Monday, 18 August 2014

– જુગલકિશોર.
(૧) પ્રાસ્તાવિક
વેબગુર્જરીને પાને ૫૦૦મી પોસ્ટ !!
એક સમય હતો, જ્યારે ગમે તેટલું તાકીદનું કામ હોય તો પણ પોસ્ટકાર્ડને પહોંચતાં પાંચસાત દિવસ તો લાગી જ જતા. ટેલિગ્રામ કરવાની તેવડ સૌની પાસે ન રહેતી ને એટલે જ ગામમાં કોઈને ઘેર તાર આવે એટલે ફફડાટ થઈ જતો !
એ પછીની ફોનની સગવડ ઉપરાંત પેજરે આવીને એક નવી હવા ફેલાવી. કેડ ઉપર પેજરને લટકાવીને ફરનારો ‘ખાસ માણસ’ ગણાતો ! પણ મોબાઇલે તો બધાંને પાછાં પાડી દીધાં. આજે શાકભાજી વેચનારો કે કડિયાકામ કરનારો શ્રમિક પણ મોબાઇલધારક બની ગયો છે. હવે સમાચારો કે વાતચીતિયો સંપર્ક ફક્ત કાનનો જ વિષય ન રહેતાં આંખનો પણ બની ચૂક્યો છે. બે વ્યક્તિ વચ્ચેનું અંતર હવે સમયબાધિત રહ્યું નથી.
કમ્પ્યૂટર એક સમયે ગણકયંત્ર જેવું હતું. તે હવે બધા જ – હા, બધા જ જીવનવ્યવહારો માટેનું માધ્યમ બની ચૂક્યું છે એટલે વિશ્વને એણે એક ગામડું બનાવી મૂક્યું છે. પણ એનાથીય મોટી બાબત તો માહિતીના વિસ્ફોટની છે. હવે માહિતી કોઈ જગ્યાએ પુરાયેલી રહી શકતી નથી.
આજથી પાંત્રીસેક વરસ પહેલાં મેન્ડ્રેક નામના જાદુગરની ચિત્રવાર્તામાં એક પ્રસંગ વાંચેલો જેમાં મેન્ડ્રેક કોઈ એક ગેલેક્સીના રાજાની મદદે જઈને કોઈ ત્રીજી જ ગેલેક્સીમાં કેદ કુંવરીને છોડાવે છે જેના બદલારૂપે તે રાજા મેન્ડ્રેકને કોઈ એક ગેલેક્સીનો રાજા બનાવવાની ઓફર કરે છે જે ન સ્વીકારવાથી રાજા તેને હથેળીમાં સમાય તેટલો નાનો એક બૉલ ભેટ આપે છે જેમાં પૃથ્વીની નાનામાં નાની માહિતી વિશ્વની કોઈ પણ ભાષામાં સાંભળીને મેળવી શકાય તેવી રચના હતી !! પાંત્રીસ વરસ પહેલાં વાંચેલી એ વાર્તાનો રોમાંચ આજે કિશોરોના હાથમાંનું એન્ડ્રોઇડ જોઈને અનુભવાતો નથી તે સાચું પરંતુ વિજ્ઞાને વાર્તાને સાચી પાડીને જે કાંઈ કરી આપ્યું છે તેનો ‘યશ’, તેનો ‘ગણ’, તેનો ઉપકાર, તેની સગવડોનો ‘સાચો ને સારો લાભ’ લેવા અંગે આપણે શું વિચારીએ છીએ ?
આજનાં કમ્પ્યૂટરી વિશ્વનાં અનેક પાસાંનો વિચાર કરવાનું સહજ નથી. આટલા ટૂંકા ગાળામાં વિશ્વે જે હરણફાળ ભરી તેને માપવાનું, તેનું સિંહાવલોકન કરવાનું, તેના દરેક પાસાને ચકાસી–જાણીને દરેક પાસાની યશોગાથા ગાવાનું શક્ય નથી.
પરંતુ કેટલુંક તો એવું છે જ, જેને સતત ને સદાય યાદ કરવાનું મહત્ત્વનું હોય. એની યશોગાથા ગાઈબજાવીને સાંભળવા–સંભળાવવાનો ‘લાભ’ લેવા જેવો હોય !!
આપણે કાંઈ જગતકાજી નથી. જગતવહીવટી કે જગતશિક્ષક પણ નથી. આપણે તો છીએ ગુજરાતી. કથી શરૂ થતા કક્કાના માધ્યમે “એક” બની રહેનારા ગુજરાતીઓ. આ કક્કો આપણી એકતાનું ‘મોણ’ છે – લોટને બાંધીને કણક બનાવનારું મોણ ! કક્કો આપણી એકતાનું, વિશ્વભરમાં ફેલાયેલાં લાખ્ખો ગુજરાતીઓનું ‘બાંધણું’ છે !! ગીતાના સાતમા અધ્યાયના સાતમા શ્લોક મુજબનું “કક્કા–સૂત્રે મણિગણા ઈવ”વાળું, આપણ સૌ વ્યક્તિ/કુટુંબરૂપ મણકાઓને એક સૂત્રે પરોવી રાખનારું પરમ તત્ત્વ છે.
“ગુજરાત–ગુજરાતી–ગુજરાતીઓ”ને એક મંચ પર ભેગાં કરવાની મનીષા રાખીને આરંભાયેલો “વેબગુર્જરી યજ્ઞ” બે મુખ્ય કાર્યોને લક્ષ્ય કરનારો હતો :
૧) ગુજરાતી ભાષાનો વ્યાપ અને
૨) વિશ્વભરમાં ફેલાયેલાં ગુજરાતીઓનું નેટતાંતણે સંગઠન.
વેબગુર્જરીને વવાયાંને હજી બે વરસ થયાં નથી. પણ આટલા ટૂંકા ગાળામાં એ વૃક્ષ બનવા જઈ રહ્યું છે. એના પર એક પછી એક પ્રગટીને કૉળતાં જતાં પાંદડાંઓની સંખ્યા ૪૯૯ને વટાવી જઈને આજે ૫૦૦ ઉપર પહોંચી છે ત્યારે આ વ્યાપ અને ઉંડાણ બન્નેને તાકનાર માધ્યમ “વેગુ” સૌ કોઈ વાચકો–લેખકો–વિવેચકોને આમંત્રે છે – આ પ્રસંગનો મહિમા ગાવા માટે.
ચાલો, આપણે આ ૫૦૦મી પોસ્ટના પ્રાગટ્ય નિમિત્તે વેબગુર્જરીની યાત્રાનો આજ સુધીનો પથ પાછળ ફરીને – સિંહાવલોકન દ્વારા જાણી–માણી લઈએ. આ ૪૯૯ પાંદડાં ખીલવવાની સાથે સાથે આ WGTREE ઉપર કયાં કયાં અને કેટલાં ફળો પણ સર્જાયાં છે તેના ઉપર પણ એક નજર નાખી લઈએ. (આ ફળો એવાં છે, દ્રૌપદીના હાથની રસોઈ–શાં, જેને સૌ કોઈ આરોગી શકે છે, ને છતાં ખૂટવાનાં નથી….બલકે એની ગુણવત્તા વધવાની શક્યતાઓ ઘણી છે !!)
તો, આવો, હવે પછીના ફકરાઓમાં, તેની દરેક પંક્તિમાં દર્શાવાયેલી, આ અતિ ટૂંકા ગાળામાં પ્રાપ્ત થયેલી કેટલીક યશગાથાઓને જાણીને માણીએ :

No comments:

Post a Comment