Friday, 22 August 2014

સ્હેજ પણ જ્યાં વહાલની હરફર નથી,
ત્યાં દીવાલો હોય તો પણ ઘર નથી.
સ્નેહની ક્યાંથી ઊગે કોઈ ફસલ,
લાગણીનાં કોઈ વાવેતર નથી.
એમ સમજીને તમે કોરાં રહો,
આંખથી વરસે છે તે ઝરમર નથી.
પ્રેમની બારાખડી ક્યાંથી લખું ?
ઘૂંટવા માટે હવે અક્ષર નથી.
ઉપવનોમાં પણ હવે ચર્ચાય છે,
પાનખરનો અમને કોઈ ડર નથી.
હું મને ક્યારેક નડતી હોઉં છું,
એકલી દુનિયા અહીં નડતર નથી.
- દિવ્યા મોદી
Anchor
ભરતી આવે ત્યારે તો બધી હોડીઓ પાણીમાં ઊંચકાઇ જતી હોય છે. પણ જ્યારે ઓટ આવે ત્યારે જે હોડીઓ સાચી રીતે લાંગરવામાં ન આવી હોય તેમને બહુ નુક્સાન થઇ શકે છે. મુશ્કેલ સમયની ઓટમાં જો ભરાઇ ન પડવું હોય, તો લંગર નાખતી વખતે બરાબર ધ્યાન આપવું જોઇએ. પાણીના પ્રવાહમાં તણાઇ જતાં કે ખરાબે ચડી જતાં સાચી રીતે નંખાયેલું લંગર જ સલામતી બક્ષી શકે છે.
વ્યાપાર-ઉદ્યોગ કે વ્યવસાય વિશ્વમાં સંસ્થાના અગ્રણીમાટે અનુભવી અને ઠરેલ માર્ગદર્શકો પાસેથી મળતું માર્ગદર્શન આવાં જ સાચી રીતે નંખાયેલાં લંગરની ભૂમિકા ભજવે છે.
નાની મોટી સલાહો આપણને સૌને મળ્યા જ કરતી હોય છે. મોટા ભાગે આ પ્રકારની સલાહો ‘વિના મૂલ્ય’ પણ હોઇ શકે છે. સહુથી કામની તેમ જ ઉપયોગી સલાહ વણમાગી પણ હોઇ શકે છે. પણ તે પોતાની નિશાની તો છોડી જ જતી હોય છે. જ્યારે આપણે કોઇ વિવાદાસ્પદ વિષયનાં નીરાકરણ માટે વિચારમંથન બેઠકમાં ભાગ લઇ રહ્યાં હોઇએ કે લાંબા સમયથી ગુંચવાયેલા પ્રશ્ન અંગે વિચારણા કરી રહ્યાં હોઇએ, ત્યારે આપણાં મનના કોઇ ઊંડે ખૂણેથી એ સલાહ ડોકીયું પણ કરી લેતી હોય છે. સંચાલનમાં સફળતા મેળવતા રહેવા માટે આ બધી સલાહોમાંથી કઇ, ક્યારે અને શી રીતે ઉપયોગમાં લઇ અને ફાયદો કરી લેવો તે કળા અને કૌશલ્ય પર નિપુણતા મેળવવી રહી. અને હા, અહીં આપણે ‘ફાયદો’ એટલે નાણાંકીય કે ભૌતિક લાભની જ વાત નથી કરી રહ્યાં.
જ્યારે બધું જ બરાબર દોડી રહ્યું હોય, વિકાસનું એન્જીન પૂર ઝડપે દોડી રહ્યું હોય, ત્યારે આમાંની એક પણ સલાહ ન સાંભળીએ તો કદાચ ચાલી જશે, પણ જ્યારે કપરો સમય સામે દેખાતો હોય ત્યારે પણ ઘણી વાર આમાંની બહુ જ કામની સલાહ આપણને યાદ નથી આવતી. આજે જે ૯ નુસ્ખાની વાત કરીશું તે મુશ્કેલ સમયમાં કામ આવતો પટારો છે.
૧. સાતત્યપૂર્ણ કામગીરી પોરસીને લોકોને ખીલવા દો:
અગ્રણી દ્વારા થતા સતત સંવાદ અને સંયોજિત ધ્યાનલોકો ખીલી ઊઠે તેવું વાતાવરણ પેદા કરવામાં મહ્ત્વનો ફાળો આપે છે. સહકર્મચારીને નવું નવું શીખવાની અને તેમ કરીને વિકસવાની, અને જુસ્સો ટકી રહે તે પ્રકારની તકો મળતી રહે તો તેઓ જરૂરથી ખીલી ઉઠશે અને પોતાની સંસ્થાને પણ ખીલવી દેશે.
૨. સહુથી ઉચિત વ્યક્તિને કામ આપો – ઉત્કૃષ્ટતા જ માપદંડ રાખો :
સફળ અગ્રણી માત્ર સફળ વ્યૂહરચના ઘડનારી કે યોજનાઓનો અસરકારક અમલ કરનાર ટીમ જ સંગઠિત નથી કરતાં, પણ તે સાથે સંસ્થાનાં દીર્ઘ દર્શનને પણ ખરા અર્થમાં મૂર્ત કરે તેવાં લોકોને પણ આકર્ષે છે.
૩. તમારો અંતરાત્મા તમારો સાચો સાથી છે :
