ગુમ થયેલી ખુદના ઘરની લાગણી, પારકા ઘરમાં જડે તો થાય શું? (જીવન-ઉત્સવ)
જીવન-ઉત્સવ : ખલીલ ધનતેજવી
આજકાલ ફેસબુકનો તીખો તમતમતો દોર ચાલી રહ્યો છે. વાતની વાત,મુલાકાતની મુલાકાત અને મનોરંજનનું મનોરંજન. આ બધામાં મનોરંજન અગત્યની બાબત છે. આજે મનોરંજન માટે લોકો ઝંખે છે, એટલું વલખે છે. ટેલિવિઝનના આગમન પૂર્વે ભારતમાં મનોરંજનનાં બે જ સાધનો હતાં- નાટક અને સિનેમા. છતાં મન ભરીને એ લોકો મનોરંજન માણી શકતા હતા. આજે ટેક્નોલોજીએ મનોરંજનના બેશુમાર દરવાજા ઉઘાડી આપ્યા છે, છતાં આજની પેઢી મનોરંજન માટે વલખાં મારે છે. ટીવી, મોબાઇલ, લેપટોપ, એસ.એમ.એસ. વોટ્સ એપ, ફેસબુક, યુ ટયૂબ, બ્લોગ, ટ્વિટર જેવાં નવોદિત ઉપકરણો ઉપરાંત નાટક સિનેમા જેવાં જૂનાં સાધનો પણ આધુનિક વાઘા સજીને પહેલાંના જેટલાં જ હાથવગાં હોવા છતાં મનોરંજનની બાબતમાં આજની પેઢીને ક્યાંક કશી ઊણપ વર્તાયા કરે છે અને એ ઊણપને પૂરવા માટે રેવપાર્ટી જેવી નાજાયઝ પ્રવૃત્તિનું આયોજન કરવાનું દુઃસાહસ પણ કરી બેસે છે. ઘરેથી બહાર જવા નીકળેલી દીકરી સહીસલામત ઘરે પાછી આવી જાય એ અંગે આજનાં મા-બાપ સતત ચિંતા કરતાં હોય છે. અગાઉના દીકરીનાં બા-બાપને આવી ચિંતા પજવતી નહોતી. અગાઉના જમાનામાં દીકરીઓ ઘરની બહાર જતી જ નહોતી એવી પગમાથા વગરની દલીલો સાર્થક નીવડે તેમ નથી, કારણ કે એ જમાનામાં પણ શાળા-કોલેજો ધમધોકાર ચાલતી હતી. આજના કરતાં એ જમાનાની શાળા-કોલેજો વધુ વ્યવસ્થિત ચાલતી હતી. દીકરીઓ ભણવા જતી હતી. એ જમાનાની દીકરીઓ પણ ભણીગણીને લેખિકા બની છે, વાર્તાકાર અને નવલકથાકાર બની છે, પ્રોફેસર બની છે, પ્રિન્સિપાલ બની છે, જુદાં જુદાં ક્ષેત્રમાં ઓફિસર પણ બની છે અને દેશની વડાપ્રધાન બનનાર પ્રથમ મહિલા ઇન્દિરા ગાંધી પણ એ જૂના જમાનાની જ દીકરી હતાં. નહેરુજીને દીકરીની ચિંતા નહોતી. ફેસબુકની યુવાપેઢી મા-બાપને ચિંતા કરાવે છે.
સાવ એવું પણ નથી. ઘણા યુવક-યુવતીઓ સમજપૂર્વક ફેસબુકનો સદુપયોગ કરે છે. મનોરંજન ઉપરાંત જીવનમાં ખપ લાગે એવું પણ ઘણું બધું મેળવે છે. સમાજના દાધારંગીઓ ફેસબુક પર પહોંચી જાય, એમાં ફેસબુકનો વાંક શું? જેવું સમાજમાં છે એવું બધું જ ફેસબુક પર ઠલવાય છે. એવું જ બધું નવલકથાઓમાં અને ફિલ્મોમાં ઠલવાય છે, પણ આ બધામાં નહોતા એવા છેતરાવાના ચાન્સીસ ફેસબુકે અંકે કરી લીધા છે એ વાતનો ઇનકાર થઈ શકે તેમ નથી. આમતેમથી પીડાતા લોકો ફેસબુક પર આવીને જલસા કરે છે. આપણી પાસે એક જૂની કહેવત છે, 'ઘરનો દાઝ્યો વનમાં ગયો તે વનમાં લાગી આગ!'આજે ઘરના, સમાજના અને સામયિકના દાઝ્યા વનમાં જવાના બદલે ફેસબુક પર પહોંચી જાય છે. ત્યાં ગયા પછી જ જાણવા મળે છે કે અહીં પણ આગ છે. અહીં પણ દાઝવાનું છે. સાંત્વના મેળવવા ફેસબુક પર ગયા હોય ને ત્યાં જઈને દાઝ્યા હોય એવા ઘણા કિસ્સાઓ સતત પ્રસિદ્ધ થતા રહે છે અને સમાજને આંચકો અને અજંપો પ્રદાન કરતાં રહે છે.
