Thursday, 4 September 2014


વિખ્યાત અંગ્રેજી ફિલ્મ 'મેટ્રિક્સ’માં એક યાદગાર ડાયલોગ હતો: 'સારા માણસોને ખરાબ સમાચાર આપવાનું મને ગમતું નથી.’ ખેર, આપવા ન ગમે એવા એક માઠા સમાચાર એ છે કે આવતા થોડા જ દાયકામાં વિશ્વની આધુનિક સંસ્કૃતિ પડી ભાંગી શકે તેમ છે. આમ તો, પ્રલયને લગતાં અનેક સમાચારો અવારનવાર પ્રગટ થતા હોય છે, પણ આ મામલો જરા ગંભીરતાથી લેવા જેવો છે. જગપ્રસિદ્ધ સંશોધનસંસ્થા નાસાએ કરાવેલા એક સંશોધનમાં આ વાત બહાર આવી છે. નાસા પ્રત્યે આપણને એટલું બધું માન છે કે અનેક ભારતીય શોધ અને સિદ્ધિ નાસા દ્વારા પ્રમાણિત થઈ હોવા વિશેની સાચી-ખોટી ખબર અવારનવાર આપણને મળતી રહે છે.

પણ આ ખબર સાચી છે. 'ધ ગાર્ડિયન’ અને 'ધ ઇન્ડિપેન્ડન્ટ’થી માંડીને અનેક અખબારોએ આ અહેવાલની વિગતો પ્રગટ કરી છે. વાત એમ છે કે કેટલાક ગણિતશાસ્ત્રીઓએ મળીને અગાઉનાં પ્રાચીન રોમન તથા ભારતીય ગુપ્તવંશ જેવા કેટલાક મહાન સામ્રાજ્યોના ઉદય-અસ્તથી માંડીને હાલની આધુનિક ઔદ્યોગિક માનવસંસ્કૃતિના ડેટા (આંકડા-માહિ‌તી)નું શુદ્ધ ગણિતના આધારે વિશ્લેષણ કર્યું તો તારણ એવું નીકળ્યું કે આપણે ધારીએ છીએ તેના કરતાં ઘણી ઝડપથી હાલની સંસ્કૃતિનું પતન થઈ શકે તેમ છે. પ્રાચીન સભ્યતાઓના પતન વિશે આ ગણિતશાસ્ત્રીઓએ નોંધ્યું છે કે સંસ્કૃતિ સામેના જોખમો પ્રત્યે બહુ મોડે સુધી સમાજના ઉચ્ચ વર્ગે આંખ આડા કાન કર્યા અને આ 'સુખી લોકો’ સબ સલામત હૈ એવી ભાવનામાં રાચતા રહ્યા, તેને લીધે છેવટે ઝડપી પતનની નોબત આવી પડી.

આવું અત્યારે પણ બની શકે તેમ છે. આ સંશોધન અહેવાલ તૈયાર કરનાર મુખ્ય સંશોધક સાફા મોતેશારી પોતે એપ્લાય્ડ મેથેમેટિશિયન છે, ગણિતશાસ્ત્રી છે. એમણે વસતિના વધારાને પર્યાવરણના ફેરફારો સાથે સાંકળીને પેચીદી ગણતરીઓ માંડીને જે તારણ કાઢયું તે સાદી ભાષામાં એવું હતું કે છેવટે સામગ્રીઓ ખૂટવાથી અને ઉચ્ચ વર્ગ તથા નીચલા વર્ગ સાવ નોખા પડી જવાથી સંસ્કૃતિનું પતન થઈ શકે છે. સાફા મોતેશારી અને એમના સાથી સંશોધકોએ માણસ અને પ્રકૃતિ વચ્ચેના સંબંધના અભ્યાસ માટેના હેન્ડી (હ્યુમન એન્ડ નેચર ડાયનેમિકલ) મોડેલના આધારે હાલની પરિસ્થિતિનો અભ્યાસ કર્યો.

આ પ્રકારના વિશ્લેષણમાં એમણે જોયું કે આમ તો હાલની સંસ્કૃતિને લાંબા સમય સુધી વાંધો નહીં આવે એવું લાગી શકે, પણ કુદરતી સંસાધનોનો ઓછામાં ઓછો ઉપયોગ થાય અને ઉચ્ચ વર્ગમાં બહુ ઓછા સભ્યો હોય એવું સ્વીકારીને ગણતરી કરવામાં આવી તો પણ તારણ એવું નીકળ્યું કે એક તબક્કે બહુ ઝડપથી ઉચ્ચ વર્ગનો ઉપભોગ અત્યંત વધી જવાથી નીચલા વર્ગે 'દુકાળ’ વેઠવો પડે અને છેવટે સંસ્કૃતિ પડી ભાંગે એવી શક્યતા છે

આ સંશોધન માટે નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેન્ટરે ભંડોળ પૂરું પાડયું હતું. મૂળ તો ઔદ્યોગિક જગતની હવે પછીની સદી કેવી હશે એ સમજવા માટે આ સંશોધન કરવામાં આવ્યું હતું. પરંતુ વાસ્તવિક આંકડા અને હકીકતોનું થિયોરિટિકલ મોડેલ દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે સદી તો બહુ દૂરની વાત છે, પરિસ્થિતિ વણસવાનું શરૂ થાય તો થોડા જ દાયકામાં ઔદ્યોગિક સંસ્કૃતિ વેરવિખેર થઈ શકે તેમ છે.

