Wednesday, 10 September 2014

જ્યારે એકાંતથી પ્રેમ થઈ જાય...


મનની વાત : અંકિતા વોરા
આજકાલ લોકો પોતાનામાં એટલા મગ્ન થઈ ગયા છે કે તેમની પાસે બીજા કોઈ માટે સમય જ નથી. મોટેભાગે આ વાત મહાનગરો માટે કહેવામાં આવતી હતી, પરંતુ હવે લગભગ બધાં જ શહેરોની તસવીર કંઈક આવી જ છે. લોકો પોતાની આ વ્યસ્તતાથી ભલે ખુશ હોય, પરંતુ વાસ્તવમાં આ વ્યસ્તતા તેમને એવું
એકાંત ભેટ કરી રહી છે કે જે તેમને પાછળથી ડિપ્રેશનનો શિકાર બનાવી શકે છે. શરૂઆતમાં તેનો અહેસાસ બહુ જ ઓછો થાય છે, પરંતુ જ્યારે આપણને સમસ્યાઓ ઘેરી લે છે અને આપણો સાથ આપવા માટે આજુબાજુમાં કોઈ નથી હોતું ત્યારે આ એકાંત ખૂલીને આપણી સામે આવે છે અને આપણને આપણી જિંદગી એક સજા જેવી લાગવા લાગે છે.
એકાંત બન્યું ફેશન : આજે એકાંત એક ફેશનની જેમ લોકોને પોતાની તરફ આર્કિષત કરે છે. લોકો પોતાની જાતને સૌથી અલગ દેખાડવા માટે વ્યસ્ત રહેવું પસંદ કરતા હોય છે. હવે તો એવું થઈ ગયું છે કે લોકો રજાના દિવસે પણ એકબીજાને મળવાની જગ્યાએ મોલમાં ફરવું વધુ પસંદ કરવા લાગ્યા છે. ત્યાં સુધી કે તેમની પાસે ઘરે આવેલા મહેમાનની આગતા સ્વાગતા કરવાનો પણ સમય નથી. એટલે જ કદાચ સામાજિક જીવનમાં લોકોની સક્રિયતા ઓછી થતી જાય છે. લોકો બીજાની જેમ જીવવા નથી માગતા, તેઓ આઝાદ રહેવા માગે છે. આ જ કારણ છે કે લોકો હવે ન્યુક્લિઅર ફેમિલીનો વધુ આગ્રહ કરવા લાગ્યા છે.
સ્વાસ્થ્ય માટે ખતરનાક : સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ એકાંત અમુક બાબતોમાં ખતરનાક સાબિત થાય છે. તેનાથી વ્યક્તિના વ્યવહાર ઉપર પ્રભાવ પડે છે અને સ્વાસ્થ્ય ઉપર પણ. એકાંત વ્યક્તિને દુઃખી માનસિકતાવાળી બનાવી દે છે અને તેના દિમાગની અન્ય ક્ષમતાઓ ઉપર પણ તેની આડઅસર થતી હોય છે. આટલું જ નહીં એકાંતમાં રહેવાવાળી વ્યક્તિને બીપી અને હાઇપર ટેન્શન જેવી બીમારીઓ પણ થઈ શકે છે.
યુવાનો થયા વધુ એકલા : યુવાનોમાં એકાંતની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે. તકનીકની સાથે ચાલવાવાળી પેઢી એ સમજી જ નથી શકતી કે વાસ્તવિક દુનિયામાં તેની પાસે મિત્રોની કમી થતી જાય છે. ઓફિસમાં કામ ખતમ કરવા અને બાકીના સમયે ઈ-મેલ, સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સ ઉપર વિતાવવાના ચક્કરમાં તેમને બીજું કંઈ વિચારવા માટે સમય જ નથી હોતો. વર્ચ્યુઅલ દુનિયા તેમને થોડા સમય માટે બધાની સાથે હોવાનો અહેસાસ તો કરાવે છે, પરંતુ તેની સરખામણી સાથે બેસીને કરવામાં આવતી વાતચીત અને મોજમસ્તીની સાથે ન કરી શકાય. એટલે જ કામમાં વ્યસ્ત રહેવા છતાં આજના યુવાનો પોતાને અંદરથી એકલા મહેસૂસ કરે છે, પરંતુ કોઈની સાથે તે શેર કરવામાં ભય અનુભવે છે, કારણ કે તેમને એવું લાગે છે કે જો તેઓ કોઈની સાથે તે શેર કરશે તો લોકો તેના ઉપર હસશે.
નવી શરૂઆત કરો : એકાંતને દૂર કરવા માટે તમારા મિત્રો અને ફેમિલીને ફરીથી તમારી વધુ નજીક લાવો, જેમને તમે પાછળ ક્યાંક છોડી ચૂક્યા છો. દુનિયાથી બેખબર એકલતાની પસંદગી કરવાથી સારું છે કે તમે લોકોને મળો. એકલા રહેવાથી જીવવાની ઇચ્છા ઓછી થઈ જાય છે, જ્યારે લોકોનો સાથ મેળવીને જિંદગી ખીલી ઊઠે છે.

No comments:

Post a Comment