મુશ્કેલ સમયમાં, આપણાં મૂલ્યોથી ઘડાયેલ આપણો અંતરાત્મા તે સમયે ઉચિત નિર્ણય લેવામાં આપણો રાહદર્શક બની રહે છે. ગમે તેટલા આંકડાઓ કે વિશ્લેષણો કે કંપનીના અનુભવો કંઇ પણ ભલે કહેતા હોય, તમારા અંતરાત્માના અવાજને ચોક્કસ સાંભળજો. તમારા અંતરાત્મા અને તમારી આત્મસૂઝ પર ભરોસો કરજો. જો તેને ખરી વિચારસ્રણીથી પોષ્યો હશે, તો તમારો અંતરાત્મા જરૂર તમારા માટે દીવાદાંડી બની રહેશે.
૪. હંમેશા ધોરી માર્ગ જ પકડો :
મંઝિલ સુધી પહોંચવા માટે જ્યાં સુધી મુખ્ય ધોરી માર્ગ ખુલ્લો હોય ત્યાં સુધી આસપાસની શેરીઓ ન પકડવી.
૫. જોખમોનું વ્યવસ્થાપન સમજદારીપૂર્વક કરવું :
જોખમ વ્યવસ્થાપન આમ જૂઓ તો બહુ જ શિસ્તબધ્ધ અભિગમ અને ટકી રહેવાની કે સફળ થવાની શક્યતાઓ સુધારવા માટેની જહેમત જ છે. જેમ સમય વધારે કપરો એમ શિસ્ત અને જહેમત વધારે સઘન જોઇએ. યુદ્ધના સમયમાં અગ્રણીએ દરેક પગલું માપી માપીને લેવું જોઇએ. હા, જ્યારે બધું સમું સુતરૂં ચલી રહ્યું હોય, ત્યારે છલાંગો મારી શકાય.
૬. તમારા સહુથી આકરા વિવેચકને તમારાથી દૂર ન થવા દેશો :
કહે છે કે ને કે કડવી દવાજ દર્દ ભગાડી શકે છે. આલોચના માટે કાન ખુલ્લા રાખવાથી દરેક પ્રકારની શકયતાઓ અને સંભાવનાઓ નજર સામે રહી શકે છે, જેથી કરીને નિર્ણય લેતી વખતે એક પણ વાત ધ્યાન બહાર ન જાય.
૭. નવી રમતના નવા નિયમો અને નવી કાર્યપધ્ધતિઓ અજમાવતાં રહો : 
‘જૈસે થે’ને સ્વીકારી ન લો અને પરિવર્તનના પવનની સામે પારોઠનાં પગલાં ન ભરો. નબળા સંકેતો પર ધ્યાન કેન્દ્રીત કરીને તેમાંથી પણ નવી સંભાવનાઓ ખોળતાં રહો. આ સંકેતોને વધારે શક્તિશાળી બનાવો અને તેમાંથી નીપજતી વ્યાવસાયિક સંભાવનાઓને દરેક નવા સંદર્ભે ફરી ફરીને ખોળી કાઢી શકવાની શક્તિ ખીલવીને પરિસ્થિતિઓનો મહત્તમ લાભ લઇ શકાય તેવું વાતાવરણ ખડું કરો. ‘નવા નિયમો અને નવા ખેલ’ જ ‘હવે પછીની કાર્યપ્ધ્ધતિ’ છે.
૮. મનમાં જરા પણ સંદેહ કે ભય રાખ્યા વિના દરેક બાબતને બધી બાજૂએથી તપાસો:
સામે જે માર્ગ દેખાતો હોય તેના પર ચા્લતા થવું એ તો સહેલો ને સટ ઉપાય છે. પણ દરેક શકયાતાઓ ને દરેક દૃષ્ટિએ ચકાસી જવાથી ઘણી નવી સંભાવનાઓના માર્ગ પણ ખૂલી જઇ શકે છે. એ સમયે મનમાં ઊઠતા સવાલોને સંદેહ કે ભયથી મુર્ઝાવા ન દેશો. શકય છે કે આપણે કદી કલ્પના પણ ન કરી હોય તેવો કોઇ જવાબ પણ મળી આવે !
૯. નવા નવા આઇડીયાને અજમાવતા રહો – મુશ્કેલ જણાય એવા નિર્ણયો લેવામાં પાછીપાની ન કરોઅને પડકારોને તકમાં ફેરવવા કટિબદ્ધ રહો :
નવા આઇડીયાની અજમાયશ કરવામાં કે મુશ્કેલ જણાતા નિર્ણયો લેવામાં ઢીલ ન કરશો, કારણ કે પાઘડીની બહાર, નવી જ રીતે, વિચારવાનું કૌશલ્ય જ ઉત્કૃષ્ટ પરિણામો લાવવા માટેના માર્ગ ખૂલા કરી આપી શકે છે. વણખેડાયેલો માર્ગ ઘણી વાર અદ્‍ભૂત અને સર્વોત્તમ સફળતા આપણા કદમોમાં લાવી મૂકી શકે છે. હા, દરેક સિક્કાની જેમ બીજી બાજૂ પણ હોય છે તેમ દરેક પરિસ્થિતિને જોવાના અલગ અલગ દૃષ્ટિકોણ પણ હોય છે તે વાત પણ ભૂલાય નહીં. આમ કરવાથી કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ રહેવાશે.

