SANKLAN

SANKLAN
SANKLAN

Tuesday, 4 November 2014

દિવાળી આવી ને જતી રહી

ને આ વખતેય એવો અહેસાસ કરાવતી ગઈ કે,
જ્યારે નાનાં હતાં ત્યારે કેટલી મોટી લાગતી હતી…..
ને હવે મોટાં થયાં તો દિવાળી જાણે નાની થઈ ગઈ….!

તાણી તૂસીને બચાવેલી રકમમાંથી મા,
થોડો મોહનથાળ ને સુખડી કરતી
ક્યારેક ઘી ઓછું પડે તો ક્યારેક એલચી ન મળે
પણ એના સ્વાદમાં માની ભારોભાર લાગણી નીતરતી
એટલે જ તો એકાદ ટુકડો લેવા કેટલાય કજિયા કરતાં….
ને મા સમજાવતી, ‘બેટા, એમ થોડું ખવાય હરતાં ફરતાં….?’

આજે જુદા જુદા રંગની…. જુદા જુદા પ્રાંતની….
નામેય ન આવડે એવી
આઠ-દસ મિઠાઈનાં બોક્સ ફ્રિજમાં પડ્યાં પડ્યાં ઠરે છે,
અને હરતાં ફરતાં એની સામે જોતાં જઈએ છીએ તો પણ
હવે મોંમાથી નાનપણ જેવી તીવ્ર ઈચ્છાનું પાણી ક્યાં ઝરે છે…!?

ધનતેરસે સુંવાળી વણતાં વણતાં મા,
બેસતા વરસે કોણ કોણ આવશે તેની યાદી કરાવતી
પછી કોનું સ્વાગત કઈ રીતે કરશું –
એવા ઉમળકાના ચોસલા પાડતી.
કોઈને ગરમ નાસ્તો ને કોઈને કોરો
કોઈને ચા કે શરબત ને બાળકોને દૂધનો કટોરો
એના જર્જરિત થઈ ગયેલા નાના
પર્સના છેલ્લા સિક્કા સુધી અકબંધ રહેતો
માનો મોંઘેરો ઉમંગ ક્યાંથી લાવવો…?

આજે પાંચ દિવસની રજામાં
‘આઉટ ઑફ સ્ટેશન’નું આયોજન કરી
એ બધીયે ‘ઝંઝટ’માંથી છૂટવા મથતી આપણી વૃત્તિ પર
એ રંગ કેવી રીતે ચડાવવો….?

બોનસ, ડી.એ. ડિફરન્સ કે એરિયર્સ… કશું જ નહીં

માની ત્રણ મહિનાની બચત ને પપ્પાના
બે મહિનાના ઓવરટાઈમમાંથી દિવાળી કરવાની
પણ તોય કોઈ બેરિયર્સ નહીં….

દિવાળીની રાત્રે જાતે ધોઈને….
હાથ દઈને ગડી કરી ગાદલા નીચે મૂકી ને ઈસ્ત્રી કરાયેલો
ડ્રેસ બેસતા વર્ષે વટભેર પહેરવાનો જે આનંદ હતો,

તે આનંદ આજે રંગબેરંગી કપડાંથી
ઠાંસોઠાંસ ભરેલા વૉર્ડરોબમાં ક્યાં સંતાતો ફરે છે –

એ જ સમજાતું નથી.
ખરેખર…. આપણે મોટાં થઈ ગયાં….
અને આપણી દિવાળી નાની થઈ ગઈ….!

