Thursday, 24 July 2014

આવી સરળ વ્યવહારું પગલાંની અસર હવે થશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વાર મુંબઈની ટૂંકી મુલાકાતે હોદ્દો ગ્રહણ કર્યા બાદ આવી ગયા અને તે મુલાકાત ખૂબ જ લો-પ્રોફાઈલ રાખવામાં આવી હતી. નાગરિકોમાં આ વાતની નોંધ લેવામાં આવી છે કે તેમણે ટ્રાફિકનો અવરોધ કર્યા વગર જ સરળતાથી આવ-જા કરી અને કોઈને બહુ ખબર પડી નહોતી.

બ્રાઝિલની તેમની મુલાકાત દરમિયાન તેમણે કોઈ જ પત્રકારને તેમના પ્રતિનિધિમંડળમાં સામેલ કર્યા નહોતા. સામાન્ય રીતે આવી રીતે વડા પ્રધાનની મુલાકાતમાં ૧૫ થી ૨૦ જેટલા પત્રકારો હોય છે. પરંતુ આ વેળાએ કોઈ નહોતા. માત્ર પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોના એક જ સિનિયર અધિકારી હતા અને તેમણે ઈ-મેઈલ દ્વારા સઘળી માહિતી મોકલી હતી.

મીડિયા અને ટીવી ચેનલોએ તેમની મુલાકાતને બહુ કવરેજ આપ્યું નહોતું. પરંતુ પ્રજાને માથે કરોડો રૂપિયાનો ખર્ચ બચી ગયો. વિદેશયાત્રા અને તેના ખર્ચા પ્રજામાં ઘણાં જ અપ્રિય છે. પરંતુ વડા પ્રધાને ઘણી મક્કમ શરૂઆત કરી છે. બિનજરૂરી કહી શકાય તેવા ઘણાં ખર્ચા ઓછા કરવાની શરૂઆત થઈ છે તે પ્રશંસનીય વાત છે.

વિદેશયાત્રામાં મોટે ભાગે તો અંગ્રેજીભાષાના પત્રકારો અને ટીવી ચેનલોને જ ભાગ લેવાની તક મળતી હતી. પ્રાદેશિક ભાષાને બહુ સ્થાન નહોતું. વળી આવી રીતે જનારા પૈકી કેટલાક તો હવામાં ઊડતા હોય તેવી મનોવૃત્તિ ધરાવનારા હતા તેઓ ત્યાં ખરેખર કઈ બાબતો આકાર લેતી હોય છે તેનું વિવરણ કરી શકતા નહોતા. માત્ર ઔપચારિક વાત જ જણાવતા હતા.

વડા પ્રધાન તરીકે મોદીએ ઘણી જ રીતે નવા ચીલા પાડ્યા છે. તેમના નવી દિલ્હીના સત્તાવાર નિવાસસ્થાનથી વિમાની મથક જવા તેમણે સબ-વે મોટર રસ્તાનો ઉપયોગ શરૂ કર્યો છે. આથી ટ્રાફિક જામ કે વી.આઈ.પી. મોટર પસાર થતી હોય ત્યારે રસ્તા બંધ કરવાની બાબત હવે ભૂતકાળ બની છે.

તેમની સાથે કેન્દ્રના પ્રધાનમંડળના અન્ય સભ્યોએ પણ હવે કરકસર અને બિનજરૂરી ખર્ચા ટાળવાની શરૂઆત કરવી જોઈએ. બિનઉત્પાદક ખર્ચા ઘટાડવાની આવશ્યકતા અને અગ્રતાક્રમને સ્થાન આપીને પ્રજા પર આર્થિક બોજ ઘટે તેમ થવું જોઈએ. ખોટા ખર્ચા બંધ થાય તો કરવેરા ઘટવાના છે. અહીં વાત વ્યાજબી કરકસરની છે.

