરસ્થિતિ સરખી જ છે. પતિને હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમવાનું પસંદ નથી પણ રજાના દિવસે રસોડામાં પણ રજા જ પડી હોય. વ્યવસાયમાંથી થાકેલો પતિ ઘરમાં પગ મૂકે ને ઘરપારાયણ શરુ થઈ જાય. બહેનપણીનો પતિ અમુક પ્રકારના કપડા પહેરે એટલે પોતાના પતિને પણ એવા જ કપડા પહેરવા જોઈએ એવો દુરાગ્રહ સેવાય.
બહુ સામાન્ય દેખાતા, આવા અસંખ્ય દાખલાઓ ગણાવી શકાય પણ આવા જ ‘એડજસ્ટમેન્ટ’ ધીમે ધીમે ‘મનમેળ’ ઘટાડે અને પછી, લગ્નજીવનનું ‘રગશીયું’ ગાડું આગળને આગળ ખેંચાતું ચાલે. આમ ખરેખર તો ભૌતિક રીતે નજીક દેખાતા પતિ-પત્ની માનસિક રીતે જોજનો દૂર ઉભા હોય છે.
તમે પણ થોડી જાત તપાસ કરી જુઓ ને !
હૈંયા પર હાથ મુકી જાતને પુ્છો ને ‘તમે તમારા સાથીદારથી નજીક છો ?’
જવાબ સ્પષ્ટપણે ‘હા’ કે ‘ના’ માં ન પણ મળે, પણ ‘હા’ કે ‘ના’ માંથી કોઈ એક તરફ તો ઢળતો હોય શકે. જો ‘હા’ તરફ ઢળતો હોય તો જીવન જીવવા જેવું લાગતું હોય, જો ‘ના’ તરફ હોય તો …….(મારે લખવાની જરુર નથી, જવાબ તમારો જ છે, ખાનગી છે અને ખાનગી રહેશે.).
મને તો માનવીય લાગણીઓમાં શ્રધ્ધા છે અને તેથી હું તો માનું છું કે પતિ-પત્નીના સંબંધો એ અમદાવાદના ઝુલતા મીનારા જેવા છે, બન્ને દુન્યવી રીતે એકબીજાથી સ્વતંત્ર દેખાય છે, પણ એક્ને ઢંઢોળો તો બીજો તુરંત જ આંદોલીત થાય. જો આવું ન થતું હોય તો ? એમાં ફેરફાર થઈ શકે ? જરુર થઈ શકે. ફક્ત એકબીજાના લાગણીતંત્રને જોડતી કડીઓને તપાસવી પડે, લાગણીના કંપનો આડેથી અવરોધો દૂર કરવા પડે. આ માટે પ્રયત્ન કરવો પડે, જેઓને અવરોધ દેખાય છે તેમણે અવરોધ દૂર કરવા માટે અને જેમને કોઈ અવરોધ નથી તેમણે જીવનને વધુ મધુર બનાવવા માટે.
તમને ધીરજપૂર્વક પ્રયત્ન કરવાની ઇચ્છા છે ? તો આત્મ નિરીક્ષણ કરવું પડશે. આત્મનિરીક્ષણની વાત સાંભળી આધ્યામિકતામાં સરી પડવાની જરુર નથી, એવી કોઈ વાત જ નથી. પણ માનસશાસ્ત્રના સાદા નિયમોને ધ્યાનમાં લઈ થોડાક જવાબ આપવાના છે.