Monday, 3 November 2014

નવા વર્ષનું ટાર્ગેટ : સાઇઝ ઝીરો

November 3, 2014
- હિમાંશુ કિકાણી
clip_image002_thumb.jpg
હેપ્પી ન્યૂ યર!
નવા વર્ષે કોઈ નવો મક્કમ નિર્ધાર કર્યો? થોડા દિવસોમાં ભૂલી જવા માટે?
નવી શરૂઆતના નિર્ધાર આપણી પાળી ન શકીએ એનાં દેખીતાં કારણો હોય છે. આપણે રોજ સવારે ચાલવા જવાનો નિર્ધાર કરીએ તો એલાર્મ ઓટોમેટિક વાગે, પણ એ પછીનું બધું આપણે કરવું પડે, ભારે પોપચાં ખોલવાં પડે, ગોદડું ખસેડવું પડે… ટૂંકમાં, નિર્ધાર એવા જ ટકે જેમાં બધું આપોઆપ થાય.
જો નવા વર્ષમાં તમે સાઇઝ ઝીરોનો નિર્ધાર કરો તો એ ટકવાના ચાન્સ છે. આપણું ફોકસ હંમેશા ઇન્ટરનેટ રહેવાનું એટલે અહીં સાઇઝ ઝીરોની વાત આપણા ઇનબોક્સને લાગુ પડે છે!
સૌ કોઈની જેમ તમે પણ ઈ-મેઇલના સરેરાશ યુઝર હશો તો તમારું ઈનબોક્સ મોટા ભાગે બિનજરૂરી મેઇલ્સથી ભરચક રહેતું હશે. આપણે અલગ અલગ ઘણી બધી જગ્યાએ, જાણે-અજાણે આપણા ઈ-મેઇલ એડ્રેસની લ્હાણી કરતા હોઈએ છીએ એટલે અને એ સિવાય, આપણું એડ્રેસ યેનકેન પ્રકારેણ મેળવી લેતા લોકોના પ્રતાપે આપણે માટે જરૂરી ન હોય એવા ઈ-મેઇલ્સનો ખડકલો થતો જ રહે છે. પરિણામે, એ ગંજમાં આપણા માટે જરૂરી મેઇલ્સ દબાયેલા અને નજર બહાર રહી જાય એવું બની શકે છે. આમ તો જીમેઇલ હોય કે યાહૂ હોય કે ત્રીજી કોઈ કંપની, એમના એન્જિનીયર્સ આપણા ઈનબોક્સને ક્લિન રાખવા માટે યથાશક્તિ સતત પ્રયાસ કરે છે અને એમનાં ફિલ્ટર્સ ઘણાં કારગત પણ રહે છે. તેમ છતાં, સંખ્યાબંધ મેઇલ્સ આપણા ઈનબોક્સમાં ઘૂસી જવામાં સફળ પણ રહે છે.
આવું ન થાય, આપણા ઇનબોક્સની આપણા વતી કોઈ કડક ચોકી કરે અને માત્ર જરૂરી મેઈલ્સને જ અંદર પ્રવેશવા દે એવી પેઇડ અને ફ્રી એપ્લિકેશન્સ હોય છે, પણ મોટા ભાગે, સિક્યોરિટીનાં દેખીતાં કારણોસર લોકો પોતાના ઈ-મેઈલ સાથે એવી કોઈ થર્ડ પાર્ટી એપને કનેક્ટ કરવાનું પસંદ કરતા નથી.
ખરેખર એવી ખાસ જરૂર પણ હોતી નથી. નવા વર્ષનો ઉત્સાહ ઓસર્યો ન હોય ત્યાં સુધીમાં તાબડતોબ પગલાં લઈને તમે કેટલીક ઓટોમેટિક પ્રક્રિયાઓ સેટ કરી દો તો તમારું ઇનબોક્સ આખું વર્ષ નીયરલી સાઇઝ ઝીરો રહેવાની પૂરી શક્યતા છે. આ માટે, તમે જીમેઇલનો ઉપયોગ કરતા હશો એમ ધારીને, કંઈક આવાં પગલાં લઈ શકાય…
જીમેઇલમાં ઇનકમિંગ મેઇલ્સના ઓટોમેટિક પ્રાઇમરી સોર્ટિંગની વ્યવસ્થા તો છે જ. જીમેઇલ આપણા પર આવતા ઈમેઇલ્સને પોતાની રીતે ચેક કરીને પ્રાઇમરી, સોશિયલ, પ્રમોશન્સ, અપડેટ્સ અને ફોરમ એમ પાંચ કેટેગરીમાં વહેંચી નાખે છે, જેમાંથી પ્રાઇમરી કેટેગરીમાં, સામાન્ય રીતે આપણા કામના ઈમેઇલ્સ જમા થતા હોય છે.
