Friday, 15 August 2014


વેસ્ટમાંથી બેસ્ટ જીવનમાં પણ થઈ શકે...
 
 
સાર્થકતાના શિખરેથી - દિવ્યાશા દોશી
 
કાનપુર આઈઆઈટીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવનાર અરવિંદ ગુપ્તાએ નકામી વસ્તુઓમાંથી વૈજ્ઞાનિક પ્રયોગો કરી અનોખા રમકડાં બનાવતાં બાળકોને શીખવાડ્યાં જેથી તેઓ રમતાં રમતાં વિજ્ઞાન જેવાં અઘરો વિષય સહજતાથી શીખી શકે
 
જીવનમાં બેસ્ટનું વેસ્ટ કરનારા ઘણા જડી આવે પણ વેસ્ટમાંથી બેસ્ટ કરનારા વીરલા જ હોય. પૂનામાં રહેતા અરવિંદ ગુપ્તા એવા જ એક વિરલા છે. છેલ્લાં પાંત્રીસ વરસથી તેઓ બાળકો માટે સાયન્ટિફિક રમકડાં બનાવવાનું કામ કરે છે. અને અનેક શૈક્ષણિક પુસ્તકો તેઓ હિન્દીમાં અને અન્ય ભારતીય ભાષામાં અનુવાદિત કરીને ડિજીટલાઈઝડ કરીને મફતમાં લોકોને ઓનલાઈન વહેંચે છે.તેઓ નમ્રતાથી પોતાના મૃદુ અવાજમાં કહે છે કે મૃત્યુ પર્યંત હું આ કામ કરતો રહીશ. એમાં મને પરમાનંદ મળે છે. મારો આત્મા સાયબર સ્પેસમાં લોકોને મદદ કરતો રહેશે. કહીને તેઓ હસી પડે છે. 

જો તમે ૂૂૂ.ફદિશક્ષમલીાફિંજ્ઞિંુત.ભજ્ઞળ પર જાઓ તો તમને વિજ્ઞાનને લગતા તેમનાં દરેક રમકડાં કેવી રીતે બનાવવા તેની ૪૬૦૦ ફિલ્મો જોવા મળે. અને તે ય પાછી તમને જે ભાષામાં જોઇએ તેમાં ગુજરાતીમાં, જાપાનીશ, કન્નડા, બંગાળી જેવી ૧૮ ભાષાઓમાં છે. અને પુસ્તકો પણ મફતમાં વાંચવા મળે. 