આમ તો ગાંધીએ પણ આધુનિક સંસ્કૃતિ સામે માનવજાતને ચેતવેલી અને અનેક પર્યાવરણપ્રેમીઓ પણ બેફામ ઉપભોગ સામે જગતને ચેતવી રહ્યા છે. પરંતુ આમાંના ઘણા ખરા ચેતવણીકારો આંકડા-વિગતો-વિશ્લેષણ વિના ફક્ત અંત:સ્ફૂરણાથી ચેતવણી આપતા હોવાને લીધે એમને બહુ ગંભીરતાથી લેવામાં આવતા નથી. પરંતુ આવી ચેતવણીને હવે વિજ્ઞાન, ખાસ તો ગણિત, પણ ટેકો આપે છે ત્યારે એની ગંભીરતા વધી જાય છે.

વાત બહુ સાદી છે. તમે જ કહો, આપણા શહેરો વિકસતાં જ રહે, વિકસતાં જ રહે એ શક્ય છે ખરું? એક શહેરમાં વાહનોની સંખ્યા ખૂબ વધી જાય તો પછી રસ્તા પહોળા કરી કરીને કેટલા પહોળા કરવાના આપણે? એક ઉપર બીજા ઉપર ત્રીજો એવા કેટલા ફ્લાયઓવર્સ બાંધવાના આપણે? છેવટે પાઘડીનો વળ છેડે આવવાનો જ અને યાતાયાતનું આખું માળખું પડી ભાંગે એવું બનવાનું જ. આ તો ફક્ત વાહનવ્યવહારની વાત થઈ.

કુદરતી સંપત્તિનું વિચારો. વિશ્વમાં કેટલું અનાજ પાકી શકે, પાણી કેટલું વાપરી શકાય, પૃથ્વીના પેટાળમાં ઓઇલ અને ખનીજનું પ્રમાણ કેટલું છે એ બધા વિશે વિચારીએ તો પેચીદા વિશ્લેષણ વિના સામાન્ય માનવી પણ કહી શકે કે કુબેરનો ભંડાર ખૂટી શકે તો પૃથ્વીની કુદરતી સંપત્તિ પણ ખૂટી જ શકે.

તો કરવાનું શું? મોતેશારીના અહેવાલનું તારણ એવું છે કે જગતનું આર્થિ‌ક સંતુલન બહુ ડામાડોળ ન થાય એનું ધ્યાન રાખવામાં આવે તો સંસ્કૃતિનું પતન રોકી શકાય. મોતેશારી જણાવે છે: 'જો કુદરતી સંપત્તિ ખુટાડવાનો માથાદીઠ દર ઘટાડવામાં આવે અને (સમગ્ર માનવસતિમાં) કુદરતી સંપત્તિના વપરાશને ઠીક ઠીક હદે સરખા ભાગે વહેંચવામાં આવે તો સંસ્કૃતિનું પતન અટકી શકે તેમ છે.’

સાદા શબ્દોમાં કહીએ તો થોડા જ લોકો ઝાઝું બધું ઓહિ‌યા કરી જાય એ ન ચાલે અને બધા જ લોકો ઝાઝું ઓહિ‌યા કરવા લાગે એ પણ ના ચાલે. અમીરોએ પોતે વપરાશ ઘટાડવો પડે અને અમીર-ગરીબના વપરાશ વચ્ચે બહુ ઝાઝું અંતર ન રહે એનું ખાસ ધ્યાન રાખવું પડે. આ બધું કહેવું જેટલું સહેલું છે એટલું જ કરવું અઘરું છે. શક્ય છે કે છેવટે ઠોકર ખાઈને માનવસમાજે પાઠ શીખવો પડે. ગુજરાતીમાં તો કહેવત છે જ: વાર્યા ન વળે એ હાર્યા વળે.

બીજી પણ એક પંક્તિ છે: એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી. મોતેશારીએ પોતાના અહેવાલમાં નોંધ્યું છે: 'સંસ્કૃતિનું ઉદય અને પતન ખરેખર તો સમગ્ર ઇતિહાસમાં વારંવાર જોવા મળતી ઘટના છે.’ તો શું ઔદ્યોગિક સંસ્કૃતિનું ચક્ર ઉદયથી અસ્ત તરફ દોડી રહ્યું છે? ખબર નથી, પણ શક્યતા ખરી.

No comments:

Post a Comment