શ્રી કૌશલ માંકડનાં સંપર્ક સૂત્રઃ

સાડા ચારે હરિ – મુકેશ જોશી


અઢી અક્ષરે પ્રેમ લખુ ને બે અક્ષરમાં હરિ

સાડા ચારે હરિ આપણે મળવુ છે ને ફરી ?
હરિ તમે તો શેઠ તમોને સમયબાધ શુ નડશે
મારે તો ઓફિસ મહીથી રજા ય લેવી પડશે
એક રજા ગાળુ તમ સાથે પાછો જનમ ધરી…
સાડા ચારે હરિ ાઆપણે મળવુ છે ને ફરી ?
તમે કહો તે જગ્યા ઉપર આપણ બંને મળિયે
ત્યાંથી સાથે સાથે જાશુ મારા ઘરના ફળિયે
તમે નહી આવો તો મારો દિવો જાય ઠરી..
સાડા ચારે હરિ આપણે મળવુ છે ને ફરી ?
- મુકેશ જોશી

જાત સાથેની વાત

 
 
 
 
વાતચીત કરવા વિશે કોન્ફ્યુશિયસે અદ્ભુત વાત કરી છેઃ 'વાતચીત કરવા લાયક માણસ મળે અને તમે વાતચીત ન કરો, તો તમે માણસ ગુમાવો છો. વાતચીત કરવા લાયક માણસ ન હોય અને તમે એની સાથે વાતચીત કરો તો તમે તમારા શબ્દો ગુમાવો છો. ડાહ્યો માણસ આ બેમાંથી એકે ગુમાવવાનું પસંદ નહીં કરે.' પોતાના સિવાય બીજા લોકો સાથે વાત કરતા આટલું ધ્યાન રાખવું જોઈએ, પરંતુ જ્યારે જાત સાથે વાત કરીએ ત્યારે આનાથી પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આપણે જગતની પળોજણમાં જાત સાથે ક્યારેય વાત કરતા જ નથી. ક્યારેક જાત સાથે વાત કરી લેવી જોઈએ. સ્વયંને મનના ત્રાજવે તોલવાનો અને મોલવાનો મોકો દરેકે શોધી લેવો જોઈએ.
એકાંતની બારી ખોલીને બધાએ પોતાની પાસે જવું જ જોઈએ. તમે ક્યારેય આત્માની અદાલતમાં તમને રજૂ કર્યા છે ખરા? પોતાની જ સામે પોતાને રજૂ કરી ખૂબી અને ખામીઓને પુરવાર કરવા વકીલની જેમ દાવા-દલીલબાજી કરી છે ખરી? ન કરી હોય તો કરવી જોઈએ. એકાંતનો અરીસો આપણને સાચો ચહેરો બતાવતો હોય છે. તેમાં તમે આકાશ જેવી વિશાળતા પણ જોઈ શકો છો અને કૂવામાંના દેડકા જેવી સંકુચીતતા પણ. પોતાના ગુના કબૂલી શકાય તેવી એકાદ પળ આપણે ર્નિિમત કરવી જોઈએ. જ્યારે જાતને અંદરથી જોઈએ છીએ ત્યારે આપણે બહારથી ખૂલતા હોઈએ છીએ. ખૂલવું અને ખીલવું બંને એકમેકની આંગળી પકડીને ચાલતું હોય છે. વળાંક લેતો રસ્તો આવે ત્યારે આપણે રસ્તા સાથે વળી જવંું પડતું હોય છે, કેમ કે આપણે બધા નક્કી કરેલા રસ્તાના માણસો છીએ. ક્યારેક નિશ્ચિત થયેલી વાતથી ઉફરાંટા ચાલવું હોય તો રસ્તો બદલવો પડે છે, નવો ચીલો ચાતરવો પડે છે. રસ્તો ન હોય ત્યાં પણ રસ્તો કરવો પડે છે. જાત સાથે વાત કરવાની પળ એ નવો રસ્તો ચાતરવા જેવી વાત છે. તમે આકાશમાં પતંગ ઉડાડો ત્યારે આખું આકાશ ઉડાડયાનો આનંદ પણ લઈ શકો. એકધારા ફરતા ભમરડાની સાથે ક્યારેક બાળકનું ચિત્ત પણ ફરતું હોય છે. સ્થિર ફરતા ભમરડાને તમે જોયો હશે. કેટલો શાંત અને તલ્લીન હોય છે પોતાની ગતિમાં! એક જગ્યાએ જ શાંત રહીને પણ ગતિમાં રહી શકાય છે. જવાહર બક્ષીનો ચિરંજીવ કહી શકાય તેવો એક શેર છે-
શક્ય છે કે તમે તમારી સાથે વાતચીત કરતા હોય પણ એ વાતની તમને પણ ખબર ન હોય. જો તમે ક્યારેય પોતાની જાત સાથે વાત કરતા હોય તો તમારે ખુશ થવું જોઈએ, કેમ કે અમેરિકાની નોટિંધમ ટ્રેન્ટ યુનિર્વિસટીના સંશોધન અનુસાર જાત સાથે વાત કરવાથી તથા યોગ્ય ડાયરી બનાવીને તેમાં પોતાના વિચારો લખવાથી મનને શાંતિ મળે અને આરોગ્ય પણ સારું રહે છે. માત્ર મોટાં જ નહીં, બાળકોને પણ તેનાથી ફાયદો નોંધાયો છે. સંશોધનમાં નોંધાયું કે સ્કૂલમાં જતાં પહેલાં જે બાળકો પોતાની સાથે મોટે મોટેથી વાત કરે છે, ક્લાસમાં તેમની એક્ટિવિટી વધારે સારી જણાઈ આવી હતી.
પોતાની જાતને પૂછેલો એક સાચો સવાલ ક્યારેક અરીસા જેવો સાબિત થાય છે. તે આપણને આપણી અસલિયત દર્શાવી દે છે. માણસનો સૌથી મોટો મિત્ર તો એ પોતે જ હોય છે. તમે જેટલા તમને જાણતા હશો તેટલા કદાચ બીજા કોઈ નહીં જાણતા હોય. આપણને કોઈ લાગણીવશ એમ કહે કે 'તારા કરતાં પણ તને વધારે હું ઓળખું છું.' ત્યારે કદાચ તેમાં તમારા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થઈ જાય, પણ એ વાત સંપૂર્ણપણે સાચી નથી હોતી, કેમ કે તમારાથી વધારે કોઈ તમને આ દુનિયામાં ઓળખી જ ન શકે. જાત સાથે વાત કરવી એ ખુદને ઓળખવાની પળ હોય છે. આપણે આ પળ ન ગુમાવવી જોઈએ. ક્યારેક એકાંતના ઓશિકે માથું મૂકી પોતાને પોતાની સાથે વાત કરી લેવી જોઈએ.
જેમ બહારના વાતાવરણમાં ઋતુ પરિવર્તન થાય છે, તેમ આપણી અંદર પણ મોસમનું પરિવર્તન થાય છે. ક્યારેક તે પ્રેમ લઈ આવે છે ક્યારેક ક્રોધ, ક્યારેક આંસુ લઈ આવે છે તો ક્યારેક સ્મિત, ક્યારેક શોક જન્માવે છે તો ક્યારેક ઉત્સવ. જુદી જુદી ઋતુ પ્રમાણે જુદા જુદા પાક લેવાતા હોય છે. શિયાળુ પાક,ઉનાળુ પાક, ચોમાસુ પાક વગેરે... આપણા મનમાં પણ સતત મોસમો બદલાતી રહે છે. તમારા મનમાં કઈ મોસમ ચાલી રહે છે તે ઓળખતા આવડવું જોઈએ, જેથી મનની ખેતી વધારે ફળદ્રુપ થઈ શકે. જાત સાથે વાત કરતા હોઈએ છીએ ત્યારે ખરેખર તો આપણે આપણી અંદર ખેતી કરતા હોઈએ છીએ.
 

