Monday, 8 September 2014

અનેક ગુણ ધરાવતો-રાજગરો

 
 
 
રાજગરાની ઘણી ઓછી જાતો વિકસાવવામાં આવી છે. એ દિશામાં હવે સંશોધનો ચાલુ થયા છે. હવે આ રાતા રંગનો, ઘણો પાક આપે એવો રાજગરો ઉપલબ્ધ બન્યો છે. તેના ધ્યાનાકર્ષક દાંડા અને પાંદડાં સુશોભનમાં કામ લાગે તેવા હોય છે. તેના છોડમાંથી મળતો લાલ રંગ કુદરતી રંગ હોવાથી ખાદ્યોમાં વાપરી શકાય છે. આ રંગ કાપડ ઉદ્યોગમાં તેમ જ ઊન ઉદ્યોગમાં પણ ઉપયોગી છે. આપણા એક વૈજ્ઞાાનિકે 'પુસા લાલ ચોલ્લઈ' નામની જાત વિકસાવી છે. હિન્દીમાં રાજગરાને 'ચોલ્લઈ' પણ કહે છે.
આપણે ત્યાં સૌથી વધુ વપરાતી જાત 'અમારાન્થસ હાઈબ્રિડ્સ' છે. આ જાત મૂળ લેટિન અમેરિકાની હોવાનું કહેવાય છે. રામદાના, ચોલ્લઈ, મુઆ,રૃંગીકિરિ વગેરે બધાં જ ભારતીય નામોનો અર્થ 'ઈશ્વરનું અનાજ' અથવા 'ઈશ્વરે આપેલું ધાન' એવો થાય છે. નવાઈ લાગે તેવી વાત એ છે કે, વૈજ્ઞાાનિકો તેને એક અનાજ ગણે છે અને ભારતીય લોકો તેને 'ફળાહાર' એટલે કે ફળનો આહાર ગણે છે. આપણે ત્યાં ર્ધાિમક પર્વો તેમ જ અપવાસમાં તે ફળાહાર તરીકે ખવાય છે.
'રાજગરો' ખીલે ત્યારે તેનો રાતો રંગ ખેતરને અદ્ભુત સુંદરતા આપે છે. આ ધાન હિમાલય, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તમિળનાડુમાં ઊગે છે. પહાડી લોકો તેના પાન અને ધાન બંનેનો ખાવામાં ઉપયોગ કરે છે. તેનું અનાજ અપવાસ સમયે લાડુ કે ચીકી તરીકે ખવાય છે. તેના લોટમાંથી રોટલી, પૂરી વગેરે બને છે. તેની રોટલીઓ ઠંડી પડયા બાદ મીઠી લાગે છે. શેકેલા અને અંશતઃ ફૂલાવેલા રાજગરાને દળીને તેનો લોટ બનાવવામાં આવે છે. તેના ભજિયાં પણ સારા બને છે. બીજું અનાજ ના ખાતાં હોય તેઓ પણ રાજગરાની રોટલી, ચોલ્લઈનું શાક, ચોલ્લઈનું રાયતું, રાજગરાની ખીર, કઢી તેમ જ શીરો ખાઈ શકે છે. અપવાસ કરતાં લોકોને રાજગરો બધાં જ સ્વાદ પૂરા પાડે છે.
રાજગરો એ ખડતલ છોડ છે જેને ઘણા ઓછા પાણીની જરૂર પડે છે. તે પેસ્ટ-રેઝિસ્ટન્ટ પણ છે. પહાડી ક્ષેત્રોમાં સામાન્ય રીતે મે, જૂન માસમાં વાવેતર કરવામાં આવે છે. મેદાની ક્ષેત્રોમાં ઓક્ટોબર-નવેમ્બરમાં વાવેતર થાય છે. ઉત્તર પ્રદેશમાં અનાજના દાણાનો ઉપયોગ જંતુરોધક સાધન તરીકે કરવામાં આવે છે. દરેક છોડનું એક માથું એક કિલો જેટલા દાણા આપે છે. દરેક છોડ આશરે પાંચ લાખ જેટલા દાણા આપે છે. તેથી જ રાજગરાને ભવિષ્યના ફાયદાકારક પાક તરીકે જોવામાં આવે છે. રાજગરાનું અનાજ સુંદર રંગો ધરાવતું અનાજ છે. તેના છોડ આઠ ફૂટ જેટલા ઊંચા થઈ શકે છે. તેના પક્વ કણસલા ક્રીમ, ગુલાબી, ઘેરો ગુલાબી વગેરે જેવા રંગના દેખાય છે. ક્રીમ રંગનો રાજગરો સામાન્ય રીતે વધુ વેચાય છે.
