Monday, 8 September 2014

નિવૃત્તિ પણ મજાની હોય તો? મજા જ મજા પડી જાય! (મનોવૃત્તિ)


'ગરિમાપૂર્ણ નિવૃત્તિ' એટલે એવી નિવૃત્તિ, જેમાં તમે મનથી નિવૃત્તિ માટે તૈયાર હો,પૈસાની લેવડદેવડ, કામ તમારા સહકર્મચારીને સોંપી દીધું હોય, ઉમળકાભેર અથવા તો તમે તમારા કામના કલાકો ઓછા કરી દીધા હોય, પૈસેટકે તમે તમારા ભવિષ્યની સગવડ કરી લીધી હોય. આ નિવૃત્તિ દરમિયાન તમારા વ્યસ્ત દિવસોને કારણે બાકી રહી ગયેલા તમારા શોખ તમે પૂરા કરી શકો. નિવૃત્તિ લેવી એ તમારા માટે બોજરૂપ ન હોય. આ બદલાવને તમે પ્રેમપૂર્વક સ્વીકારી શકો
એક મિત્રને હાલમાં મળવાનું થયું. તે શહેરના પ્રસિદ્ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ત્યાં છેલ્લાં પાંચેક વર્ષથી કામ કરે છે. તેના બોસ નિવૃત્તિની સમયમર્યાદાની નજીક નજીક પહોંચી રહ્યા છે. મારા મિત્રે તેમનો વિશ્વાસ સારો એવો સંપાદન કર્યો હતો. તેમની ગેરહાજરીમાં પણ તે ઓફિસનું દરેક કામ સંભાળી લેતો. તેના બોસને વેકેશનમાં અમેરિકા જવાનું થયું. જતાં જતાં તેમણે મારા મિત્રને એક જ વાક્ય કહ્યું, "મારી ગેરહાજરીમાં દરેક ક્લાયન્ટને પૂરતો સમય આપજે, તેમનું કામ એટલું સારી રીતે કરજે કે જેથી તેઓ બીજી વાર તારી પાસે જ આવે! મારી ફરિયાદ કરે કે સાહેબ હવે સમય નથી આપતા." આ વાત સાંભળીને મારો મિત્ર આભો જ બની ગયો.
નિયતિના ઘરની વાત કંઈક અલગ છે. તેના પિતાજી શહેરના જાણીતા વકીલ છે. વર્ષોની મહેનતથી તેઓ શહેરમાં સારું એવું નામ કમાયા છે. આજે તેમની પાસે કામની બિલકુલ કમી નથી, પરંતુ કામનો ઓવરલોડ છે, આથી તેઓ ધીમે ધીમે કંટાળ્યા છે. નિયતિ તેમને ઘણું સમજાવે છે. પપ્પા, સાથે કોઈ મદદનીશ વકીલ રાખી લો. તમારું કામ વહેંચાઈ જશે, તમારો માનસિક સ્ટ્રેસ પણ એનાથી ઓછો થશે, પરંતુ તેના પપ્પા બીજાની ઉપર ભરોસો સહેલાઈથી નથી કરી શકતા. તેમનો જીવ જ નથી ચાલતો. કેવી રીતે બીજાને પોતાનું કામ સોંપે? એકાદ વખત તેમણે આનો પણ પ્રયોગ કરી જોયો, પરંતુ મદદનીશ વકીલને તેઓ ખૂબ જ ઓછો પગાર આપતા. વળી, કામમાં પણ ચીકચીક, આથી બિચારો થોડા જ મહિનામાં કામ છોડીને ભાગી ગયો.
દરેક વ્યક્તિ જીવનમાં જેમ જેમ આગળ વધે છે, તેનું કામ, વ્યાપાર, ધંધો આગળ વધે. નામના મેળવે, પ્રતિષ્ઠા મેળવે, પૈસો મેળવે. કામમાં ઉત્તરોત્તર વધારો થતો જાય, કામનું દબાણ વધતું જાય, સાથે સાથે ઉંમર વધે, આથી કામ પહેલાં જેટલું સારી રીતે ન પણ થઈ શકે. જો પોતાનો ફેમિલી બિઝનેસ હોય તો વળી તેમાં પણ તકલીફ થઈ શકે. એક સજ્જનને મળવાનું થયું. તેઓ તણાવમાં હતા. તેમને પૂછયું તો જણાવ્યું કે, મારા દીકરાને મારા બિઝનેસમાં રસ નથી. તે બીજો ધંધો કરવા માગે છે. જો તે નવો ધંધો શરૂ કરશે, તો મારા બિઝનેસનું શું થશે? બહારની વ્યક્તિને હું મારો સઘળો વ્યાપાર કેવી રીતે સોંપી શકું? અને એથી વિપરીત, સંતાન તમારો ફેમિલી બિઝનેસ કરવા તૈયાર હોય, પરંતુ તેના પિતા તરીકે તમને તેની આવડતની માહિતી છે. તમે જાણો છો કે કદાચ તે આ બિઝનેસને વધારે સારી રીતે ન ચલાવી શકે. આવા સંજોગોમાં શું કરવું? નિવૃત્તિ લેવી? ક્યારે લેવી? કેવી રીતે લેવી? પોતાનાં કામનું શું થશે? બીજી વ્યક્તિ પોતાનું કામ બરાબર કરી શકશે?