વાસ્તવમાં આપણે મેઇલ ઓપન કરીએ એ સાથે સૌથી પહેલાં આ પ્રાઇમરી ટેબમાંના મેઇલ્સ જ જોવા મળે છે એટલે તેમાં માત્ર સૌથી મહત્ત્વના મેઇલ્સ જ દેખાય તે જરૂરી છે.
એટલા માટે ઓટોમેટિક સોર્ટિંગ સુવિધાનો પૂરો લાભ લો. શરૂઆતમાં, પાંચેય કેટેગરીમાં આવતા મેઈલ્સ પર એક ઊડતી નજર નાખીને, કોઈ મેઈલને જીમેઇલે ખોટી કેટેગરીમાં નાખ્યો હોય તો તેને સુધારી શકાય છે. જેમ કે ફેસબુકનાં નોટિફિકેશન્સ આપણા પ્રાઇમરી ટેબમાં આવી પડતાં હોય તો આવા કોઈ એક મેઇલને ઓપન કરી, મેઇલ બોક્સના જમણા ઉપરના છેડે આપેલા ઓપ્શન્સના ડ્રોપડાઉન મેનુમાં જઈને ‘રીપોર્ટ મિસકેટેગરાઇઝેશન’ પર ક્લિક કરો. હવે જે બોક્સ ખૂલે તેમાં આ મેઇલ, તમારી દૃષ્ટિએ જે કેટેગરીમાં જવા જોઈએ (જેમ કે સોશિયલ) તે જણાવી દો. જોકે અહીં ગૂગલ કહે છે કે આ રીતે તમે ગૂગલના એન્જિનીયર્સને તમારો મેઇલ તપાસવાની મંજૂરી આપો છો, માટે તમને યોગ્ય લાગે તો જ આગળ વધશો.
બીજી વાત, જીમેઇલ ભલે એમ કહે કે તમને એટલી બધી સ્ટોરેજ કેપેસિટી મળે છે કે તમારે કોઈ મેઈલ ડિલીટ કરવાની જરૂર નથી, તમે ખચકાયા વિના મેઇલ ડિલીટ કરવાની ટેવ પાડો. એ માટે કીબોર્ડ શોર્ટકટ યાદ રાખી લેશો તો વાત વધુ સહેલી બનશે. કેટલાક સંજોગોમાં આ પ્રક્રિયા પણ ઓટોમેટ કરી શકાય છે.
તમારે માટે ચોક્કસ નકામા, કાયમ માટે નકામા મેઇલ્સ, તે ઈનબોક્સમાં દાખલ થાય તે પહેલાં જ ઓટોમેટિકલી ડિલીટ કરવા માટે ફરી ઓપ્શન્સમાં જાઓ અને ‘ફિલ્ટર મેસેજીસ લાઇક ધીસ’ પર ક્લિક કરી યોગ્ય સેટિંગ કરી દો.
ફિલ્ટર સુવિધા અને લેબલની સગવડનો વધુમાં વધુ લાભ લઈને પણ ઓટોમેટિકલી ઇનબોક્સને ક્લિન રાખી શકાય છે. જેમ કે તમારા પર દર મહિને મોબાઇલ કંપનીનું બિલ આવતું હોય અને તેનું પેમેન્ટ ઓટોમેટિકલી થાય એ માટે તમે ડાયરેક્ટ બેન્ક ખાતામાંથી પેમેન્ટની ગોઠવણ કરી હોય તો બિલને ઈનબોક્સમાં એન્ટ્રી આપવાની જરૂર જ નથી, આવા મેઇલ્સ માટે યોગ્ય લેબલ્સ સેટ કરીને તેને ફિલ્ટર કરી દેશો એટલે ઇનબોક્સ બાયપાસ કરીને તમારું બિલ યોગ્ય લેબલ સાથે આર્કાઇવ થઈ જશે. કોઈ ક્લાયન્ટ તરફથી આવતા મેઇલ્સને આપોઆપ ચોક્કસ લેબલ લાગે અને તેને સ્ટાર પણ લાગુ થઈ જાય એવું ફિલ્ટરિંગ પણ કરી શકાય છે.
લેબલિંગ અને ફિલ્ટરનો સ્માર્ટ ઉપયોગ કરો તો તમારા મહત્ત્વના ઈ-મેઇલ્સ હંમેશા યોગ્ય રીતે ફાઇલ થતા રહેશે અને ઇનબોક્સને ચોખ્ખુંચણાક રાખીને તમને ક્યારેય સ્ટ્રેસનો અનુભવ પણ નહીં થાય. ટ્રાય કરી જુઓ, પહેલા જ અઠવાડિયામાં!

