Thursday, 14 August 2014

- અનુવાદક : કરીમભાઈ વોરા
[મિલાપની વાચનયાત્રા: 1957/પાનાં: 123થી 124]
મહાત્માજી અને તેમની સાથે ઈન્દોરના હિન્દી સાહિત્ય સંમેલનમાં ગયેલા અમે બધા રાજ્યના મહેમાન હતા, એટલે અમારી મહેમાનગીરીની ભારે વ્યવસ્થા કરવામાં આવી હતી. અમારે માટેનાં બધાં વાસણો – અરે, નાહવાનાં પાણી ભરવાનાં સુધ્ધાં – ચાંદીનાં હતાં. રાજ્યના માણસો રાત-દિવસ અમારી સરભરામાં રહેતા. મહાત્માજીએ તો પોતાનું મગફળી વગેરેનું સાદું ભોજન જુદું કરી લીધું. પણ અમારે માટે જાતજાતનાં પકવાન વગેરે ચાંદીના મોટા થાળમાં અને અનેક કટોરીઓમાં પીરસવામાં આવ્યાં હતાં. અમે બહુ મોજથી જમ્યા. જમ્યા પછી મહાત્માજીને મળ્યા ત્યારે તેમણે પૂછ્યું, “શું જમ્યા?” મહાદેવભાઈએ અમારા ભોજનનું વર્ણન કર્યું. થોડી વાર પછી રાજ્યના કારભારી આવ્યા એટલે મહાત્માજીએ તેમને કહ્યું, “તમે આ લોકોને જે ભોજન આપો છો તેવા ભોજનની એમને આદત નથી, એટલે તેઓ માંદા પડશે. માટે એમને માટે રોટલી ને શાકની વ્યવસ્થા કરો; થોડુ દૂધ પણ આપજો. એમને માટે એ જ તંદુરસ્તીને માફક આવે એવું સારું ભોજન છે.” ત્યાર પછી થાળ તો ચાંદીના જ રહ્યા, પણ ભોજન જે ચંપારણમાં મળતું તે જ મળવા લાગ્યું.
*
(ખેડા જિલ્લાના પ્રવાસમાં) એક દિવસ ખરે બપોરે તાપમાં ગાંધીજી સાથે હું જતો હતો. જમીન રેતાળ એટલે ધૂળ ધખતી હતી. મારા પગમાં તો પગરખાં હતાં. પણ ગાંધીજી એ દિવસોમાં ચંપલ પણ પહેરતા નહોતા. ધૂળમાં પગ દાઝવા લાગ્યા. થોડે દૂર સુધી કોઈ ઝાડનો છાંયો પણ નહોતો. મેં જોયું કે ગાંધીજીને બહુ વેદના થાય છે. મારે ખભે એક ચાદર હતી. મેં એ એમના પગ આગળ પાથરી દીધી કે જેથી તેના પર તેઓ થોડી વાર વિસામો લે અને તેમના પગને જરા રાહત મળે. પણ તેમણે તેના પર પગ ન મૂક્યો ને કહેવા લાગ્યા કે, એની જરૂર નથી; આ દેશમાં કરોડો માણસ આવા જ તાપમાં આથીયે ગરમ ધૂળમાં ને રેતીમાં ઉઘાડે પગે ચાલે છે ને કામ કરે છે. હું લાચાર થઈને ચાદર ઉઠાવી તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યો.
*
મહાત્માજીને મળવા અમદાવાદ ગયો. એ વખતે તેઓ શેઠ અંબાલાલના બંગલામાં રહેતા હતા. ગાંધીજીને પેટની બીમારી હતી. તાવ પણ આવતો. તેઓ કશી દવા લેતા ન હતા. તે વખતે તેઓ દૂધ અથવા દૂધની બનેલી કોઈ ચીજ પણ લેતા ન હતા. એટલે તેમનો રોગ કેમ મટશે એની સહુને ચિંતા હતી. એક દિવસ શહેરમાંથી હું જરા મોડેથી પાછો આવ્યો ત્યારે તેઓ બંગલેથી આશ્રમમાં ચાલ્યા ગયા હતા. હું પણ આશ્રમમાં