અરવિંદ ગુપ્તા ગજબની વ્યક્તિ છે. તેઓ બેકાર નહોતા કે તેમની પાસે કોઇ ડિગ્રી નહોતી એટલે આ કામ કરે છે તેવું ય નથી. કાનપુર આઈઆઈટીમાંથી તેમણે એન્જિનયરીંગની ડિગ્રી મેળવી. આ લગભગ ૧૯૭૦ની વાત છે.ત્યારબાદ તેમણે ટાટા મોટર્સમાં નોકરી લીધી. ટ્રક બનાવવાનું કામ હતું. પણ વરસમાં જ તેમને સમજાયું કે ટ્રક બનાવવાનું કામ તેમનું નથી. નક્કી કર્યું કે ગામડામાં જઈને કામ કરવું.તેમણે શિક્ષણ ક્ષેત્રે કામ કરવાનું પસંદ કર્યું. તેમણે જોયું કે ગામડાની શાળાઓમાં સાયન્સ લેબોરેટરી નહોતી.તેના અભાવે વિજ્ઞાન સરળતાથી સમજવું બાળકો માટે અઘરું હતું. એટલે જે નકામી વસ્તુઓ મળે તેમાંથી વૈજ્ઞાનિક પ્રયોગો કરવા માંડ્યા. આમ કરતાં તેમને રમકડાં બનાવવાનો વિચાર આવ્યો જે વૈજ્ઞાનિક ઢબે કામ કરતાં હોય જેથી કરીને બાળકો રમતાં રમતાં સહજતાથી વિજ્ઞાન જેવો અઘરો લાગતો વિષય શીખી શકે. વળી આ રમકડાં નકામી વસ્તુઓમાંથી બનતા હોવાથી તેને બાળકો આસપાસ સહેલાઈથી મળતી નકામી વસ્તુઓમાંથી કોઇપણ ખર્ચા વિના બનાવી શકે છે. આમ, અરવિંદ ગુપ્તાએ એન્જિનિયરની પૈસા કમાવી આપતી નોકરી છોડીને ગરીબ બાળકો માટે રમકડાં બનાવતા શીખવાડવાનું શરૂ કર્યું. તેમણે ઓનલાઈન વેબસાઈટ અને યુટ્યુબ પર રમકડાં કઈ રીતે બનાવી શકાય અને કેવા બને તેની માહિતી મફતમાં વિશ્ર્વ સમક્ષ મૂકી છે. ખાદીના કપડાં પહેરતાં આ અલગારી જેવા ગાંધીઅન દેખાતા અરવિંદ ગુપ્તા કહે છે કે નકામી વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવવી તે કોન્સેપ્ટ પાંચ હજાર વરસ પહેલાં બુદ્ધના જીવનમાંથી આપણને મળ્યો છે. તેનાથી હું પ્રભાવિત થયો છું અને જ્યારે હું છત્તીસગઢમાં ખાણમાં કામ કરતો હતો ત્યારે ત્યાં અનેક ટ્રક ભરાઈને રેલવે સ્ટેશન પહોંચતી. ત્યાં કેટલાક છોકરાઓને મેં માચીસના ખોખામાંથી ટ્રક બનાવતા જોયા હતા. તેઓ માચીસની કાંડીને ડમ્પ ટ્રકના લીવર તરીકે ઉપયોગ કરતાં. એ ટેકનિક જોઇ મને મજા આવી હતી. તેમની ટેકનિક મેં શીખી અને આજે માચીસમાંથી હું અનેક રમકડાં બનાવું છું. વિજ્ઞાનનો ઉપયોગ રમકડાંમાં કરવાથી જે બાળકો શિક્ષણ નથી લઈ શકતાં તેમને શિક્ષણ અને રમકડાં બન્નેનો લાભ મળે છે. 

અરવિંદ ગુપ્તા નાના હતા ત્યારે તેમની પાસે ખાસ કોઇ રમકડાં નહોતા પણ કોઇ સગાં તેમના માટે વિદેશથી મિકેનો ગેમ લાવ્યા હતા. તેમાંથી એમણે અનેક જાતના પ્રયોગો કરીને મોડેલ બનાવ્યા હતા. તે અનુભવનો ઉપયોગ હાલમાં તેઓ માચીસ કે બીજી કોઇ નકામી વસ્તુઓમાંથી વૈજ્ઞાનિક શિક્ષણ આપતાં રમકડાં બનાવવામાં કરે છે. ગામે ગામ શૈક્ષણિક સંકુલોમાં, સામાજિક સંસ્થાઓમાં અનેક લોકોને તેમણે નકામી વસ્તુઓમાંથી વૈજ્ઞાનિક પ્રયોગો કરતાં કર્યા છે. 

વિજ્ઞાનને સરળ અને સહજ બનાવવામાં આખીય જિંદગી તેમણે ખર્ચી નાખી અને હજુપણ તેમનું કામ ચાલુ જ છે. તેમણે ખરેખર ઉપયોગમાં લઈ શકાય તેવા નાના મોટા પમ્પ પણ નકામી વસ્તુઓમાંથી બનાવ્યા. તેમનું માનવું છે કે વિજ્ઞાન કે ટેકનોલોજી સરળતાથી દરેક ઉપયોગ કરી શકે તેવી હોવી જોઇએ. અહીં આપણને થ્રી ઇડિયટસ ફિલ્મમાં આમિરખાને ભજવેલું વાંગડુનું પાત્ર યાદ આવે. એ પાત્રની કલ્પના કદાચ અરવિંદ ગુપ્તામાંથી જ આવી હોઇ શકે. ટેટ્રા પેક, બોટલ, રબર, ડબ્બા, બાટલી, ટ્યૂબ, કપડાં, પાંદડા, ડાળી, પેપર વગેરે જે કોઇ પણ વસ્તુ તમે અરવિંદ ગુપ્તાને આપો તેમાંથી તે સરસ રમકડું બનાવી શકશે.રદ્દી અખબારમાંથી જાતભાતની કેપ બનાવે છે તો પંખી, પંખો કે લેમ્પ પણ બનાવે. ચુંબક, સીડી વગેરેમાંથી જનરેટર બનાવે કલ્પના કરો કે આસપાસ જુઓ તે દરેક નકામી વસ્તુમાંથી તેઓ ઉપયોગી રમકડાં કે વસ્તુ બનાવી શકે છે.