શ્રી હિમાંશુ કીકાણીનાં સંપર્કસૂત્રઃ
· ઇ-પત્રવ્યવહાર : himanshu@cybersafar.com

સુખ જેવું જગમાં કંઈ નથી, જો છે તો આ જ છે,
સુખ એ અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.
-- જલન માતરી

એ મુસીબત એટલી ઝિઁદાદિલી ને દાદ દે
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો !
--- જમિયત પંડ્યા

નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.
--- મનોજ ખંડેરિયા

રૂબરૂ જે પળે હોય છે,
શ્વાસ ઉપરતળે હોય છે.
--- રશીદ મીર

સળગતો શબ્દ પણ પીંખાયલા પરિવાર જેવો છું,
મને ના વાંચ, હું ગઇકાલ ના અખબાર જેવો છું.
--- ગની દહીંવાલા

હસીને કોઈનાં અશ્રુઓ બેકરાર કરે,
વસંતને ય થઈ જાય: કોઈ પ્યાર કરે !
--- મનહરલાલ ચોક્સી

ફૂલો તો શું છે, વધુ કામિયાબ કાંટા છે,
અમારી તો પળેપળનો હિસાબ કાંટા છે.
--- વિવેક ટેલર

હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.
--- રમેશ પારેખ

એનો વાંધો કોઈને નહોતો કદી કે
એક સરોવર ઓઢીને તું નીકળે છે,
પણ ખભે ઊંચકીને રણ જે જાય, તેને
કેમ જાણીજોઈને સામે મળે છે?
--- મુકુલ ચોકસી

સંબંધમાં આ દિલ કશે આગળ ના જઈ શક્યું,
જે પણ ગલી મળી એ ઘણી સાંકડી મળી.
--- વિવેક મનહર ટેલર

ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.
--- અનિલ ચાવડા
બંધુ, તમે જરાક આઘા ખસો ને મને
મારું એકાંત ફરી આપો !
બોલો તો વેણ બહુ મીઠાં લાગે ને
તમ સ્પર્શે હવા વહે છે શીળી
મધુરપથી સીંચ્યા આ માંડવામાં તોય પડે
પાંદડી સંબંધની પીળી;
સામે જુઓ, આ મારો સમદર અગાધ અને
સમદરમાં એકલો તરાપો .
ઝાંખીપાંખી આ બધી બત્તી બુઝાવો
ને ઘરનું સંગીત કરો બંધ,
અંધારું ધોધ બની તાણી લઈ જાય મને
અંધારે ભાળું હું અંધ;
ઘરની આ માયા ને છાપરીની છાયાને
અધપળમાં આજ તો ઉથાપો !
બંધુ, ન લેશ આજ માઠું લાગે હો ભલા
બંધુ, આ પ્રીત નથી પોચી ,
આઘે કર્યા તે નથી અળગા જરાય
નથી ખાલીપે ગોઠડી ઓછી;
ઊંડે ઊંડે મને પામું, પામું ને બજે
સંગીના ઊંચે આલાપો,
બંધુ, તમે જરાક આઘા ખસો ને મને
મારું એકાંત ફરી આપો !
- મકરંદ દવે
સાવ સસ્તા ઘરેલૂ ઉપાયથી ભગાડો મચ્છર, બજારની પ્રોડક્ટ્સની જરૂર નહીં પડે!


સાવ સસ્તા ઘરેલૂ ઉપાયથી ભગાડો મચ્છર, બજારની પ્રોડક્ટ્સની જરૂર નહીં પડે!



















ઋતુ બદલાવાની સાથે જ તેનાથી જોડાયેલા સારા અને ખરાબ બદલાવો પણ આવે છે. ઠંડીમાં જીણી મચ્છીઓ, મચ્છરો, કીડાઓ વગેરેનો ત્રાસ વધી જાય છે. આ મચ્છરોના કરડવાથી ખતરનાક બીમારીઓ પણ થાય છે. મચ્છરોને દૂર કરવા માટે આપણે કેટલાય પ્રયત્નો કરતા રહીએ છીએ. બજારમાંથી નવા પ્રોડક્સ લાવવાથી માંડીને બીજું ઘણું જ આપણે ઉપયોગમાં લઇએ છીએ. પરંતુ મચ્છરોને દૂર કરવા માટેના કેટલાક સરળ ઉપાયો આપણી આજુ-બાજુ છે, જેનો આપણને ખ્યાલ નથી રહેતો. આપણી આસપાસ અને ઘરમાં જ એવા પ્રાકૃતિક ઉપાયો છે જેનો ઉપયોગ કરવાથી મચ્છરોનાં ત્રાસથી આપણને આઝાદી મળી શકે છે.
 
મચ્છરના કરડવાથી ગંભીર બીમારીઓ, વાયરલ, પેરાસાઇડ વગેરે એક માણસથી બીજા માણસમાં ફેલાય છે, જે ખુબ જ ખતરનાક હોય છે. મચ્છરથી ફેલાતી મુખ્ય બીમારીઓ મલેરિયા- ડેંગૂ, ફિલેરીયા, કમળો, જપાનિઝ એન્સેફલાઇટિસ, ચિકનગુનિયા વગેરેનો સમાવેશ થાય છે.