પરંપરાગત નુસખાથી ખીલશે ત્વચા એવી, બધાની નજરો થંભી જશે!

 આજકાલ મોટાભાગના લોકો પોતાને સુંદર બનાવવા માટે અઢળક કોસ્મેટિક પ્રોડક્ટ યુઝ કરે છે અને ઘણીવાર તેને આ પ્રોડક્ટના રિએક્શનને પણ સહન કરવા પડે છે. આ સમસ્યાથી બચવા માટે આપણે હવે પોતાના મૂળિયા સુધી જવું પડશે, અર્થાત્ સદીઓથી ચાલી આવી રહેલી પરંપરાગત હર્બલ જ્ઞાન અપનાવવું પડશે. આજે અમે કેટલાક ખાસ હર્બલ નુસખાને બતાવી રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને મહિલાઓ પોતાનું સૌંદર્ય નિખારી શકે છે.
 
- કાકડી એક એવું ગુણકારી ફળ છે, જેનું સેવન સપ્તાહમાં એકવાર જરૂર કરવું જોઈએ. સાથે જ ખીરા-કાકડી સ્કિન માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. તેને ખાવાથી શરીરની ગરમી દૂર થઈ જાય છે. સ્કિનને ગ્લોઈંગ બનાવવા માટે ચહેરા ઉપર ખીરાનો જ્યૂસ બનાવીને કે ખીરાનું પેસ્ટ બનાવીને લગાવો.
 
-જો તમારા ચહેરા ઉપર કાળા ધબ્બા હોય તો બટાકાની સ્લાઈડ્સને લઈને હળવા હાથે મસાજ કરો. બટાકાનો જ્યૂસ ચહેરા ઉપર લગાવો. રોજ તેને ચહેરા ઉપર લગાવવાથી ચહેરો નિખરી જાય છે.
 
-નારિયળ પાણી ખૂબ જ ગુણકારી હોય છે. એટલા માટે રોજ નારિયળ પાણી પીવાથી પણ ચહેરો ચમકવા લાગે છે. નારિયળ પાણીથી ચહેરો ધોવાથી પણ દાગ-ધબ્બા દૂર થાય છે. નારિયળનું પેસ્ટ બનાવીને ચહેરા પણ લગાવવાથી રંગ નિખરી જાય છે.
 
-કેળા ત્વચા માટે ખૂબ જ સારા હોય છે. પાકેલા કેળાને સારી રીતે મેશ કરી લો. તેને ચહેરા ઉપર ફેસ પેકની જેમ લગાવો. 15 મિનિટ પછી ધોઈ લો. ચહેરા ધોયા પછી લાલ ચંદનથી લેપ કરો. એવું માનવામાં આવે છે કે એમ કરવાથી ચહેરાની ત્વચામાં જબરદસ્ત નિખાર આવે છે.
 
-સ્ટ્રોબેરીને પાકેલા ફળોને મેશ કરીને ચહેરા ઉપર લગાવો અને 15 મિનિટ પછી તેને ધોઈ લો તો તે ચહેરા માટે ટોનિકની જેમ કામ કરે છે.
 
-બે ચમચી ટામેટાનો રસ અને અડધી ચમચી મધ મેળવો. આ મિશ્રણને ચહેરા ઉપર લગાવો અને 20 મિનિટ પછી ધી લો. ચહેરે કાંતિવાન બની જશે.

-ટામેલા એન્ટીઓક્સીડેન્ટ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. એટલા માટે તે સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે શ્યામ રંગથી પરેશાન હો તો ટામેટાને પીસીને તેનું પેસ્ટ ચહેરા ઉપર લગાવી દો. ચહેરાના દાગ-ધબ્બા દૂર થઈ જશે અને રંગ નિખરી જશે.
 
-ઈંડાનો પીળો ભોગ અર્થાત્ જર્દીને ચહેરા ઉપર લગાવવાથી રંગ ગોરો થઈ જાય છે અન ઈંડીમાં મધ અને લીંબુ મેળવીને લગાવો. જ્યારે પેક સૂકાઈ જાય તો ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. સ્કિન ગ્લો કરવા લાગશે.

-આમ તો પપૈયાની તાસીરને ગરમ માનવામાં આવે છે, પંરતુ સ્કિન માટે તે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન-એ રહેવું હોય છે. એટલા માટે પપૈયુ ખાવાની સાથે જ તેને લગાવવાના પણ અનેક ફાયદા થાય છે.
 
-સ્કિનને ગોરી બનાવવા માટે એક પપૈયાનો ટુકડો પીસી લો. એક ગાઢુ પેસ્ટ બનાવીને તમારા ચહેરા ઉપર લગાવો. એક કલાકપછી આ પેસ્ટને ચહેરા ઉપર લગાવીને રહેવા દો. પછી ચહેરો ધોઈ લો. આ નુસખો નિયમિત રીતે કરવાથી ચહેરાનો રંગ ગોરો થવા લાગે છે.
 
-તુલસીને ભગવાનનો ઉપહાર માનવામાં આવે છે. તે બીમારીઓ તો દૂર કરે જ છે સાથે સ્કીન માટે પણ ટોનિકનું કામ કરે છે. તુલસીના કેટલાક પાનને લઈને તેનોજ્યૂસ બનાવી લો.
 
આ જ્યૂસને હળવા હાથે ચહેરા ઉપર મસાજ કરો. થોડીવાર રહેવા દો અને પછી નવશેકા પાણીથી ધોઈ લો. એમ રોજ કરવાથી ધીરે-ધીરે રંગ ગોરો બની જાય છે.

