અતિસંવેદનશીલ ઉર્ફે 'સેન્ટી' લોકોની સાઇકોલોજી (મનોવૃત્તિ)
મનોવૃત્તિ : ડો. નમિતા ગાંજાવાલા
ટેલિવિઝન અત્યારે આપણાં સૌ કોઈના જીવનનું અગત્યનું અંગ બની ગયું છે. ચોવીસે કલાક ચાલુ જ હોય. જાતજાતની સિરિયલો, પ્રોગ્રામ્સ, સળંગ ચાલુ ને ચાલુ જ હોય. જ્યાં આખો દિવસ ટીવીની સામે બેસી રહેનારા લોકોની કમી નથી ત્યારે તેની મન ઉપર થતી અસરો વિશે વિચારતાં મારી જાતને હું રોકી શકતી નથી. તેવામાં જ મારી મુલાકાત પ્રતીક્ષા જોડે થઈ. આમ તો તે પણ ટીવીની દીવાની. તેના ઘરે ૨૪*૭ ટીવી ચાલુ જ હોય, પરંતુ હમણાં હમણાં તેણીએ ટીવી જોવાનું સદંતર બંધ કરી દીધું. ખાસ કરીને ક્રાઇમને લગતાં પ્રોગ્રામ્સ. તેણી ઘરમાં બીજા કોઈને પણ આ પ્રકારના પ્રોગ્રામ્સ જોવા ન દે. તેના પતિએ જણાવ્યું કે, એકાદ એવો એપિસોડ હતો કે જેમાં એક મા કોઈક કારણસર પોતાના દીકરાને કૂવામાં ધકેલી દે છે! જ્યારથી તેણીએ આ એપિસોડ જોયો છે તે ખૂબ ગભરાયેલી રહે છે. દીકરાથી પણ થોડી અતડી રહે છે. મને વારંવાર એક જ સવાલ પૂછે છે કે હું તો મારા દીકરાને કૂવામાં નહીં નાખી દઉંને? સતત એને આવો જ ભય લાગે છે. એને થોડી વાર સમજાવી કે ગાંડી, આ તો ટીવી છે. આનાથી ગભરાવું નહીં. થોડાં દિવસો બાદ ધીમે ધીમે તે સ્વસ્થ થઈ.
આજથી થોડાં વર્ષો પૂર્વે એક નાનો છોકરો કૂવામાં રમતાં રમતાં પડી ગયો, એના સમાચાર વાયુવેગે ફેલાયાઃ તે સમયે જ્યાં સુધી તે બાળક બહાર ન આવ્યું ત્યાં સુધી જ્યાં જુઓ ત્યાં એક જ ન્યૂઝ હોય. કેટલાય લોકોએ તેના માટે બાધાઓ રાખી, માનતાઓ માની. ખાવાનું મૂકી દીધું, આખી રાત તેઓ પણ જાગ્યા. છોકરું બહાર આવ્યું, ત્યારબાદ જ તેઓએ આરામનો શ્વાસ લીધો!
આવું જ કંઈક જ્યારે એકતા કપૂરની ટીવી ધારાવાહિક 'ક્યોં કી સાસ ભી કભી બહૂ થી'ના મુખ્ય પાત્ર મિહિરનું મૃત્યુ બતાડવામાં આવ્યું ત્યારે થયું હતું. કેટલાય લોકોએ એકતા કપૂરને ધમકીઓ આપી, તેને મનાવી અને ફરીથી તેના પાત્રને ધારાવાહિકમાં જીવંત બતાવ્યું. આવું તો અનેક ધારાવાહિકમાં બને છે. અમુક ખાસ પ્રકારનાં લોકો આવી દરેક ઘટનાથી ખૂબ પ્રભાવિત થઈ જાય છે. જેને આપણે ઘણી વાર 'સેન્ટી' છે એમ કહીને સંબોધીએ છીએ.
અહીં આપણે આવા સેન્ટી લોકોની જ વાત કરવાની છે. આ એવો વર્ગ છે જે ટીવી, ન્યૂઝ, મીડિયામાં આવતાં દૃશ્યો, જાહેરાતો, સિરિયલો, સમાચારોથી કંઈક નોર્મલ અથવા સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં પ્રભાવિત થઈ જાય છે. તે ઘણી વાર એટલી હદ સુધી હોય છે કે તેઓ તેમના પ્રમાણે જ વિચારવા માંડે, વર્તવા માંડે. સિરિયલમાં એવું બતાવે કે પતિ મહાશય ઘરે રોજ મોડા આવે છે. તેનું કારણ તેના અનૈતિક સંબંધો હોય છે. તો આ પ્રકારની સેન્ટી કે ઇમોશનલ સ્ત્રી પણ એ પ્રકારે જ વિચારવા માંડે! વગર કારણે તે પોતે જ પોતાના ઘરમાં કંકાસ ઊભો કરે! ફિલ્મમાં કોઈ ઇમોશનલ સીન આવે, દીકરો મા-બાપને તરછોડે. કોઈનું મૃત્યુ થાય એવું દર્શાવે ત્યારે અસંખ્ય લોકોને રડતાં આપણે બધાંએ જોયા જ છે!
