દિલ્લી સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવતો યુવાગૌરવ પુરસ્કાર આ વર્ષે શ્રી અનિલ ચાવડાને ‘સવાર લઈને’ પુસ્તક માટે મળી રહ્યો છે. ૫ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ સાહિત્ય અકાદમીએ આ જાહેરાત કરી. વેબગુર્જરી આ નિમિત્તે આપણા આ યુવાન કવિને અભિનંદન આપે છે.
- પુસ્તક : સવાર લઈને || કિંમત : ૧૨૫/- રૂ.
પ્રકાશક : નવભારત સહિત્ય મંદિર,
૨૦૨, પેલિકન હાઉસ, ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના કમ્પાઉંડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯
અનિલ ચાવડાની રચનાઓ એક પ્રકારની આંતરિક ખોજ રહી છે. હાલમાં જ એમણે પ્રકાશિત કરેલી કાવ્યકૃતિમાં આ ભાવ બરાબર ઝિલાયો છેઃ
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો,
ધરતીને કિરણો અડકે એમ જ્યારે તમને અડ્યો.નાનકડો એક રજકણ હું તો
ક્યાં ઓળંગું સીમા?
ધૂળ અને ઢેફાની માફક
પડ્યો હતો માટીમાં;
પીંડ તમે બાંધ્યો મારો તો હું ય ચાકડે ચડ્યો.
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.એક સવારે આમ તમારું
સવાર જેવું મળવું;
છાતી અંદર રોકાયું ના
રોકાતું કૂંપળવું!
પવન વગર પણ પાન ઉપરથી ઝાકળ જેવું દડ્યો.
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.
મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના, લખતર તાલુકાના સાવ નાનકડા ગામ કારેલાના વતની છે. પિતા સાવ સાદા-સામાન્ય ખેડૂત. રોજનું કમાઈને રોજ ખાનારા કામદારનો આ છોકરો નાનપણથી શબ્દને ઘુંટતો રહ્યો.
અનિલ ચાવડા કહે છે કે “હું કવિતા લખું છું, કારણ કે મારે પોતાને મળવું છે. કવિતા દ્વારા હું મારા શ્વાસને ઈસ્ત્રી કરીને રાખી શકું છું. મેં આગને કાગળના પડીકે બાંધવાના મિથ્યા પ્રયત્નો કર્યા છે, અને આ પ્રયત્નોમાંથી ઉદભવી છે કવિતા. કવિતાએ મને નહીં આવેલાં આંસુને પણ લૂછવાની શક્તિ આપી છે. કવિતા દ્વારા હું મને જગત પાસે વંચાવી શકું છું…મારાથી જે કવિતા શ્વસાય એનો અહેવાલ માત્ર આપું છું આપને. આથી વિશેષ કંઈ પણ જાણવું હોય તો મારી કવિતાઓને પૂછો પ્લીઝ.”
[][][][]
અનિલભાઈ વિષે કેટલાંક મંતવ્યોઃ
- હું આ કવિને અવાર નવાર સાંભળતો રહ્યો – માણતો રહ્યો. કાયાકદ નાનું, પરંતુ કાવ્યકદ ઘણું જ ઊંચું અનુભવાય છે. ‘સવાર લઈને’ પાઠકને – વાચકને – ગાયકને અને શ્રાવકને ‘બાગ’ આારામ આપશે એવી શ્રદ્ધા અસ્થાને નથી.