રાજગરામાંથી મળતા પોષણ વિશે વિચારીએ તો તેમાં પ્રોટિન્સ, એમિનો એસિડ્સ, મિનરલ્સ, વિટામિન 'સી', ફોલિક એસિડ, લોહતત્ત્વ, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશ્યમ, કેરોટિન અને ઊર્જા અન્ય ધાન્યોની તુલનાએ વધુ માત્રામાં હોય છે. તેમાં ૧૪થી ૧૬ ટકા પ્રોટિન હોય છે જે શરીરમાં સરળતાથી શોષાય છે. તેમાં 'લાયસિન' નામનું એમિનો એસિડ ઘણું હોય છે જે કુદરતી ખાદ્યોમાં ખાસ જોવા નથી મળતું. આ તત્ત્વ ઘઉંની તુલનાએ બેગણું, મકાઈ અને ચોખાની તુલાએ ત્રણગણું અને દૂધની તુલનાએ તો ઘણું વધારે છે.
રાજગરો રક્તમાં લાલકણોને વધારે છે. તે વિટામિન 'એ'ની ઊણપને દૂર કરીને અંધત્વ નિવારે છે. તેમાં ૭થી ૮ ટકા જેટલી અનસેચ્યુરેટેડ-ફેટી- એસિડ્સ હોય છે જે હૃદયરોગના દર્દીઓને ઉપયોગી છે. તેમાં સારી માત્રામાં 'ટોકોફેશેલ' નામનું તત્ત્વ હોય છે જેમાંથી વિટામિન 'ઈ' બને છે. સામાન્ય રીતે આ તત્ત્વ શાર્કના લિવરમાંથી મળે છે. તેમાં આટલાં તેલો હોવા છતાં રાજગરો અન્ય અનાજની તુલનાએ જરાય ઓછો મૂલ્યવાન નથી.
આપણા પૂર્વજોએ રાજગરાના ગુણોને જાણીને જ તેને લોકોના ભોજનમાં સ્થાન આપ્યું છે. હરસ-મસા, ખરજવું, પેટની ચૂંક અને પેશાબની ઓછપની તકલીફમાં રાજગરો ઔષધ જેવું કામ કરે છે. તેના ઉકાળેલા પાન સોજો અને દુખાવા પર રાહત આપે છે. સાપ-વીંછીના ડંખ ઉપર પણ તે ઉપયોગી છે. તે ધાવણ વધારનાર હોવાથી આપણા ખેડૂતો પોતાના દૂધાળું ઢોરને રાજગરાના પાન ખવડાવતા હતા.
રાજગરાનું રોજ સેવન કરવાથી શ્વસનમાર્ગના ચેપ, વારંવાર થતી શરદી સામે રક્ષણ મળે છેરાજગરાના પાનના કાચા રસનું સેવન કરવાથી ખરતાં વાળની સમસ્યા દૂર થાય છે અને નવા વાળ આવે છે. રાજગરાનું નિયમિત સેવન વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી પાડે છે. વૃદ્ધાવસ્થામાં આવતી લોહ અને કેલ્શ્યમની ઊણપને તે દૂર કરે છે. ચયાપચય ક્રિયાને સુધારીને આ બંને ખનિજ તત્ત્વોના શોષણમાં તે મદદ કરે છે.
ઝડપથી વધારાનો, ગુણ ઝડપથી પુનઃ નિર્માણ કરવાનો ગુણ, વધુ પાક આપવાનો ગુણ અને ઊંચી પોષણ ક્ષમતાને કારણે ચોલ્લઈ સસ્તી અને પૌષ્ટિક ભાજી મનાઈ છે. સ્વાસ્થ્ય સુધારવા માટે તે આદર્શ ખાદ્ય છે. કાશ્મીરી રોગનજોશમાં રંગ લાવવા માટે વપરાતું 'રતનજોત' એ વાસ્તવમાં રાજગરાનું મૂળ છે. ઘણી દવાઓમાં પણ આ રંગ વપરાય છે. ગરીબ માણસનો ખોરાક ગણાતો રાજગરો આજે એક પૌષ્ટિક અને સંતુલિત ધાન્યનું માન અને સ્થાન પામ્યો છે. હવે તે સુઘડ, આકર્ષક પેકમાં બજારમાં ઉપલબ્ધ બન્યો છે. ડાયાબિટીસ અને કોલસ્ટરોલની સમસ્યામાં તે ઉપયોગી છે.

No comments:

Post a Comment