વસંત ઋતુની વહેલી સવારે તમારી ઊંઘ ઉડી જાય, પંખીઓનો મીઠો કલરવ સંભાળાતો હોય, અધખુલ્લી બારીમાંથી વસંત વાયરાઓની લહેરખીઓ આલ્હાદકતાની અનુભૂતિ કરાવે અને તમે પણ આ પ્રવાહમાં તણાયને આનંદની લાગણી અનુભવો છો. (આ વસંતની વાતને તો કવિઓ માટે રાખી મૂકો, પણ તમારા આનંદને યાદ રાખો)
જીંદગીની કેટલીક ક્ષણોએ, વસંત વગર પણ, તમે આવી જ જીવન વસંતનો અનુભવ કર્યો જ હશે. પણ આવો અનુભવ વસંતના વાયરાની લહેરખીઓ સમાન હશે. સામાન્ય અનુભવ તો, વિવિધ ટેન્સન, મજબૂરી અને દુઃખની લાગણીઓને ઉભરાવે એવા થતા હશે. પણ ક્યારેક રણમાં મીઠી વીરડી સમાન પ્રસંગોએ મન પ્રફુલ્લિત કર્યું હશે.
ક્યારેક તંગ અને કંટાળાભરેલ આપણી માનસિક સ્થિતિ દરમ્યાન, અન્ય લોકોની પ્રફુલ્લિતતા જોઈ, આપણને ઇર્ષા થાય છે કે બીજા લોકો કેટલા સુખી છે, મારા જીવનમાં તો બસ મુશ્કેલીઓ જ મુશ્કેલીઓ છે, મારા નસીબમાં સુખનો છાંટોય નથી. (જો કે તમને દેખાતા સુખીઓને પણ આવી જ લાગણી થતી હોય છે.)
પણ મિત્રો ! ‘મારા નસીબમાં સુખ નથી’ એ વાક્યની યથાર્થતા ચકાસવાનો પ્રયત્ન ક્યારેય કર્યો છે ? સુખ, આનંદ, પ્રફુલ્લિતતા પામવાને આડે આવતા અવરોધો અંગે ક્યારેય વિચાર્યું છે ?
કે પછી ….
ઝખમ દેનારાઓની યાદીમાં પ્રથમ પાને જ અંગત નામો જોઈને ડાયરી બંધ કરી દેનારા શાયરની જેમ સુખ મેળવવાના અવરોધોમાં પહેલું જ નામ તમારુ જોઈને આગળ જોવાનો પ્રયત્ન જ છોડી દીધો ? પ્રાથમિક પ્રયત્નમાં તો તમને તમારું નામ અવરોધરુપે નહી દેખાય, પણ સચ્ચાઈપૂર્વક પ્રયત્ન કરશો તો કદાચ એ સ્પષ્ટ દેખાશે, જેમ અન્ય તરફ એક આંગળી ચીંધતી વખતે ત્રણ આંગળીઓ તમારા તરફ જ હોય છે.
પણ આપણે વાત કરતા હતા બેડરુમની અધખુલ્લી બારીની. જેમ આ અધખુલ્લી બારી વસંતની આલ્હાદકતાને સંપૂર્ણપણે માણવામાં અવરોધરુપ થાય છે, તેમ જીવન વસંતને માણવા આપણા ‘મનની બારી’ અવરોધરુપ થાય છે.
આ મનની બારી કેવી હશે ?
આવો, આપણે એને જાણવા અને ખોલવાનો પ્રયત્ન કરીએ.
“જોહરી વિન્ડો” (Johari Window*) તરીકે ઓળખાતી આ માનસિક બારી, ‘સ્વ’ (પોતાના) વિશેની આપણી જાણાકારી અને અન્ય લોકો આપણા વિશે શું વિચારે/જાણે છે તે બે બાબતોના આધારે રચાયેલ છે. (આ તબક્કે માનસશાસ્ત્રના જાણકારોને એટલું જણાવી દઊં કે આ ચર્ચા સામાન્યજન માટેની છે એથી જોહરી વિન્ડોની સમજુતીમાં છુટછાટ લીધેલી લાગશે. પણ જેઓને શાસ્ત્રીય જાણકારીનો આગ્રહ હોય તેમને માટે ગુગલ સર્ચ હાજર જ છે.)
બીજી પણ એક સ્પષ્ટતા જરુરી છે. જેઓ ઇન્ટરનેટ પર ફેઈસબુક જેવા સંબંધોમાં રસ ધરાવે છે તેમને માટે સંબંધોની આ બારી ઉપયોગી નથી.