– મોરારિબાપુ
- ઉર્દૂના – હિન્દુસ્તાન-પાકિસ્તાનના ખૂબ જ મોટા નક્કાદ અર્થાત વિવેચક પ્રો. વારિસ અલવીએ જાહેરમાં એમ કહ્યું હતું કે આદિલ પછી અનિલ ચાવડા દ્વારા ગઝલ બદલાય છે. – ચિનુ મોદી
- ગુજરાતી ગઝલ ક્ષેત્રે છેલ્લા દાયકામાં જે નવોદિત ગઝલકારો આવ્યા એમાં અનિલ ચાવડા ઘણી બધી રીતે જુદા પડતા કવિ છે. – હર્ષ બ્રહ્મભટ્ટ
- અનુભૂતિની ધાર વગરનાં ફિક્કાં, જુઠ્ઠાં, બુઠ્ઠાં, વાતમાં માલ વગરનાં સર્જનો વચ્ચે કહેવા જેવી વાત લઈને આવતા અનિલની કવિતા બે હાથે વધાવવા જેવી છે.– સૌમ્ય જોશી
આ વિશેષ સન્માનના અધિકારી શ્રી અનિલની કવિતાઓમાં જે વિશેષતાઓ રહેલી છે તેને માણવા તો આપણે શ્રી જુગલભાઈ દ્વારા કરાવાયેલો “એમની વિવિધ કવિતાઓમાં જોવા મળતો વૃક્ષપ્રેમ !” જ નિહાળવો રહ્યો
શ્રી અનિલ ચાવડાનાં કાવ્યોમાં તીવ્ર વૃક્ષપ્રેમ.
– જુગલકિશોર વ્યાસ
વૃક્ષ વિષયક આ કાવ્યોમાં એની નજાકતોને કવિએ જુદીજુદી રીતે દર્શાવી છે. કહે છે –
ત્યાં પતંગિયું જ બેઠું હશે હોં,
એટલે એ પાન ઝૂકી ગયું છે.
એટલે એ પાન ઝૂકી ગયું છે.
પતંગિયાના ભારથી પણ ઝૂકી જતાં પાનની એ નાજુકાઈ હશે કે પછી પતંગિયાની કોમળતા અને એના રંગોથી અભિભૂત થઈને પાન નમી ગયાં હશે ? ! વળી એ જ પાંદડાં જેમ રંગોથી અભિભૂત થઈ શકે છે તેમ પ્રકૃતિદત્ત કેટલાક ધ્વનિઓનેય ઓળખી ને સમજી શકતાં જ હશે ને ? નહીંતર પંખી ઊડી ગયાં પછી પણ એનું ધ્વનિમાધુર્ય સાચવી જાણે શી રીતે ?! કહે છે –
ડાળ પર પડઘાય છે એક ટહુકો,
ક્યારનું પંખી તો ઊડી ગયું છે.
ક્યારનું પંખી તો ઊડી ગયું છે.
આટઆટલી નાજુકતાને ઓળખીને પ્રગટ કરી શકાતી હોય તો પછી વરસભર એક પછી એક આવતી–જતી રહેતી વિવિધ ઋતુઓની તો વાત જ શી કરવી ? એકએકથી ચડિયાતી ઋતુઓ કેટલી મોટી અસરો વૃક્ષ પર મૂકી જતી હોય છે તે વાત કવિ બે જ પંક્તિઓમાં કેવી સચોટ ને સ–રસ રીતે કરે છે…જુઓ,
ડાળે ડાળે શુભ સંદેશા,
ઋતુઓ સઘળી ટપાલ થઈ ગઈ.
ઋતુઓ સઘળી ટપાલ થઈ ગઈ.
વૃક્ષને સ્પર્શી ગયેલી ઋતુઓ કેવી જબરી અસર કરી દેતી હોય છે કે આસપાસનાં સઘળાં જીવજંતુઓ ને માનવો સહિત સૌને તેની જાણ વહેંચી દે છે – જાણે ટપાલી !!
વૃક્ષો સાથે આપણે માનવો તો સદાય ને સતત જોડાયેલાં છીએ પણ માનવેતર જીવોને તો એમની સાથે શ્વાસોછ્વાસનો જાણે સંબંધ હોય છે. વૃક્ષો પર જ જેમનો વાસો હોય છે તે પક્ષીઓનું માહાત્મ્ય સર્જક સાવ જુદી જ ભાતથી સમજાવે છે –
માંડ મૌનના ગુલમ્હોરોમાં થ્યો’તો મ્હોરું મ્હોરું
ત્યાં જ કરી ‘ચીં…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું
ત્યાં જ કરી ‘ચીં…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું
કવિ ગુલમહોરના રંગોથી અભિભૂત થઈને ‘અવાચક’ થયો હોય છે…મૌનના ગુલમહોરમાં તરબતર હતો… જાણે એક નાનકડી સમાધિનો અનુભવ કરતો હતો, તેવામાં જ કોઈ ચકલીનું ચીં એનો તપોભંગ કરી દે છે !!
