Thursday, 14 August 2014

નાના-નાના સુખના મણકા અને દાંપત્યની માળા!
 
 
 
 
એક બહુ જાણીતી જૉક છે: એક માથાભારે પુરુષ એક વખત એક મહાત્મા પાસે ગયો અને કહ્યું: ‘બહુ ધમાલ કરી લીધી... હવે મારે સમાજસેવા કરવી છે... કોઈ રાહ ચીંધો, મહારાજ!’

મહારાજે શાંત ચિત્તે જવાબ આપ્યો: ‘તમે સમાજને નડો નહીં એ પણ એક પ્રકારની સમાજસેવા જ છે!’

આ તો થઈ સમાજસેવાની વાત, ઘરનું પણ આવું જ છે. ઘરમાં તમે પત્નીને નડો નહીં તો એ પણ એક પ્રકારની સેવા છે, એ પણ એક જાતનું ઘરકામ જ છે. લટકામાં તમે ઘરકામ પણ થોડુંઘણું જાણતા હોવ તો સોને પે સુહાગા જેવી સ્થિતિ કહેવાય.

સુખી દાંપત્યની કોઈ એક ચાવી નથી. ચાવીઓનો આખો ઝૂડો જોઈએ... ત્યારે જ દાંપત્ય. છેલ્લે આપણે આ કોલમમાં સુખી દાંપત્યની ચાવીઓ વિશે વાત કરી હતી. પણ આપણી વાત અધૂરી હતી. દાંપત્ય ત્યારે જ સ્મૂથલી ચાલતું રહે છે જ્યારે બેઉ માત્ર એકમેકને સાથ-સહકાર આપતા હોય! તો પુરુષ કેવી રીતે સ્ત્રીને સહકાર આપી શકે? કેવી રીતે સાથ આપી શકે?

પ્રસ્તુત છે સુખી દાંપત્યની વધુ કેટલીક ચાવીઓ: નહીં નહીં, કામ કરો:

અત્યંત મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. ઘરનું થોડું-થોડું કામ તમે જાણતા હોવ તો એ એક પ્લસ પોઈન્ટ છે. ઘરકામમાં પત્નીને મદદરૂપ થઈ શકો તો ઉત્તમ. ઉદાહરણ તરીકે, ક્યારેક તમે શાકભાજી સમારીને તેને મદદ કરી શકો તો કોઈ વખત આમતેમ પડેલી ઘરવખરીને તેની નિશ્ર્ચિત જગ્યાએ મૂકીને હેલ્પ કરી શકો. આ બધું ન કરી શકો તો પણ તમે મદદ કરી શકો છો. કમસેકમ તમે ઘરનું કામ વધારો નહીં. વાંચ્યા પછી અખબારને ગડી કરીને તેની જગ્યાએ મૂકો અને કપડા બદલાવ્યા પછી વસ્ત્રો ખીંટી પર ટાંગી છે. સ્નાન પછી ટોવેલ જ્યાં ત્યાં ફેંકો નહીં અને ઘરમાં જ્યાં ત્યાં નાસ્તો કરીને તેની ખાલી પ્લેટ જ્યાં ત્યાં મૂકી ના દો. આ બધી ગૃહિણીઓની આંતરરાષ્ટ્રીય અને સદાકાળની સમસ્યા છે. સદીઓથી પત્નીઓ આ અંગે પતિદેવોને ટકોર કરતી રહી છે. અને સહસ્ત્રાબ્દીઓથી આવી વાતો એક કાનથી સાંભળી બીજા કાનેથી કાઢી નાંખવાની પુરુષોને આદત છે. આ નાની-નાની વાતો ક્યારેક ઘરમાં મહાન ઝઘડાઓ માટે નિમિત્ત બને છે. પુરુષનું એક સ્ટાન્ડર્ડ બહાનું હોય છે. ‘પુરુષે ઘણા મોરચે લડવાનું હોય છે. ઘરમાં હાજર હોય ત્યારે પણ તેનું દિમાગ અલગ-અલગ જગ્યાએ ભમતું હોય છે. કારોબાર, ઓફિસ, કરિયર, ઈન્કમ, ઈન્વેસ્ટમેન્ટ... આવા અગણિત મુદ્દાઓ તેનાં મગજમાં ઘુમરાતા હોય છે. આવા સંજોગોમાં ગૃહસ્થીની દરેક બાબતોમાં ધ્યાન પરોવવું સહેલું નથી...’ સૈદ્ધાંતિક દૃષ્ટિએ આ દલીલ સાચી હોય તો પણ ગૃહસ્થીમાં એ સ્વીકાર્ય નથી હોતી. 