-બે ચમચી ટામેટાનો રસ અને અડધી ચમચી મધ મેળવો. આ મિશ્રણને ચહેરા ઉપર લગાવો અને 20 મિનીટ પછી ધોઈ લો. ચહેરો એકદમ ખીલી ઊઠશે.
 
-ઘણા વિસ્તારોમાં પારંપરિક હર્બલ વૈદ્ય મધની સાથે જ ફેસ પેક તૈયાર કરે છે. આ જાણકારો અનુસાર બેસન, મધ, જૈતુન, દૂધ મલાઈને મેળવીને ચહેરા ઉપર લગાવો. આ મિશ્રણમાં 3 ચમચી બેસન, મધ, દૂધ મલાઈ અને જૈતનનું તેલ 1-1 ચમચી મેળવો. ચહેરા ઉપર લગાવો અને 20 મિનિટ પછી તેને સાફ પાણીથી ધોઈ લો.

-આયુર્વેદમાં હળદરને રંગત નિખારનારી સૌથી શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે. દૂધમાં એક ચમચી હળદર મેળવીને ચહેરા ઉપર લગાવવાથી પણ રંગ નિખરી જાય છે. બેસનનું ઉબટન અને હળદર લગાવવાથી પણ ચહેરો ગ્લો કરવા લાગે છે.
 
-દહીં અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. દહીં ખાવા અને લગાવવાથી અને બંનેનો ફાયદો ચહેરા ઉપર જોવા મળે છે. રોજ સવારે એક ચમચી દહીં લઈને ચહેરા ઉપર મસાજ કરો. સૂકાઈ ગયા પછી ચહેરો ધોઈ લો. નુસખાને નિયમિત રીતે લગાવવાથી રંગ ગોરો બને છે અને પિંપલ્સની સમસ્યા દૂર થાય છે

-લીંબુ સ્કિન માટે એક ચમત્કારી દવાની જેમ કામ કરે છે. રંગ નિખારવા માટે લીંબુનો રસ ચહેરા ઉપર લગાવો. થોડીવાર પછી ચહેરો ધોઈ લો. લીંબુના રસમાં ટામેટાનો રસ મેળવીને લગાવવાથી પણ ત્વચાની સફાઈ થઈ જાય છે અને રંગ ગોરો બની જાય છે.
 
-સંતરા વિટામીન સીથી ભરપૂર હોય છે. તેને સ્કિન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. સંતરુ ખાવાથી અને લગાવવાથી પણ ત્વચા તંદુરસ્ત બની જાય છે. ત્વચાના રંગ નિખારવા માટે રોજ સંતરાનો જ્યૂસ બનાવીને ચહેરા ઉપર લગાવો. સૂકાઈ ગયા પછી તેને ધોઈ લો. જો ચહેરા ઉપર દાગ-ધબ્બા હોય તો સંતરાની છાલનો ઉપયોગ કરો. સંતરાની છાલને છાયડામાં સૂકવીને પાવડર બનાવી લો. તેને પાવડરની એક ચમચીની માત્રામાં કાચૂ દૂધ મેળવીને લગાવો. રંગ નિખરી જશે.

-તરબૂચનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પાણી અને પોષક તત્વોની માત્રા ખૂબ જ વધુ હોય છે. તેના નિયમિતસેવનથી શરીરમાં તાજગી અને ઠંડક બની રહે છે. તરબૂચનો નાનો ટુકડો લઈ ચહેરા ઉપર મસળો. એક કલાક સુધી લગાવીને રહેવા દો અને પછી ચહેરો ધો લો.
 
-જો તમારી સ્કીનની કેયર કરવા માટે એસ્ટ્રા ટાઈમ ન કાઢી શકતા હોય તો દૂધ અને કેસરનો ઉપયોગ કરો. થોડા દૂધમાં કેસરના પાનને પીસી લો. આ દૂધથી ચહેરાનો સમજા કરો. થોડીવાર રહેવા દો. પછી ચહેરો ધોઈ લો. રંગ નિખરી જાય છે અને ફેસ ગ્લો કરવા લાગે છે.

-દૂધ ત્વચા માટે ટોનરનું કામ કરે છે.કાચા દૂધથી ચહેરા ઉપર હળવા હાથે મસાજ કરો. ચહેરો સૂકાઈ ગયા પછી ધોઈ લો. રંગ ગોરો થઈ જશે.
 
-કાશ્મીરમાં મહિલાઓ સફરજનના રસનો ઉપયોગ પોતાના સૌંદર્યને નિખારવા માટે કરે છે. સફરજનને લઈને કચડીને રસ તૈયાર કરો. આ રસને ચહેરા ઉપર લગાવો. સૂકાઈ ગયા પછી ચહેરો ધોઈ લો. આ કામ નિયમિત રીતે કરવાથી પિંપલ્સ અને દાગ-ધબ્બા દૂર થઈ જાય છે અને ચહેરા ચમકવા લાગે છે.
https://mail.google.com/mail/u/0/?shva=1#inbox/147f67196a3d34ee



neuron
__._,_.___

જડ્યો જડ્યો હું જડ્યો…

by Anil Chavda
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો,
ધરતીને કિરણો અડકે એમ જ્યારે તમને અડ્યો.
નાનકડો એક રજકણ હું તો
ક્યાં ઓળંગું સીમા?
ધૂળ અને ઢેફાની માફક
પડ્યો હતો માટીમાં;
પીંડ તમે બાંધ્યો મારો તો હું ય ચાકડે ચડ્યો.
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.
એક સવારે આમ તમારું
સવાર જેવું મળવું;
છાતી અંદર રોકાયું ના
રોકાતું કૂંપળવું!
પવન વગર પણ પાન ઉપરથી ઝાકળ જેવું દડ્યો.
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.
- અનિલ ચાવડા