જોકે ‘બાંકોરું’ કહીને કવી એક નવી બારી પણ ખોલી આપે છે : પહેલી નજરે તો ચકલી રંગમાં ભંગ પાડતી જણાય છે પણ બાંકોરું શબ્દ વડે જાણે સર્જકને તો એક નવું પરિમાણ પ્રાપ્ત થાય છે !! રંગો અને સુગંધમાં દર્શનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય એ બે ઇન્દ્રિયો તો રોકાઈ જ ગઈ હતી પણ ચકલીના ચીં વડે કર્ણેન્દ્રિયને પણ કામગીરી મળી જાય છે ! કવિ જાગી જવાને બદલે જાણે વધુ લીન થઈ જાય છે વૃક્ષધ્યાનમાં ! (“મૌનના ગુલમહોર” દ્વારા કવિ મૌનને જાણે શણગારે છે પણ એ ગુલમહોરને યાદ કરીને છેવટે તો તેઓ પ્રકૃતિના સાંનિધ્યમાં આપોઆપ પ્રગટતા મૌનને સમજાવે છે. મૌનનો ગુલમહોર કે ગુલમહોર દ્વારા પ્રગટતું મૌન ?!)
કેવળ એક ‘ચીં’ વડે વિંધાઈ જનારો આ સર્જક વનસ્પતિની આસપાસ તપાસ આદરે છે. ત્યાં ઉપસ્થિત, પછી તે મોટું વૃક્ષ હોય કે નાનકડો છોડ, કે કોમળ ને કમનીય વેલી હોય, પણ એ બધાંની આસપાસ પક્ષીઓના નિવાસની કોઈ ને કોઈ નિશાનીને શોધે છે. ક્યાંક ને ક્યાંક તો જરૂર એનાં સગડ હશે જ માનીને કહે છે,
કોઈ પંખીનું મજાનું ગીત, પીંછું, પાંખનો ફફડાટ અથવા કાંઈ પણ;
વૃક્ષમાં છે કે નહીં ? છે તો પછી કઈ ડાળખીમાં એ જ મારે જોવું છે.
વૃક્ષમાં છે કે નહીં ? છે તો પછી કઈ ડાળખીમાં એ જ મારે જોવું છે.
પંખીનો એકાદ ટહુકો, કોઈ ખરી ગયેલું નાજુક પીંછું, અરે કોઈ પાંખનો સચવાઈ રહેલો ફફડાટ પણ વૃક્ષમાં હોય જ. ( ન હોય તે કેમ ચાલે, હોય જ.) પણ તો પછી એ કઈ જગ્યાએ સંતાયાં છે એની શોધ કરીને જે તે ભાગ્યશાળી ડાળખીને તેઓ શોધે છે !!
પરંતુ રે, ક્યારેક તો જીવનમાં એવા તબક્કાયે આવતા હોય છે જ્યારે આ બધી કોમળકોમળ લાગણીઓને વીંધી નાખનારાં પ્રસંગો ઊભા થઈ જાય છે. પાંદડુંય ક્યારેક તો છૂટું પડે જ છે; પીંછુંય ક્યારેક તો ખરે જ છે. શ્વાસ જેવા શ્વાસનું તૂટી જવું–ખૂટી જવું પણ જીવનનો જ એક ભાગ છે. ને એવે સમયે આ સર્જકજીવનમાં પડી જતી આ તિરાડને સાંધી ન શકાનારી વાસ્તવિકતાને દર્શાવીને એક નિરાશાનેય ઉપસાવી દે છે…આ પંક્તિઓમાં –
ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?
ને પછી તો વધુમાં ઉમેરીને સાવ નિરાશાની ભાષા બોલે છે :
કરમાઈ જે ગયું છે એ પુષ્પને ફરીથી,
એના જ મૂળ રૂપે ક્યાંથી લવાય પાછું ?