ફરો અને ફેરવો

બ્રેક જરૂરી છે. વાહનમાં પણ અને જિંદગીમાં પણ. તમે જો સંયુક્ત પરિવારમાં રહેતા હો તો વર્ષમાં કમ સે કમ બે ટુર તમારે (દંપતીએ) એકલા કરવી જોઈએ. સંયુક્ત પરિવારમાં લાખ પ્રકારની જફાઓ હોય છે. પતિ-પત્નીને ભાગ્યે જ સ્પેસ મળતી હોય છે. અનેક વાતો હોય છે. જેની ચર્ચા પત્ની પોતાનાં પતિ સાથે કરવા માગતી હોય છે. પરંતુ સમય ભાગ્યે જ મળે છે. આવા દંપતીઓ માટે પ્રવાસ એક પ્રકારની તાજગી આણે છે. ઘણાં સંયુક્ત પરિવારમાં વિચિત્ર પ્રથા હોય છે: તેઓ રહે છે તો સાથે જ, ફરવા પણ સાથે જાય છે! સ્ત્રીઓને ભાગ્યે જ આવું પસંદ હોય છે. પરંતુ સંયુક્ત પરિવારમાં સ્ત્રીનો કોઈ ‘વૉઈસ’ નથી હોતો. સંયુક્ત કુટુંબના વડીલોએ પણ આ વાત યાદ રાખવા જેવી છે. કમ સે કમ ફરવાની બાબતમાં તો તેમણે સંતાનોનો પીછો છોડવો જોઈએ. હા! વર્ષે દહાડે એકાદ વખત આખો પરિવાર લોન્ગ ટૂર પર નીકળે તો તેનાં ફાયદા પણ છે. પરંતુ દંપતીને પણ વર્ષે એક-બે ટૂર એકલા કરવાની આઝાદી હોવી જોઈએ.

અચ્છા આ તો થઈ જોઈન્ટ ફેમિલીની વાત. માની લો કે, તમે સંયુક્ત પરિવારમાં નથી રહેતા. આવી સ્થિતિમાં પણ તમે વર્ષમાં એક-બે વખત તો ફરવા જઈ જ શકો. અને ફરવા જવામાં તોતિંગ ખર્ચ જ કરવો એવું જરૂરી નથી. આર્થિક સમસ્યા હોય તો તમે સિમલા-મનાલીને બદલે દિવ-સોમનાથ કે કચ્છ પણ જઈ શકો અને પંચગની કે મહાબળેશ્ર્વર પણ ફરી શકો.

રોજબરોજની ઘટમાળથી સંસારચક્રમાં કાટ ચડી જતો હોય છે. પ્રવાસ તેવે ઊંજવા-માંજવાનું કાર્ય કરે છે. ખીસ્સાને પરવડતું હોય તો પહાડો પર જવાનું રાખો. તમને કોઈ મિત્રયુગલની કંપની પસંદ હોય તો સાથે તેને પણ લઈ જઈ શકો. કોઈ વખત ચાર-છ મિત્રયુગલ-બાળકો વગેરે હોય તો તેનો પણ એક આનંદ છે. પ્રવાસ માત્ર જરૂરી જ નહીં, અનિવાર્ય પણ છે. એ જીવનની ઘટમાળામાં એક પ્રકારની તાજગી આણવાનું કાર્ય કરે છે. આપણને ખ્યાલ પણ ન આવે તે રીતે એ આપણી ભીતર ચાર-છ મહિના સુધી તાજગીનું ઇંધણ પૂરી દે છે અને માત્ર લોન્ગ ટૂર શા માટે! ચોમાસાની મોસમ હોય... વાતાવરણ એકદમ આહલાદક હોય અને ચોમેર વનરાજી છવાઈ હોય... આવી મોસમમાં લોન્ગ ડ્રાઈવ પર જવાનો કે બે દિવસની વીક-એન્ડ ટૂર પર જવાનો આનંદ પણ સાવ અનોખો હોય છે. પરવડતું હોય તો દૂર કોઈ શાંત જગ્યાએ આવેલા રીસોર્ટ વગેરેમાં બે દિવસ પડ્યા રહો, કોઈ જ સાઈટ સીઇંગ નહીં, દોડવાથી નહીં... માત્ર રીલેક્સ થવાનું અને આનંદ કરવાનો. આવા નાના-નાના ઉપાયો સરવાળે તો દાંપત્યને સ્મૂથલી વહેતું રાખવામાં મોટી ભૂમિકા ભજવે છે.

સરપ્રાઈઝિંગ સરપ્રાઈઝ

સ્ત્રીઓને ‘પ્રાઈઝ’ કરતા પણ વહાલું કંઈ હોય તો એ છે સરપ્રાઈઝ. અને સરપ્રાઈઝ તરીકે દર વખતે ડાયમંડ સેટ્સ કે ગોલ્ડ જ્વેલરી જ આપવી એવું જરૂરી નથી. નાના-નાના સરપ્રાઈઝ પણ ક્યારેક મોટું કામ કરે છે. ક્યારેક ઓફિસથી વહેલા આવીને તમે કહી શકો: ‘આજે જમવાનું ઘેર નથી કરવું, ચાલ ક્યાંક બહાર જઈએ!’ આ વાક્ય બોલ્યા પછી સ્ત્રીની આંખમાં આંખ નાખીને જુઓ. અનેરી ચમક દેખાશે. શુક્રવારે ઓફિસથી આવીને પત્નીનાં હાથમાં સેટરડે નાઈટ શૉની મૂવિ ટિકિટ મૂકો અને પછી જુઓ. ક્યારેક તમે બે મહિના પછીની કોઈ ટૂરની બુકિંગ રિસિપ્ટ પત્નીનાં હાથમાં મૂકી શકો. ક્યારેક એકાદ ડ્રેસ... તો કોઈ વખત તેનાં ફેવરિટ કલરની સાડી... તો ક્યારેક સાવ અચાનક જ આઉટિંગ અથવા તમારા ખુદની હાથની રસોઈ. 

ભલે તમે ગ્રેટ કૂક ના હો... નાના-નાના સરપ્રાઈઝ ઘણી વખત મોટો આનંદ આપે છે. 

એ ભુલવું ન જોઈએ કે, બૂંદ-બૂંદ મળીને જ હોજ ભરાય છે. દાંપત્યના નાનાશાં મણકા મળીને જ એક માળા તૈયાર થતી હોય છે.

No comments:

Post a Comment