ગુલાબનું ફૂલ – ડૉ. આઈ. કે. વીજળીવાળા

સુંદર મજાનો એક બગીચો હતો. એમાં એક ખૂણે બાંકડા પર એક વૃદ્ધ માણસ બેઠો હતો. બેઠો બેઠો એ પોતાની વ્યથાઓને યાદ કરીને દુ:ખી થઈ રહ્યો હતો. જિંદગીએ એને આપેલાં દુ:ખોથી એ અત્યંત વ્યથિત જણાતો હતો. દીકરો અને એની વહુ બરાબર સાચવતાં નહોતાં, અથવા તો સાચવતાં હતાં પણ એને એનાથી સંતોષ નહોતો. પગના સાંધા જકડાઈ ગયા હતા, મોતિયો પણ પાકવાની તૈયારીમાં હતો, તબિયત પણ નરમગરમ રહેતી હતી. આટલાં બધાં કારણો મગજમાં ઘમસાણ મચાવી રહ્યાં હતાં. એના કારણે સુંદર બગીચામાં બેઠા હોવાં છતાં એ દાદાને એક પણ વસ્તુ સારી નહોતી લાગતી. એમને જાણે કશામાં રસ જ નહોતો રહ્યો.
એ જ સમયે એક છોકરો ત્યાંથી દોડતો નીકળ્યો. ઉંમર હશે છ વરસની આસપાસ. દાદાની ઉધરસનો અવાજ સાંભળીને એ એમની તરફ આવ્યો. દાદાની તરફ હાથ લંબાવીને જાણે પોતાને કોઈ ખજાનો જડી ગયો હોય એવા આનંદ અને ભાવ સાથે એ બોલ્યો : ‘જુઓ ! જુઓ તો ખરા ! મને શું મળ્યું છે તે !’
દાદાએ એની હથેળીમાં દષ્ટિ કરી તો એક ચીમળાઈ ગયેલું ગુલાબનું ફૂલ હતું. એકાદ બે દિવસ પહેલાં ખરી પડ્યું હશે. એની અરધોઅરધ પાંખડીઓ ખરી ગઈ હતી. બગીચાના માળીએ બેચાર દિવસથી વાળ્યું નહીં હોય, નહીંતર એ ત્યાં પડેલું પણ ન હોત. આવું સુકાઈ ગયેલું ફૂલ જોઈને દાદાના ચહેરા પર અણગમાના ભાવો ઊપસી આવ્યા. માણસ ઉદાસ હોય ત્યારે થોડોક ચીડિયો પણ થઈ જતો હોય છે. દાદાને પણ આ છોકરાનું આવવું ન ગમ્યું. એ જલદી ત્યાંથી જતો રહે તેવી ઈચ્છા એમને થઈ આવી. એટલે કંઈ પણ જવાબ આપ્યા વિના જરાક હસીને એમણે બીજી તરફ મોં ફેરવી લીધું, જેથી પેલો છોકરો એનો અણગમો જોઈને જતો રહે. પણ એ તો ભારે ચીટકુ નીકળ્યો. જતા રહેવાને બદલે એણે તો એ જ બાંકડા પર બેઠક જમાવી ! અને બરાબર દાદાને અડકીને જ બેસી ગયો.
થોડી વાર એમ જ બેઠા પછી એણે પેલા ચીમળાઈ ગયેલા ફૂલને નાક પાસે લઈ જઈ જોરથી સૂંઘ્યું. ત્યાર બાદ બોલી ઊઠ્યો કે ‘અરે વાહ ! આમાંથી તો સુગંધ પણ કેવી સરસ આવે છે !’ પછી દાદાની તરફ ફરીને બોલ્યો : ‘આવું સરસ ફૂલ તમારે જોઈએ છીએ ? એમાંથી સુગંધ પણ કેવી મસ્ત આવે છે ! જો તમારે આ ફૂલ જોઈતું હોય તો હું તમને એમ ને એમ જ આપીશ હોં ! હું બીજું ફૂલ શોધી લઈશ. બોલો, આપી દઉં ?!’
હવે દાદાને બરાબરની ચીડ ચડી. નાનકડા બાળકને ખિજાવાનું એમને યોગ્ય ન લાગ્યું. એનાથી પીછો કેમ છોડાવવો એનો ઉપાય એ શોધતા હતા. પોતે જો એનું ફૂલ સ્વીકારી લે તો પછી એ જતો રહે એવું વિચારી એમણે મોઢા પર બનાવટી હાસ્ય લાવીને કહ્યું : ‘ઠીક છે દીકરા ! આટલું સુંદર ફૂલ હોય અને તું મને એમ જ આપતો હોય તો એ સ્વીકારવામાં મને કંઈ જ વાંધો નથી. લાવ ત્યારે !’ એમ કહી ફૂલ લેવા એમણે હાથ ધર્યો. ખુશ થઈને પેલા બાળકે ફૂલ આપવા હાથ લાંબો કર્યો. પણ દાદાનો લંબાયેલો હાથ ક્યાં છે તે એ નક્કી ન કરી શક્યો. ફૂલ દાદાના હાથમાં પડવાને બદલે નીચે પડી ગયું. એ છોકરો બંને આંખે આંધળો હતો.
દાદાએ એનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. એની પાસેથી ફૂલ લીધું. પછી પૂછ્યું, ‘બેટા ! તું રોજ અહીં આવે છે ? તેં કદી ફૂલને જોયું છે ખરું ?’
‘હા દાદા ! હું રોજ અહીં રમવા આવું છું. મેં તો ફૂલને કદી જોયું નથી પણ મારી મા પાસેથી એના વિશે બરાબર જાણ્યું છે ખરું. પણ દાદા ! ભલે ને મેં એને જોયું ન હોય, હું એની સુગંધ તો બરાબર જાણું છું ને ! એનો રંગ તો મને મારી મા કહે પણ એની સરસ સુગંધ અને કૂણી પાંખડીઓને તો હું બરાબર ઓળખું છું ! ફૂલ કેવું સરસ હોય નહીં !’ એટલું કહીને એ ઊભો થયો. પછી બોલ્યો : ‘દાદા ! તમને ગમે તો એ સુંદર ફૂલ આજથી તમારું હો કે ! તમે રોજ અહીં આવશો તો હું તમને રોજ આવું જ સરસ ફૂલ લાવી આપીશ હોં !’ એટલું કહી એ કૂદતો કૂદતો ત્યાંથી જતો રહ્યો.
દાદા તો હવે કંઈ પણ બોલવાની સ્થિતિમાં જ નહોતા રહ્યા. એમની બંને આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવાના શરૂ થઈ ગયા હતા. દુનિયાને જોવા-જાણવા તેમજ માણવાની બધી જ સગવડો ભગવાને આપી હોવા છતાં પોતે કેવા દુ:ખી હતા ? મનમાં કેટકેટલાં દુ:ખોનું કૃત્રિમ જાળું ઊભું કરીને પોતે જ તેમાં ગૂંચવાઈ ગયા હતા ? આવા સરસ બગીચામાં બેસીને પણ કુદરતના સૌંદર્યનો એક અંશ પણ પોતે નહોતા માણી શકતા. જ્યારે જેણે ફૂલને કે બગીચાને ક્યારેય જોયાં જ નથી એવો બાળક એ ચીમળાયેલા ફૂલના સૌંદર્યને બરાબર માણી શકતો હતો. છતી આંખે પોતાને આસપાસનાં આટલાં બધાં ફૂલો પણ જરાય આનંદ નહોતાં આપી શકતાં. ખરેખર આંધળું કોણ હતું ? એ જ ક્ષણે એમને થયું કે પોતાનાં દુ:ખો માટે બીજું કોઈ જ જવાબદાર નથી. વાંક કોઈ સમસ્યા કે દુનિયાનો નથી પણ પોતાની જાતનો જ છે. પોતાની પાસે દુનિયાને સાચી રીતે જોવાની એ દષ્ટિ જ ન હતી, જે આ અંધ બાળક પાસે હતી.
થોડીક વાર વિચાર કરીને એ ઊભા થઈ ગયા. પોતાની લાકડી હાથમાં ઉપાડી પણ ટેકવી નહીં ! એમને હજુ પોતાના પગ દગો નહીં દે તેવી ખાતરી થઈ આવી. દુનિયાને કોઈ નવા જ દષ્ટિકોણથી જોવા અને માણવાની મનોમન તૈયારી કરી, ખુશખુશાલ ચહેરે અને મક્કમ પગલે એમણે ઘર તરફ પ્રયાણ કર્યું !
એ જ સમયે પેલો અંધ બાળક હાથમાં બીજું ફૂલ લઈને એમની બાજુમાંથી પસાર થયો. એવા ઉત્સાહથી એ જઈ રહ્યો હતો કે એવું જ લાગે કે જાણે આવા જ બીજા કોઈ ઉદાસ વૃદ્ધની જિંદગી બદલવા માટે ન જઈ રહ્યો હોય !
ટાઇટલ્સ

