જીવ, તારી જી-હજૂરી જો ટળે,
શ્વાસ લેવાની પછી ઝંઝટ ન હો.
---ચિનુ મોદી ‘ઈર્શાદ’
આ દર્દ મહોબ્બતનું જે હરગીઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.
--- મરીઝ
તું મને ન શોધ ક્યાંય આસપાસમાં,
હું તને મળી શકું તારા જ શ્વાસમાં.
--- અંકિત ત્રિવેદી
ઈશ્વરને પણ ભુલાવામાં નાંખી શકે છે,
માણસની જાત દોસ્ત, બડી નામચીન છે.
--- ભગવતીકુમાર શર્મા
પ્રથમ કો’ નયનથી નયનનું મિલન,
પછી નિત્ય જ્વાળામુખીનું જતન.
--- શૂન્ય પાલનપુરી
આટલે વર્ષે હવે ઈકરાર ના કરશો તમે,
જામ શું કે ઝેર શું, સઘળું સમય પર જોઈએ.
--- મનહરલાલ ચોક્સી
અમે તો સૂઈ લીધું રાત આખી શાંત નિદ્રામાં,
નડી તમને એ વાતો જે તમે રાખી હતી મોઘમ.
--- વિવેક મનહર ટેલર
આંખમાંથી કેટલું ભૂંસવું પડે -
આંખ પંખીની પછી દેખાય છે.
--- નીતિન વડગામા
શોકનો માયો તો મરશે ન તમારો 'ઘાયલ',
હર્ષનો માર્યો મરી જાય તો કહેવાય નહીં !
--- ઘાયલ
No comments:
Post a Comment