જ્યારે વડા પ્રધાન મુંબઈ મહાનગરની મુલાકાતે આવે છે. તેવે વખતે કોઈ જ દેખાડો કર્યા વગર જ તેમણે સીધી ભાભા એટોમિક સેન્ટરની મુલાકાત લઈને વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરીને હાલની કેન્દ્ર સરકારની જરૂરત અને અપેક્ષા સમજાવી હતી. વડા પ્રધાને ઓરિસ્સા ખાતે રોકેટ લોન્ચિંગ વખતે પણ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરી હતી.

વિજ્ઞાન અને ટેક્નોલોજીના આ યુગમાં ભારતની વિજ્ઞાન શક્તિ અને સામર્થ્યને ઓળખવાની જરૂર છે. વડા પ્રધાન આ દિશામાં આગળ વધ્યા છે. નેતૃત્વ ગતિશીલ હોય તો આવા ઘણા ઉપેક્ષિત ક્ષેત્ર અને વિષયને પ્રજાના કલ્યાણ અને હિતમાં કાર્યાન્વિત કરી શકાય તેવું છે. ૧૨૫ કરોડની જનસંખ્યા ધરાવતું રાષ્ટ્ર ખરેખર બહુરત્ના વસુંધરા છે.

જ્યારે જ્યારે કરકસરની વાત આવે છે તેવે વખતે હંમેશાં બીજા પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ સ્વયં તેની શરૂઆત માટે કોઈ તૈયારી રાખતા નથી. સૌથી વધુ ખર્ચ સરકારી વિભાગો કરે છે તેમણે ખર્ચા ઓછા કરવાની શરૂઆત કરવી રહી. પ્રત્યેક વિભાગ અનુસરણ કરશે તોજ કંઈક પરિણામ જોવા મળશે.

કેન્દ્ર સરકારના ૬૦ જેટલા વિભાગ છે અને પ્રત્યેકનું બજેટ ખૂબ જ મોટું છે. હવે તેમના દ્વારા ખર્ચાને બદલે કરકસર કરવાના લક્ષ્યાંક નક્કી કરવામાં આવે તો વધારે કર કોઈ નાગરિક પર લાદવાની જરૂર પડે તેમ નથી. પ્રજાની અપેક્ષા ઓછા કરવેરાની છે તે સ્વીકૃત કરવા સરકારી તંત્રએ જ યોગ્ય પગલાં ભરવા રહ્યા.

બચત પ્રવાસ ખર્ચ-સ્ટેશનરી - ઈલેક્ટ્રિસિટી અને પેટ્રોલ ડીઝલ ઉપરાંત કોમ્યુનિકેશન સહિતના ક્ષેત્રમાં સરકારી વિભાગ ઘણો ખર્ચ બચાવી શકે તેમ છે. પરંતુ એકવાર ઉપરથી શરૂઆત થઈ છે એટલે ક્રમશ: ખર્ચા ઘટતા જશે, ભલે થોડા ઘટે તો પણ એક પ્રણાલિકા સ્થાપિત થતી જશે જે લાખની પણ સમાન હશે.

વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની કામગીરીનું મૂલ્યાંકન પ્રજા કરે છે. એક જ વહીવટી નિર્ણય દસ્તાવેજોમાં સેલ્ફ એટેસ્ટેશનથી ભારતની પ્રજાના ૧ હજાર કરોડ માનવ કલાકોની બચત થઈ છે અને રૂપિયામાં તેની કિંમત કેટલી તે માત્ર પ્રજા સમજી શકે છે. આવું તો હજુ ઘણું થવાનું છે - તેમ જ હાલમાં થઈ રહ્યું છે.

હાલમાં નાગરિક ખૂબ જ સજાગ છે. તેઓ એક ખૂણામાં થતાં સારા કાર્યની પણ નોંધ રાખે છે એટલું જ નહિ તેમાં સહયોગ પણ આપે છે. આવે વખતે જો પ્રજાની શક્તિનો પણ સહયોગ લેવાય તો વિરાટ વામનના પગલાં જેવી બાબત બને છે. ભારતની શક્તિ તેની માનવશક્તિ છે અને તેનો ઉપયોગ થવો જોઈએ.

No comments:

Post a Comment