આપણો સમાજ ગામમાં સારાં રસ્તાં બનાવી નથી શકતો પણ

સ્વર્ગ સુધી પહોંચવાના રસ્તાઓની વાતો કરે છે.

-રજનીશ
-------------------------------------------------------

એંડ ટાઇટલ્સ

ઇવ : મને મહિલામંડળમાંથી ફ્રીમાં ગિફટ મળી!

આદમ : ફ્રીમાં? તો બે લઇ આવવીતી ને?
મહેન્દ્ર શાહ સ્વાગત : પરિચય
મહેન્દ્ર શાહ - પોતાની નજરે
મહેન્દ્ર શાહ – પોતાની નજરે
૧૯૪૫માં જન્મેલ મહેન્દ્ર શાહ છેલ્લા ૪૦ વર્ષથી અમેરીકામાં સ્થાયી થયેલ છે. અભ્યાસે આર્કીટેક્ટ, વ્યવસાયે ધંધામાં અને શોખે કાર્ટુનીંગ,પેઈંટીંગમાં. છેલ્લાં પાંચ વર્ષથી ધંધામાંથી રીટાયર્ડ, પણ એમણે એમના કાર્ટુનીંગ, પેઈંટીંગ, ગઝલાક્ષરીના શોખને રીટાયરમેન્ટ આપ્યું નથી. દર અઠવાડીયે વેગુના વાચકોને એમનાં અવનવાં કાર્ટુન્સ અને પેઈંટીંગ્ઝ માણવાનો લ્હાવો તો મળે છે.., સાથે સાથે ઈન્ટરનેટ, સોસીયલ મિડીયા, વેબસાઈટ્સ, પબ્લીકેશન્સના જરીયે ૫૦૦૦ થી વધારે ચાહકો સુધી અમેરીકા, ભારત, કેનેડા, આફ્રીકા, યુરોપ, મીડલ ઈસ્ટ સુધી પહોચે છે, એમના સર્જનના રીસ્પોન્સમાં જ્યારે કોઈક ચાહક લખે કે “You made my Day!”, ત્યારે એમને પણ એવું જ લાગે છે કે એ ચાહકે” Made my Day!”
અત્યાર સુધી ૧૫૦૦ થી વધારે કાર્ટુન્સ અને ૨૦૦ થી વધારે પેઈંટીંગ્ઝ બનાવી ચૂક્યા છે, તથા દેશ વિદેશમાં અસંખ્ય પ્રદર્શનો યોજાયાં છે.
મહેન્દ્દ્રભાઇ સાથે વેબ ગુર્જરીપર તેમનાં ઇ-પ્રદર્શનો રજૂ કરવાની વાતચીત ચાલતી હતી તેમાંથી કેટલીક અંતરંગ વાતો પણ આપણને જાણવા મળી છે. જેમ કે –
“મહેન્દ્ર શાહને ચાહક મિત્રો હંમેશાં પૂછતા હોય છે કે .., “તમને કાર્ટુન્સ અને પેઈંટીંગ્સના અવિરત આઈડીયા કેવી રીતે આવે છે? ” મહેન્દ્રભાઈ પાસે એનો એક જ જવાબ હોય છે.., પત્ની અરૂણા સાથે હંમેશની એમની પાંચ માઈલની વૉક! બંને જણ સવારે અડધો એક કપ ચા પીને નજીકની ટ્રેઈલમાં ચાલવા નીકળી જાય છે.., (Rain or Shine!) અને આ પોણા બે કલાક ચાલવાના સમયમાં એમનું મગજ નવા કાર્ટુન્સ અને પેઈંટીંગ બનાવવામાં પ્રીઓક્યુપાઈડ થઈ ગયેલ હોય છે.., પત્નીની ફરીયાદ રહ્યા કરે છતાં મગજ મગજનું કામ કર્યા કરે છે, અને ઘરે આવી એમના મગજમાં જમા થયેલ સામાન, પાંચ આંગળીઓ, બ્રશ, પેન, અને પેન્સીલ દ્વારા ડ્રૉઈંગ પેપર પર ઠલવાય છે! દોરવાની આદત તો એમને નાનપણથી હતી.., પાછો એમાં એમનો રમૂજી સ્વભાવ ભળ્યો!”