ઘરમાં ઉગાડો મચ્છરોને દૂર કરતા છોડ
 
આપણે આપણા ઘરમાં મચ્છરોથી છૂટકારો મેળવવા માટે કેટલાય કીટનાશકોનો ઉપયોગ કરીએ છીએ. આ કીટનાશક આપણાં શરીરમાં એલર્જી પેદા કરે છે અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. જો તમે મચ્છરોથી છુટકારો મેળવવા માટે કોઇ પ્રાકૃતિક ઉપાય શોધી રહ્યા છો, તો અહીં અમે તમને જણાવીશું મચ્છર ભગાડવાના 10 ઉપાયો. 
 
લીમડાનું તેલ-
 
લીમડાનું તેલ અને નારીયેળનાં તેલ 1:1 સપ્રમાણ મેળવીને તમારા શરીર પર લગાવવું. તેની ગંધથી એક પણ મચ્છર તમારી આસ-પાસ નહી ફરકે.  
 
નીલગીરી અને લીંબુનું તેલ-
 
નીલગીરી અને લીંબૂનાં તેલને એક સાથે મેળવીને શરીર પર લગાવવાથી મચ્છર પાસે નહી આવે. આ તેલ એન્ટીસેપ્ટિક પણ છે, અને મચ્છરોને ભગાડવામાં પણ કામ આવે છે.

કપૂર-
 
આ એક પ્રાકૃતિક વસ્તુ છે જે ખુબ જ અસરકારક હોય છે. કપુરને બાળીને તેને રૂમમાં રાખી રૂમના બધા જ બારી બારણા બંધ કરી દેવા. 20મિનિટ પછી તમે જોશો કે મચ્છર ભાગી ગયા હશે.
 
તુલસી-
 
તુલસી મચ્છરને દૂર ભગાડવા માટે ખુબ અસરકારક હોય છે. આયુર્વેદનાં આધારે જો તમે તમારી બારીની સામે તુલસીનો છોડ રાખશો, તો તે મચ્છરોને ભગાડવામાં અસરકારક બને છે. તુલસી મચ્છરોને તેની આસપાસ ફરકવાથી રોકે છે. 
 
લસણ- 
લસણની સુગંધ બહુ તેજ હોય છે, જેને સુંઘીને મચ્છર દૂર ભાગી જાય છે. થોડા લસણને પીસીને તેને પાણીમાં ઉકાળી લઇ તે પાણીને સ્પ્રે બોટલમાં ભરીને આખા ઘરમાં છિડકવું. આનાથી મચ્છરોનો ત્રાસ દૂર થશે.
 

ટી ટ્રી ઓઇલ-
 
આ પ્રાકૃતિક તેલ જીવાણુરોધી છે. જેને શરીર પર લગાવી મચ્છરોથી છુટકારો મેળવી શકાય છે. આ તેલની સુગંધ રૂમમાંથી મચ્છરોને દૂર ભગાડી શકે છે. 
 
ફુદીનો-
 
ફુદીનાની પાંદડીઓને જો તમે ઇચ્છો તો બારીની બહાર લગાવી શકો છો અથવા તો શરીર પર લગાવીને પણ મચ્છરને દૂર કરી શકો છો.
 
લવેન્ડર (એક સુગંધીદાર ફુલવાળો છોડ)-
 
લવેન્ડરની સુગંધ ખુબ સારી માનવામાં આવે છે, પરંતુ તેની તેજ સુગંધ મચ્છરોને થોડી ઓછી પસંદ હોય છે. આના તેલને તમે રૂમ ફ્રેશનર અથવા તમારા શરીર પર લગાવીને કરી શકો છો. 

લેમનગ્રાસ-
 
લેમનગ્રાસનું તેલ પણ ખુબ જ પ્રભાવશાળી હોય છે, જેને લગાવવાથી મચ્છરોના કરડવાનાં નિશાન દૂર થાય છે. તેને બાળીને તેમાંથી ઉત્પન થતો ધુમાડાથી મચ્છર ભાગી જાય છે. આ એક ઘાસ છે જેમાં લીંબૂ જેવા સિટ્રસની સુગંધ આવે છે.
 
છોડ ઉગાવવાં-
 
જો તમને લાગે છે કે ઘરમાં છોડ ઉગાડવાથી મચ્છરનો ત્રાસ વધી જાય છે, તો તમે ખોટુ વિચારો છો. તમારે એવા છોડ ઉગાડવા જોઇએ જે મચ્છરોને ભગાડવામાં અસરકારક હોય છે. ધરમાં તુલસી, ફુદિનો, ગલગોટા, લવેન્ડર (એક સુગંધીદાર ફુલવાળો છોડ) અને લવિંગનો છોડ લગાવવો.