એના જ મૂળ રૂપે ક્યાંથી લવાય પાછું ?
અહીં સુધી તો કવિ કુંપળ સાથે, કુંપળની અસરથી કોમળ હતા. (“અત્યારે હું કૂંપળમાં છું.”)
પૂર્ણ વૃક્ષ છે મંજિલ મારી,
અત્યારે હું કૂંપળમાં છું.
અત્યારે હું કૂંપળમાં છું.
પણ પૂર્ણ વૃક્ષની મંજિલ રાખનારા કવિને નિરાશ કરી મૂકનારી બાબતો એક પછી એક સામે આવીને ઝકઝોરી મૂકે તો શી નવાઈ ? એક સાવ જ નવી શૈલીમાં ને સાવ નવા અભિગમથી કહે છે –
“પંખી વત્તા કલરવ વત્તા સુંદર તાજી અટકળ વત્તા…
પ્રભાત વત્તા પુષ્પો વત્તા મોતી જેવું ઝાકળ વત્તા…
પ્રભાત વત્તા પુષ્પો વત્તા મોતી જેવું ઝાકળ વત્તા…
અહીં સુધી તો બધું બરાબર હતું પણ પછી જે બનવા લાગ્યું તેનો પડઘો તરતની જ બીજી બે પંક્તિઓમાં તીવ્ર વિરોધાભાસથી પાડે છે –
“વૃક્ષો વત્તા છેદન વત્તા બારી ને દરવાજા વત્તા,
ખુરશી વત્તા ટેબલ વત્તા શોભા વત્તા કાગળ વત્તા…”
ખુરશી વત્તા ટેબલ વત્તા શોભા વત્તા કાગળ વત્તા…”
જ્યાં કલરવો હતા, પુષ્પોનો મઘમઘાટ હતો, મોતી જેવાં ઝાકળબુંદો હતાં ત્યાં શહેરીજીવનને કારણે ઊભી થયેલી સ્થિતિનો નર્યો વાસ્તવિક ચિતાર આગળની જ પંક્તિઓના લયમાં ને એ જ શૈલીમાં કેવી સચોટતાથી અપાયો છે !! એક માત્ર ‘છેદન’ શબ્દ દ્વારા વૃક્ષોનાં કેટકેટલાં ને કેવાંકેવાં રુપાંતરો થઈ જાય છે તેનું નિદર્શન આ કાવ્યની નવતર શૈલીમાં કરાયું છે.
બધેથી નિરાશાને પામી ગયેલા કવિને હવે ક્યાંય, કોઈ અસર વૃક્ષોના વૈભવની કે એના ભૂતકાલીન અનુભવોની થતી નથી :
ન પુષ્પ કે સુગંધની ન ડાળ કે વસંતની,
હવે તો કોઇની થતી ન સહેજ પણ અસર-બસર.
હવે તો કોઇની થતી ન સહેજ પણ અસર-બસર.
વૃક્ષોના છેદનની વાત કવિજીવને તો પોતાની જ ચામડીને ઊતરડવાની વાત જેવી હોય છે. એની વેદનાને ન સમજી શકનાર કોઈ એને ઠાલો દિલાસો આપવા જાય તોય એને સહન ન થઈ શકે. વૃક્ષો અંગે વાત કરવા માટેય એક લાયકાતની જરૂર હોય છે. ગમે તે માણસ ગમે તેમ કરીને વૃક્ષોનું માહાત્મ્ય કરવા જાય તો કવિ તેની કૃત્રિમતાને પારખી શકે છે –
સાવ સુક્કા વૃક્ષ જેવું મોં કરીને,
પાંદડાંની વાત કે’ છે, પાંદડાંની ?
પાંદડાંની વાત કે’ છે, પાંદડાંની ?