ગયો. મેં જોયું કે તેઓ કંઈક ચિંતામાં અને ગભરાયેલા હતા. જરા વાર રહીને મહાત્માજી બોલવા લાગ્યા : “કાલે તાવ હોવા છતાં જીદ કરીને હું અહીં ચાલ્યો આવ્યો. ત્યાં મોટા મહેલમાં પડ્યા પડ્યા મને વિચાર આવ્યો કે આ મહેલમાં મારું શું કામ ? મારે તો આશ્રમમાં જ રહેવું જોઈએ; આશ્રમમાં ન જાઉં ત્યાં સુધી મને શાંતિ કેમ મળે ? અહીં આવીને પણ બહુ વાર સુધી જાગતો પડી રહ્યો ને વિચાર ર્ક્યા કર્યો કે હું શું કરું છું ? એક કામ પણ પૂરું નથી કરી શકતો ત્યાં બીજા કામમાં હાથ ઘાલું છું; એ અધૂરું જ હોય ત્યાં ત્રીજા કામમાં પડું છું. આ આશ્રમ મેં બહુ આશા ને ઉમંગથી ખોલ્યો હતો. મારી ઇચ્છા અહીં રહીને આશ્રમને આદર્શ આશ્રમ ને આશ્રમવાસીઓને આદર્શ આશ્રમવાસીઓ બનાવવાના કામમાં મંડ્યા રહેવાની હતી. પણ એ કામ હજી બરાબર શરૂ નહોતું થયું ત્યાં તો મારે ચંપારણ જવું પડ્યું. ચંપારણમાં ખેડૂતોને રાહત અપાવવાની વાત હતી તે તો એક રીતે પૂરી થઈ. પણ એટલાથી ખેડૂતોનું શું ભલું થાય ? તેમની વચ્ચે રહીને તેમની રહેણીકરણી સુધારવી, તેમને નિર્ભય બનાવવા અને ખરી કેળવણી આપવી એ મૂળ કામ છે. એને માટે મેં ત્યાં કેટલીક શાળાઓ ખોલાવી, ત્યાં તેમની વચ્ચે રહીને કંઈ કામ કરવું જોઈએ એવો વિચાર કર્યો; પણ એ રચનાત્મક કાર્યનો હજી આરંભ પણ નહોતો થયો ત્યાં કેટલીક શાળાઓ ખોલાવી, ત્યાં તેમની વચ્ચે રહીને કંઈ કામ કરવું જોઈએ એવો વિચાર કર્યો; પણ એ રચનાત્મક કાર્યનો હજી આરંભ પણ નહોતો થયો ત્યાં મારે ખેડા જવું પડ્યું. ખેડાનું કામ પૂરું નહોતું થયું એટલામાં લશ્કર-ભરતીનું કામ આવી પડ્યું. એ કામ કરતાં કરતાં માંદો પડ્યો. શું થશે, કોણ જાણે ! અમદાવાદના મિલમજૂરોમાં પણ મેં કામ શરૂ કર્યું. પણ તેયે છોડીને બીજા કામમાં પડવું પડ્યું. ત્યારે શું આખી જિંદગી આવાં અધૂરા કામોમાં જ પૂરી થશે ?”
આવી વાતો કરતાં કરતાં તેઓ એટલા આવેશમાં આવી ગયા કે તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં, ને પછી બાળકની પેઠે મોટેથી રોવા લાગ્યા. અમે છાનામાના જોઈ રહ્યા. શું બોલીએ ! શું કહીએ ! તેમને શું સમજાવીએ ! થોડી વાર પછી પોતાની મેળે જ શાંત થયા ને બોલ્યા: આટલાં આંસુ પાડવાથી કંઈક શાતા વળી, ઈશ્વરે ધાર્યું હશે તે થશે.
*** *** ***
‘વાચનયાત્રા’ના સંકલનકાર શ્રી ગોપાલભાઈ પારેખનાં સંપર્ક સૂત્ર:
• બ્લૉગ : www.gopalparekh.wordpress.com
• ઇ-પત્રવ્યવહારઃ ghparekh414@gmail.com

No comments:

Post a Comment