બીજી વ્યક્તિ વિશ્વાસપાત્ર હશે કે નહીં? પોતે બીજાને કામ સોંપી શકશે કે નહીં? પોતે બીજી વ્યક્તિ પર ભરોસો મૂકી શકશે કે નહીં? બીજી વ્યક્તિના કામને ચલાવી શકશે કે નહીં? પોતે નિવૃત્તિ બાદ શું કરશે? આવા અનેક સવાલો મૂંઝવતા હોય છે.
પહેલા કિસ્સામાં બોસ આરામથી તેના સહકર્મચારી પર ભરોસો મૂકે છે, તેને સ્વતંત્ર રીતે કામ કરવાની પ્રેરણા આપે છે, તેના આત્મવિશ્વાસમાં વધારો કરે છે. તેનો બોસ-પણ આ બાબતે ઉદાર મન ધરાવે છે. પોતાની ઉંમર વધી રહી છે, કામ વધી રહ્યું છે, તેવા સંજોગોમાં તે બીજી વ્યક્તિને પ્રોત્સાહિત કરે છે, જેથી તેના વ્યાપારમાં પણ વધારો થાય, સંબંધો લાગણીસભર બને. પોતાના સહકર્મચારી ઉપર વિશ્વાસ રાખવાથી, તેના મનમાં પોતાના બોસ પ્રત્યે માન ઉદ્ભવે. પોતાનું કામ તે વધારે નિષ્ઠા, વફાદારીથી કરી શકે, જ્યારે નિયતિના પપ્પાના કિસ્સામાં વાત આનાથી વિપરીત છે, તે બીજા ઉપર ભરોસો જ નથી મૂકી શકતા.
નિવૃત્તિ લેવી એ ખૂબ જ અઘરો અથવા તો જટિલ પ્રશ્ન હોઈ શકે છે, જ્યારે અમુક લોકો માટે તે ખૂબ જ આસાન હોય છે. અમારા એક પાડોશી ડોક્ટરે ધીમે ધીમે સાંજની ઓપીડી જોવાની બંધ કરી. તેઓ આ નિર્ણયથી ખૂબ ખુશ હતા. તેમણે જણાવ્યું કે હવે તેઓ આરામથી સાંજની ચા પોતાની પત્ની સાથે પી શકશે, સાંજે ચાલવા જઈ શકશે, ગાર્ડનમાં મિત્રોને મળવા જઈ શકશે, સ્વિમિંગ માટે જઈ શકશે, પોતાના જે મિત્રોને ખૂબ વ્યસ્ત રહેવાથી નહોતું મળી શકાતું,તેમને મળી શકાશે! નિવૃત્તિ આમની જેમ અમુક લોકો માટે ખુશીનું કારણ બનીને આવે છે.
પરંતુ નિવૃત્તિ કેવી રીતે લેવી? જેને 'ય્ટ્વિષ્ઠીકેઙ્મ ઇીંૈિીદ્બીહં' - ગરિમાપૂર્ણ નિવૃત્તિ' તરીકે ઓળખાય છે, એટલે શું? આ એવી નિવૃત્તિ છે કે જેમાં તમે મનથી નિવૃત્તિ માટે તૈયાર હો, પૈસાની લેવડદેવડ, કામ તમારા સહકર્મચારીને સોંપી દીધું હોય, ઉમળકાભેર અથવા તો તમે તમારા કામના કલાકો ઓછા કરી દીધા હોય, પૈસેટકે તમે તમારા ભવિષ્યની સગવડ કરી લીધી હોય, મેડિકલ ઇમરજન્સી તમે નિભાવી શકવાની ક્ષમતા રાખતા હોય. આ નિવૃત્તિ દરમિયાન કામ સિવાયના સંબંધોમાં તમે ધ્યાન કેન્દ્રિત કરી શકો, પોતાના કુટુંબ, બાળકોને સમય આપી શકો. તમારા વ્યસ્ત દિવસોને કારણે બાકી રહી ગયેલા તમારા શોખ તમે પૂરા કરી શકો. નિવૃત્તિ લેવી એ તમારા માટે બોજરૂપ ન હોય. આ બદલાવને તમે પ્રેમપૂર્વક સ્વીકારી શકો. સાથે સાથે તમારી ઉંમર વધી રહી છે, તમારી કામ કરવાની ક્ષમતા ઘટી રહી છે, એવું પણ તમે સ્વીકારી શકો. અમુક લોકો નિવૃત્તિ બાદ કોઈ બીજું જ કામ શરૂ કરે. એવુંય બને કે તેમાં તેમની કમાણી અને કામ કરવાનો સંતોષ વધારે હોય.
નિવૃત્તિનો સામનો દરેક વ્યક્તિએ આજે નહીં તો કાલે કરવાનો જ છે! તો શા માટે ગરિમાપૂર્ણ નિવૃત્તિ ન લઈએ?

No comments:

Post a Comment