(પાંદડાની વાત કરે છે તું, પાંદડાની ?! તારો શુષ્ક ને કૃત્રિમ ચહેરો જ કહી દે છે કે, તારી એને માટેની લાયકાત જ નથી.) કહે છે, જ્યારે પણ તક મળી, જ્યારે પણ કોઈ વેલને પાન ફૂટ્યાના કે ફૂલ ખિલ્યાના સમાચાર આવ્યા ત્યારે મેં તો હોંશેહોંશે વધામણી મોકલી’તી…પરંતું હે માનવી ! તેં શું કર્યું ?! –
પાંદડુંયે જો હલાવ્યું તો ખબર મેં મોકલાવ્યા,
મૂળ સોતાં ઝાડ તેં કાપ્યાં, છતાં અણસાર આપ્યો ?
મૂળ સોતાં ઝાડ તેં કાપ્યાં, છતાં અણસાર આપ્યો ?
(યુગોથી ધરતીને બથ ભરીને ઊભેલાં વૃક્ષોનું તેં નિકંદન કાઢી નાખ્યું તેની વાતનો અણસારેય પણ આવવા દીધો ?! વૃક્ષોને કાપ્યાં, ત્યાં મકાનો ચણ્યાં, માનવોને વસવાટ આપ્યો ને પાછું એ જ માનવોને લોલિપોપ જેવા બગીચા કરી આપ્યા !! ને બગીચામાં પાછા બાંકડા મૂક્યા – વૃક્ષોનાં થડિયાંમાંથી જ બનાવીને ! – એવા બાંકડા ઉપર બેસીને લોકો જીવનની સંધ્યાએ પાછાં ફિલસૂફી ડોળશે પણ સામે ઊભેલાં વૃક્ષોને શું થતું હશે ?
વૃદ્ધથી રડવું જ રોકી ના શકાયું,
વાત જ્યારે નીકળી આ બાંકડાની.
વાત જ્યારે નીકળી આ બાંકડાની.
શહેરી જીવનવ્યવહારોએ વૃક્ષોની જે દશા કરી છે તેનાથી વ્યથિત કવિ આ બધી વ્યથાઓને શબ્દદેહ આપીને આપણને ચીંટિયો ભરે છે. આજની પર્યાવરણીય પરિસ્થિતિનો સાચો બળાપો કાઢે છે.
ને છતાં આ સર્જકજીવને વનસ્પતિનું માહાત્મ્ય હૈયે છે. એના ગુણોના તે મરમી છે. ક્ષમા એ તો વૃક્ષોનું ભૂષણ છે. એનું કાઠું પણ કોઈ એવું તકલાદી નથી કે કવિનો વાચક પણ નિરાશામાં ગર્ત થઈ જાય અને નિરાશામાં જ રહે ! કવિ તો જતાં જતાં બે વાત વળી પાછી એવી પણ સંભળાવતા જાય છે જે વાચકને પ્રેરણા આપે –
કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.
તો સાથે સાથે ચંદન–વૃક્ષોની ખાસિયતો આપણને સમજાવીને કહે છે કે, વૃક્ષોનું માહાત્મ્ય જાણીને, સમજીને વૃક્ષોના ભલા માટે જે કોઈ મથશે, જે કોઈ ઘસાશે, તેઓની મહેંક આવનારા સમયમાં ચોક્કસ ફેલાવાની જ છે !!
એમણે ચંદન સમા અવસર ઘસ્યા છે,
એમની પણ જાત ચોકકસ મ્હેંકવાની.
એમની પણ જાત ચોકકસ મ્હેંકવાની.
શ્રી અનિલ ચાવડાનાં કાવ્યોમાં વૃક્ષજગતનો જે કાંઈ આછેરો પરિચય થયો છે તેને આજે આમ વહેંચવાનો અવસર મળ્યો છે. મારા પ્રિય વાચકોને એનો થોડોકેય સ્પર્શ થશે તો આ કાર્યની મહેંક પામીશ.
અસ્તુ.
[][][][]
અને હવે કવિના પોતાના અવાજમાં જ એક કાવ્ય સાંભળીએ
શ્રી અનિલ ચાવડાનાં સંપર્ક સૂત્રો :
- ઈ-સંપર્ક: anilchavda2010@gmail.com
- બ્લૉગઃ અનિલ ચાવડા
- મો. + 91 9925604613
No comments:
Post a Comment