આમ થવું એ સ્વાભાવિક છે. દાઝ અને સાંત્વના બંને સમાંતરે નિર્માયા છે અને સમાંતરે જ રહેવાના છે. એમાં યુગાંતરની કોઈ અસર ક્યારેય વર્તાઈ નથી. હાસ્ય બધે જ છે તેમ રુદન પણ બધે જ છે અને આ બધું યુગાંતરોથી ચાલતું આવ્યું છે. આનંદના પ્રસંગોના સમાંતરે દુઃખના પ્રસંગો યુગોથી યથાવત્ છે. ફેસબુક પર પણ આ બધું પહેલેથી મોજૂદ છે અથવા માણસ જ્યાં જાય છે ત્યાં આ બધું સાથે લઈને જ જાય છે. જ્યાં એક્શન હોય છે ત્યાં રિએક્શન હોય છે. ક્રિયા હોય ત્યાં પ્રતિક્રિયા હોવાની જ. જ્યાં વિશ્વાસ હોય છે ત્યાં જ વિશ્વાસઘાત હોય છે. પ્રતિક્રિયા માટે ક્રિયાનું હોવું જેટલું જરૂરી છે એટલું જ વિશ્વાસઘાત માટે વિશ્વાસનું હોવું જરૂરી છે. એવું જ જ્યાં પ્રેમ છે ત્યાં નફરત પણ છે. જ્યાં મિલન છે ત્યાં જ વિયોગ પણ હોય છે. જ્યાં વફાદારી છે ત્યાં જ બેવફાઈ છે. નુક્કડ પર જે થતું હતું તે હવે ફેસબુક પર થઈ રહ્યું છે. ફેસબુક પણ ટેક્નોલોજિક નુક્કડ જ છે. નુક્કડ પર તો ચોરીછૂપીથી, ડરતાં ડરતાં મળવાનું થતું. એ ભયની અનુભૂતિ પણ આનંદ આપી જતી હતી. રૂબરૂ મળવાનું થતું. ક્ષણ બેક્ષણ માટેય એકબીજાને જોવાજાણવા તક મળતી હતી. ફેસબુક પર તો પેલા ફિલ્મી ગીતની માફક, 'દેખા ન હાય, સોચા ન હાય, રખ દી હથેલી પર જાન...' અગાઉ જીવ તાળવે ચોંટી જતો હતો, હવે હથેળી પર આવીને તરફડે છે.
ફેસબુક પર કેટલાંક ફાવી ગયા છે ને કેટલાંકને ન પુરાય એવું નુકસાન વેઠવું પડયું છે. કેટલાંક બ્લેક મેઇલિંગનો શિકાર બન્યા છે. સમજદાર યુવક-યુવતીઓએ ફેસબુકનો સદુપયોગ કરીને મનોરંજન ઉપરાંત બીજું ઘણું મેળવ્યું છે, એ કબૂલ પણ એ લોકોએય જે ગુમાવ્યું છે તે ક્યારેય પાછું મેળવી શકે તેમ નથી. પ્રેમપત્રથી વંચિત આ પેઢીએ હસ્તાક્ષરને ચુંબન કરવાનો લહાવો ગુમાવ્યો છે. સુહાગરાતની અંગેઅંગ ધ્રુજારી પ્રસારી દેતી દિલધડક ક્ષણે નવોઢાના ચહેેરા પરનો ઘૂંઘટ હટાવવા જતાં વધી જતાં દિલના ધબકારા અને ધ્રૂજતા હાથનો આહ્લાદક કંપ માણવાનું ગુમાવ્યું છે, "ઝટ જાઓ ચંદનહાર લાવો ઘૂંઘટ નહીં ખોલું રે!" એવું કહેવાની તક આજની યુવતી ગુમાવી બેઠી છે. ફેસબુક ઝિંદાબાદ!
ત્યાં ખબર પૂછનારુંય કોઈ નથી,
થઈ જશો નિરાધાર પાછા વળો.
No comments:
Post a Comment