મનની બારીની કલ્પના કદાચ વિચિત્ર લાગે, પણ આપણું શરીર જેમ આંખો દ્વારા ભૌતિક દુનિયા સાથે જોડાયેલું છે તેમ મનને પણ અન્યના મન સાથે જોડવા ‘કંઈક’ જોઈએ, અને આ ‘કંઈક’, એ આપણી ‘મનની બારી’ છે એમ કલ્પના કરી લો. અહીં તમે અને અન્ય (સામેની વ્યક્તિ), જેમકે ‘હું’ અને ‘તમે’, બન્ને એકબીજાની સામસામે અલગ અલગ રુમમાં (અલગ અલગ મન સાથે) છીએ. બન્નેને એકબીજા વિશે જાણવું હોય તો રુમની દિવાલમાં ખુલ્લી જગ્યા – ‘બારી’ જોઈએ, જેમ તમને કુદરતનો નજારો જોવા બેડરુમની બારીની જરુર છે બસ એજ રીતે. તો બે વ્યક્તિને એકબીજા વિશે જાણવું હોય તો બન્નેના મનમાં પણ ખુલ્લી જગ્યા – ‘બારી’ જોઈએ. જોહરી વિન્ડો આવી જ બારીની સમજૂતિ આપે છે.
હવે આ વિન્ડો આજના જમાનાની સ્લાઈડીંગ ડોરવાળી નથી, પણ જુની ડિઝાઈનની ચાર સ્ક્વેરવાળી છે. (જુઓ ચિત્ર). વિન્ડોને સમજવા તમારે ગણિતને પણ યાદ કરવું પડશે. નાનપણમાં આપણે ગ્રાફ દોરતા ત્યારે ‘x’ અને ‘y’, axis દોરી બન્ને axis પર જુદા જુદા પરિબળો મૂકતા, અહીં આપણે ‘હું’ અને ‘અન્ય’, કે પતિ-પત્નીની જ વાત કરવી હોય તો ‘પતિ’ અને ‘પત્ની’ ને મૂકી શકાય.
ચિત્રમાં આપણે ‘x’ ના સ્થાને ‘પતિ’ અને ‘y’ ના સ્થાને ‘પત્ની’ મૂકીએ. હવે આપણે ‘ઓપન’ ના ચોકઠાને ધ્યાનમાં લઈએ તો કેટલીક બાબતો પતિ જાણે છે અને એ જ બાબતો પત્ની પણ જાણે છે. દા.ત. પતિને કારેલાનું શાક ભાવતું નથી, એ બાબત બન્ને જાણે (open) છે, ઘરમાં કારેલા બનતા જ નથી અને જમતી વખતે વાસણ ખખડતા નથી. આજે પતિને ઓફીસમાં ખૂબ કામ હોય છે, લંચટાઈમ મળ્યો નથી, સાંજે પતિ મહાશય માથું દુઃખવાની ફરીયાદ સાથે ઘરે આવે છે. પત્ની સાંજની ચા સાથે નાસ્તો પણ હાજર કરી દે છે, કારણ કે પતિનું ઓફીસમાંથી પરત આવેલું લંચ બોક્સ ભરેલું જોતા તેને તરત જ ખ્યાલ આવે છે કે માથુ ભુખના લીધે દુઃખે છે, પતિ મહાશયને એ જાણ નથી (blind) કે માથુ શેના લીધે દુઃખે છે. સાંજે પતિ ઓફીસેથી આવી, પત્નીને બેગ આપતાં કહે ‘આમાંથી ફાઈલો જરા કબાટમાં મૂકી દે ને’ પત્ની બેગ ખોલે અને ફાઈલોના બદલે પત્ની માટેનું સુંદર ગીફ્ટપેક હોય, જે બાબત પતિ જાણે છે, પણ પત્ની અજાણ (closed) છે. આ ઉપરાંત કેટલીક બાબત એવી પણ હોય કે જેનાથી બન્ને અજાણ (unknown) હોય છે.
No comments:
Post a Comment