હેય ડૂડ, હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. હેવ યુ ડન યોર બીટ?
ટિન્ડરબોક્સ : અભિમન્યુ મોદી
એક વર્ષ પહેલાં ૧૫મી ઓગસ્ટે રાજકોટમાં એક એન્જેલો મનન તરીકે ઓળખાતી રાજસ્થાની મહિલા નામે મનન ચતુર્વેદીએ સતત ૨૪ કલાક ઊભા રહીને નોન-સ્ટોપ પેઇન્ટિંગ કર્યું. ના, લિમ્કા બુકમાં પોતાનું નામ ચમકાવવા માટે નહીં, પણ પોતે સંભાળેલાં ૯૪ બાળકોનાં ભરણપોષણ માટે જરૂરી ફંડ ઊભું કરવા માટે. એ ૯૪ બાળકોની સાથે જ પોતાનાં ૩ બાળકો પણ રહે છે અને આ પહેલી વખતનું નથી. આની પહેલાં પણ તેઓએ ૮ વખત મિનિમમ ૨૪ કલાક સુધી નોન-સ્ટોપ પેઇન્ટિંગ કરીને બાળકો માટે જરૂરી નાણાં ઊભાં કરી બતાવ્યાં હતાં. એમાંથી એક વખતનો એમનો વિક્રમ હતોઃ સતત ૭૨ કલાક નોન-સ્ટોપ પેઇન્ટિંગ. પ્રોફેશનથી ફેશન ડિઝાઇનર એવી વ્યક્તિ આટલાં બધાં બાળકોના ઉછેરની જવાબદારી સુપેરે નિભાવવા માટે એકલપંડે તપ કરે છે.
૬૮મી વખત પંદર ઓગસ્ટ આવી. નાના-નાના બદલાવ સિવાય ઇન્ડિપેન્ડન્સ ડે રાબેતા મુજબ જ ઊજવાશે. નવી દિલ્હીમાં દેશની તાકાતસભર પરેડ હશે (જેને ટીવીમાં પણ જોવાવાળા ક્રમશઃ ઓછા થતા જાય છે.) અર્ધ નગ્ન મેલાંઘેલાં ભૂખ્યાં બાળકો પાસેથી ખરીદેલા ડબલ-લેયર્ડ ભારતના ઝંડાઓ સ્કૂટરના હેન્ડલ કે ગાડીના ડેશબોર્ડને શોભાવશે. તો એ જ લાચાર બાળકો સ્વાતંત્ર્ય દિન પરની સ્પીચમાં કોઈ પોલિટિશિયનને કામ આવશે. સ્કૂલનાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે દિવસોથી કરેલી મહેનત તાળીઓના ગડગડાટથી વધાવાશે. ટીવી પર દેશભક્તિનો તત્કાલીન પારો ચડાવતી ફિલ્મો આવશે, તો ન્યૂઝ અવર્સમાં 'ઇઝ ઇન્ડિયા રિયલી ઇન્ડિપેન્ડન્ટ?'ના વિષય પર સામાન્ય ભારતીયો અને રાજકારણીઓ વચ્ચે પરિણામ વિહીન ચર્ચા થશે. બધા ખુશ થશે અને દેશનાં અમુક નબળાં પાસાંઓને કારણે દુઃખી પણ. મિક્સ્ડ ઇમોશન્સ, ઊભરાશે અને રાષ્ટ્રધ્વજને હજુ તો સૂર્યાસ્ત પહેલાં ઉતારાશે એની પહેલાં એ શમી પણ જશે. પછી ફરીથી એ જ રૂટિન ચાલુ.
દર વર્ષે લગભગ આવી જ ઘટમાળ રિપીટ થાય છે અને જીવન દોબારા ટ્રેક પર. સ્વતંત્રતાના દિવસની વાત ચાલે છે તો એક ખાસ વાત ધ્યાન પર આવી ?સ્વતંત્ર ભારતના આજ સુધી આવેલા વડાપ્રધાનોમાં છેક અડસઠમેં વર્ષે આપણને આઝાદ ભારતમાં જન્મ્યા હોય એવા વડાપ્રધાન મળ્યા. એનું બીજા શબ્દોમાં ભાષાંતર એ કે આજ સુધી દેશનો દોરીસંચાર યુવાન હાથોમાં ન'તો. (એક ચોખવટઃ દેશની લીડરશિપ યુવાન હાથોમાં આવે તો પ્રગતિ થાય 'જ',એવું કહેવાનો મતલબ પણ નથી.) ટકાવારી મુજબ જોતાં સૌથી વધુ યુવાનોની વસ્તી ધરાવતા દેશમાં ઓવરઓલ યુવાનીનું અન્ડર-યુટિલાઇઝેશન છે.
ભારત! આ દેશની એક ખાસિયત બધા દેશો કરતાં એને સાવ જુદો પાડે છે. એ છે કેઓસ. ભારત કેઓસનો દેશ છે. રસપ્રચુર. કોઈ પણ દિવસે કોઈ પણ શહેરમાં કોઈ પણ સમયે ઘટેલી કોઈ પણ ઘટના ફક્ત ૧૯૪૭થી નહીં પણ સદીઓથી એવી અતિ-વર્ણનીય રહી છે કે એમાંથી લાખો નવલકથાઓ સર્જાઈ શકે એટલું કન્ટેન્ટ મળી રહે! એટલા રંગો, એટલી વિવિધતા કે જેને માપી ન શકાય. અહીં નિરાળી વિશિષ્ટતા એ રહી છે કે પોલિટોન જ મોનોટોનસ લાગે! રંગો એ જ રહે છે એનું સ્થાન અને તીવ્રતા બદલાયા કરે છે, કેનવાસરૂપી ભારત પર. તો એ ભારતમાં આપણો શું ફાળો? આપણે શું કર્યું?