'બાગબાન' પિક્ચર વખતે થિયેટરમાં લગભગ બધાં જ મા-બાપ ઉપરાંત યુવાનોને પણ રડતાં જોયા હોવાના કિસ્સા છે. ફિલ્મો, ટીવી ધારાવાહિકો હવે માત્ર મનોરંજન પૂરતી નથી રહી. તેમાં લવ, રોમાન્સ, કૂરતા, હોરર જેવા પ્રકારનો પણ મોટાપાયે સમાવેશ થાય છે. હોરર ફિલ્મોનો વ્યાપ આપણે ત્યાં ઓછો નથી. હોરર મૂવિ જોતાં કેટલાયને હાર્ટએટેક આવી જાય એવુંય બને. થોડાં વર્ષો પહેલાં તો એક ડિરેક્ટરે પોતાની હોરર મૂવિ માટે એવી શરત પણ મૂકી હતી કે આ મૂવિ તમે થિયેટરમાં નાઇટ શોમાં એકલાં બેસીને જોઈ શકો તો તમને ગિફ્ટ આપીશું!
હોરર ફિલ્મો જોયા બાદ બાળકો જે પહેલેથી જ ગભરુ પ્રકારનાં હોય છે તેની મનોસ્થિતિ વધારે બગડે છે. માંડ માંડ બચ્ચું એકલું રૂમમાં જતું થાય, તેવામાં જો એકાદ પણ હોરર સીન જોઈ નાખે એટલે પૂરું! ફરીથી રૂમમાં એકલા જવાનું બંધ!
આ બધી વાતો કરવાનો મતલબ ખાસ કરીને એવા લોકો માટે છે કે જેઓ થોડાં ગભરુ છે, થોડો ચિંતાવાળો સ્વભાવ રાખે છે, જેને પહેલેથી જ થોડી થોડી એન્ગ્ઝાઇટી-ડિપ્રેશન છે જ! તે લોકોનાં મન ઉપર ઊંડી અસર પડે છે. ક્યાં તો તેઓ એમાં વધારે પ્રમાણમાં ઊંડા ઊતરી જાય, ક્યાં તો તે પ્રમાણેની જિંદગી જીવવા માંડે. અમુક લોકો તો આત્મહત્યા સુધી પહોંચી જાય! 'એક દૂજે કે લિએ' ફિલ્મ આવી હતી ત્યારે પણ સમાજમાં કેટલો હોબાળો થયો હતો. અમુક લોકોએ આત્મહત્યાના પ્રયાસો પણ કર્યા હતા!
આવા સેન્ટી લોકોનાં મન ઉપર માત્ર નેગેટિવ જ અસરો થાય છે એવું નથી! દુકાળ, પૂર, રેલ-કુદરતી આફતોના સમાચારો પણ આ પ્રકારના સેન્ટી લોકોને કંઈક વધારે જ અસર કરતાં હોય છે. જે લોકો આવા સમયે લાખો રૂપિયાની રાહત, દવાઓ, સામગ્રીઓ, મદદ પહોંચાડતા હોય તેઓ મોટાભાગે આ પ્રકારના 'સેન્ટી' 'ઇમોશનલ' લોકો જ હોય છે. સમાજમાં જ્યારે બળાત્કાર થાય ત્યારે પણ મોટાભાગે આ લોકો જ આગળ આવતાં હોય છે. આ પ્રકારની ઘટનાઓની જાણ થયા બાદ લોકો પોતાનું વધારે ધ્યાન રાખે, પોતાની સેફ્ટી કેવી રીતે રાખવી તે શીખે. બળાત્કારના વધતા જતાં કિસ્સાઓ બાદ તો સમાજમાં તે માટેની અવેરનેસ પણ વધી. લોકોએ એ માટેની વિવિધ એપ્સ પણ બનાવી!
સેન્ટી કે ઇમોશનલ હોવું કોઈ બીમારી નથી, પરંતુ ઘણી વાર તે છુપાયેલી માનસિક બીમારીનો ભાગ હોઈ શકે છે. તેવા કિસ્સામાં તે સારું થઈ શકે છે. આ માટે અલગ દવાઓ લેવાની જરૂર દરેક વખતે નથી હોતી! 'સેન્ટીમેન્ટાલિટી' એ એક વ્યક્તિત્વનું લક્ષણ છે. આ લોકો માત્ર ચેનલ, ફિલ્મ, મીડિયા પ્રત્યે જ નહીં, સંબંધોમાંય વધુ પડતા સેન્સીટિવ હોય એવું બની શકે છે!
No comments:
Post a Comment