બે કાર્ટુન્સ પુસ્તકો, એક ગુજરાતી.., “અમે અમેરીકન અમદાવાદી” અને બીજું અંગ્રેજી “I said it too!” બહાર પડી ચૂક્યાં છે. વૈયક્તિક અને સામાજિક ટેવો, માન્યતાઓ, રૂઢિઓ,અભિગમ,વર્તન,તરાહોને, એમનાં કાર્ટુંન્સ વ્યંગ અને કટાક્ષને પાત્ર બનાવી દે છે, અને વાચકના મુખ પર આછું સ્મિત ફરકતું કરી દેવાની સાથે સાથે તેને વિચારતો પણ કરી મુકે છે.
પેઈંટીંગ્ઝની બાબતમાં મહેન્દ્ર શાહને ભારતીય શૈલી જેવી કે મિથિલા, ફોક આર્ટ પરથી ઈન્સ્પાયર થઈ ધાર્મિક, અને ભારતીય સંસ્કૃતિ થીમ પર પેઈંટીંગ્ઝ બનાવવાં વધારે ગમે છ. તેમનાં ઘણાં પેઇન્ટીંગ્સ ધાર્મીક, ઐતિહાસીક પુસ્તકો, માયથોલોજી, ફોક આર્ટ પરની પ્રેરણા પર આધારીત રહ્યાં છે.ચારકોલ પેન્સીલ, ક્રેયૉન્સ, વૉટર કલર, એક્રલીક, શેડોબોક્ષ, પથ્થર એ એમનાં મીડીયમ્સ અને મટીરીયલ્સ રહ્યાં છે.
વેબ ગુર્જરી પર તેમની વ્યંગ ચિત્ર કળાની માર્મિક દૃષ્ટિની લહાણ આપણે ઘણા સમયથી માણી જ રહયાં છીએ. તેમનાં પેઇન્ટીંગ્ઝને પણ વેબ ગુર્જરી પર રજૂ કરવા માટે જ્યારે તેમની સમે પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેમણે તત્કાળ સંમતિ દર્શાવી. એટલે હવે યોગ્ય અવસરના સંદર્ભમાં તેમનાં પેઇન્ટીંગ્સનું દર્શન પણ વેગુ પર નિહાળવા મળશે.આવતા તહેવારો ને અનુલક્ષી વેબ ગુર્જરીએ એમનાં ધાર્મીક પેઈંટીગ્ઝ પોસ્ટ કરવાનું નક્કી કર્યું છે. પર્યુષણ પર્વને અનુલક્ષી જૈન પેઈંટીંગ્ઝ અને એ પછી ગણેશ ચતૂર્થી નિમીત્તે ગણેશ પેઈંટીગ્ઝનો વાચકોને લાભ મળશે.
મહેન્દ્રભાઇ શાહનું વેબ ગુર્જરીના મંચ પર ફરી એક વાર સાભાર સ્વાગત છે.
સંપાદકો

પર્યુષણ પર્વને અનુલક્ષીને જૈન પેઈંટીંગ્ઝનું ઇ-પ્રદર્શન

મહાવીર સ્વામી.., ૪' x ૭' ના કેન્વાસ પર. એક્રલીક અને ડાઈ રંગોમાં
મહાવીર સ્વામી.., ૪’ x ૭’ ના કેન્વાસ પર. એક્રલીક અને ડાઈ રંગોમાં
લાલ ટપકાંની ભાતથી સુશોભનાચ્છાદિત મહાવીર સ્વામી
લાલ ટપકાંની ભાતથી સુશોભનાચ્છાદિત મહાવીર સ્વામી
મહાવીર સ્વામી - કમળાસન મુદ્રા
મહાવીર સ્વામી – કમળાસન મુદ્રા
મહાવીર સમોવરણ
મહાવીર સમોવરણ
જૈન પેઇન્ટીંગ
જૈન પેઇન્ટીંગ
ગૌતમ સ્વામી નિરૂપણ કરતું જૈન પેઈન્ટીંગ
ગૌતમ સ્વામી નિરૂપણ કરતું જૈન પેઈન્ટીંગ
મહાવીર, પાર્શ્વનાથ, ૧૪ સૂપ્ન, જંબુદ્વીપ, અને અન્ય જૈન મોટીફ્સ નિરૂપરણ કરતું સંયોજિત જૈન પેઈટીંગ
મહાવીર, પાર્શ્વનાથ, ૧૪ સૂપ્ન, જંબુદ્વીપ, અને અન્ય જૈન મોટીફ્સ નિરૂપરણ કરતું સંયોજિત જૈન પેઈટીંગ
જંબુદ્વીપ લાવણ્ય
જંબુદ્વીપ લાવણ્ય
નેમીનાથ લગ્ન શોભાયાત્રા
નેમીનાથ લગ્ન શોભાયાત્રા
પાલીતાણા
પાલીતાણા

શ્રી મહેન્દ્રભાઇ શાહનો સંપર્ક mahendraaruna1@gmail.com સરનામે કરી શકાશે.