ના, ઉપરોક્ત પ્રસંગની જેમ જાતને તકલીફ આપીને કામ કરવાનો ઉપદેશ આપવાનો ઇરાદો નથી. કચરો જાહેરમાં ના ફેંકવા જેવા અત્યંત નાના પાયાથી પણ શરૂઆત થઈ શકે. એક્ઝામની ફીઝ 'વસૂલ' કરવા માટે જ વધારેપડતી સપ્લિમેન્ટરીનો દુરુપયોગ ના કરીને પણ દેશને કામ આવી શકાય. આખો દિવસ ઊભા રહેતાં ટ્રાફિક પોલીસને ઠોલિયો ના કહેતાં એમની વાગતી સીટીને પણ કાન-સરો ધરાય અને ચાર રસ્તા ઉપર દોરેલા ઝિબ્રા ક્રોસિંગ ઉપર આપણું વાહન ક્યારેય સ્થિર ન થાય, એવું પણ કરી શકાય! ફક્ત ઘરના નહીં ઓફિસમાં કે જે કોલેજમાં હોઈએ ત્યારે ત્યાંના પણ બિનજરૂરી લાઇટ, પંખો, એસી. સામે ચાલીને બંધ કરી શકાય અને જન્મદિવસ સિવાય પણ વૃદ્ધાશ્રમની મુલાકાત થઈ શકે કે પછી અનાથાશ્રમમાં ફક્ત સૂકું દાન કરવાની સાથે સાથે બાળકોને રમાડી, ભણાવી, હસાવી શકાય. ત્રીજા ધોરણમાં આવતો ગાંધીજીનો ભલે ને સાબરમતી ખળખળ વહેતી પણ મારા દાંતણ માટે તો એક જ લોટો પાણી ખપેવાળી વાત એસએમએસ તરીકે ફોરવર્ડ કરી શકાય, અમલમાં મૂકી શકાય, આવું ઘણું.
આપણે નાનકડી ઈંટો મૂકવાની છે. દીવાલ ચણાશે જ. એવો વિચાર આવવાની સીધી શક્યા છે કે કરોડોની વસ્તી ધરાવતો દેશ છે. એમાં એવા છૂટકછાટક કામથી શું થાય? અને એનાથી પણ વધુ મોટો પ્રશ્ન. સમય અહીંયાં કોની પાસે છે?
વેલ, આપણા નસીરુદ્દીન શાહ ભાઈની એક શોર્ટ ટેલિફિલ્મ આવેલી. એમાં એવું બતાવવામાં આવે છે કે અચાનક આવેલી ભરતી-ઓટને કારણે લાખો કરોડોની સંખ્યામાં મૃદુકાય જીવો ધરાવતા અનેક શંખ અને છીપલાં દરિયાકિનારાની રેતી પર આવીને ફસડાઈ પડયાં છે. જો એ મૃદુકાય જીવ લાંબો સમય દરિયાની બહાર રહે તો એ અચૂક મરી જાય. તો એક નાનો છોકરો એક-એક કરીને થોડા શંખ દરિયાના પાણીમાં પાછા ફેંકે છે. નસીર એમને પૂછે છે કે આ શંખોની તો માઇલો સુધી લાંબી લાઇન છે. તારા ૫-૬ શંખને દરિયામાં નાખવાથી શું ફેર પડશે? તો જવાબમાં છોકરો એક શંખ ઉપાડીને દરિયામાં નાખતાં-નાખતાં કહે છે કે વાત સાચી કે આ બીજા લાખોને ફરક નહીં પડે પણ આ જે નાખ્યું એને તો ચોક્કસ પડશે.
યસ, ધેટ્સ ધ પોઇન્ટ. શરૂઆત નાનેથી જ થતી હોય છે. વટવૃક્ષ પણ એક સમયે જોઈ ના શકાય એટલા ડ્ઢગ્દછમાં સચવાયેલું હોય છે. મુદ્દો આ જ છે કે તમે શું કર્યું? દેશ માટે? ગાંધીજીનું એક અમર વાક્ય છેઃ જો દુનિયામાં બદલાવ લાવવા ઇચ્છતા હો તો પહેલાં તમારાં ખુદમા લાવો. સ્વાતંત્ર્ય દિન આવે ત્યારે એ વિચારવાનું છે કે ફેસબુક પર ખોખલો રોષ ઠાલવવા સિવાય આપણે યથાશક્તિ કશું કર્યું? કશું કરવાના છીએ? ડીડ વી ડુ અવર બીટ? એ સવાલ જાતને પૂછો અને જો એનો જેન્યુઇન જવાબ 'હા' હોય તો લખનારની સલામ સ્વીકારશો અને જો જવાબ 'ના' હોય તો આવતી ૧૫મી ઓગસ્ટને હજુ એક દિવસની વાર છે અને એના માટે તો એ દિવસની રાહ જોવાની પણ શું જરૂર, દોસ્તો?
No comments:
Post a Comment