અરવિંદ ગુપ્તાએ લાખોની કમાણી છોડીને વિજ્ઞાનને ગરીબ બાળકો સુધી પહોંચાડવાનું જ કામ કર્યું. તેઓ કહે છે કે, ભગવાને મને આ કામ માટે જ કદાચ મોકલ્યો હતો. રોજના આઠથી દશ નવાં પુસ્તકો તેઓ વેબસાઈટ પર મૂકવાના પ્રયત્નો કરે છે. અને ૧૦૦૦ જાતનાં રમકડાં કેવી રીતે બનાવાય તેની વીડિયો પણ છે. ટાટા ટ્રસ્ટના પૈસામાંથી તેમનો નાનો પગાર સાદું જીવન જીવવા પૂરતો છે અને તેમની સાથે બીજી ત્રણ વ્યક્તિઓ જોડાયેલી છે. તેમની પત્ની સુનીતાને જીવનનો યશ આપતાં તેઓ કહે છે કે હું તો ખાસ કશું કમાતો નથી, હા મારી પત્ની કોલેજમાં પ્રોફેસર છે. અને તેને રમકડાંમાં રસ નથી પણ મને કહી દીધું હતું કે તમારે જે રીતે જીવન જીવવું હોય તે રીતે જીવો. છેલ્લાં ત્રીસ વરસથી તેના સહયોગથી જ આટલું કામ કરી શક્યો છું. જીવનમાં પૈસાનો મોહ મને ક્યારેય નહોતો. અને સમજદાર વ્યક્તિઓને ખબર હોય છે કે રૂપિયા ખાઈ નથી શકાતા. હા જીવનનિર્વાહ પૂરતાં પૈસા જરૂરી છે બાકી જીવનનો આનંદ તો વગર પૈસે જ મળે છે. 

બાળકોને રમકડાંથી પ્રયોગ કરતાં જોઉંને તેમની આંખોની ચમક મને જે આનંદ આપે છે તે પૈસાથી ખરીદી નથી શકાતો. શિક્ષણ જીવનનો આનંદ આપી શકે તો જ મહત્ત્વનું છે. બાકી પૈસા કમાવા માટે શિક્ષણ નથી તે તો પછી વ્યવસાય છે. હું આઈઆઈટીમાં ભણ્યો ત્યારે કોઇ કોચિંગ ક્લાસ નહોતા કર્યા. એટલા ગરીબ પરિવારમાંથી આવતો હતો કે મને ભણવું પોષાય તેમ નહોતું. સ્કોલરશીપથી જ હું ભણ્યો. સમાજે મને જે આપ્યું તે સમાજને મારા કામ દ્વારા પાછા વાળવાનો પ્રયત્ન કરું છું. ટેકનોલોજી વરદાનરૂપ છે. મારા જેવા નાના માણસ માટે જો ગાંધીજી હોત તો તેમણે ય ઇન્ટરનેટનો ઉપયોગ લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન ચોક્કસપણે કર્યો જ હોત. 

તેઓ બાળકોને સલાહ આપે છે કે જંક એટલે કે નકામી વસ્તુઓ ભેગી કરો અને તેમાંથી કશુંક બનાવવાનો પ્રયત્ન કરતાં જ રહો. એક જ વારમાં જો કોઇ રમકડું બને તો શું મજા આવશે. વારંવાર પ્રયત્નો કરતાં રહેવાનો અને નવું વિચારવાનો આનંદ છે તે માણો. આમ, અરવિંદ ગુપ્તા આપણને શિક્ષણની સાચી રાહ દેખાડે છે. નવા વિચાર અને જાતે કશીક શોધ કરીને વૈજ્ઞાનિક કે એન્જિનિયર બનવાનો સહજ આનંદ તે બાળકોને આપે છે. પૈસા દ્વારા કે મોંઘી વસ્તુઓમાંથી જ આનંદ લઈ શકાય કે શિક્ષણ મેળવી શકાય તેવું નથી. આમ નવો રાહ અરવિંદ ગુપ્તા સૂચવે છે જો આપણને દેખાય તો...

No comments:

Post a Comment