SANKLAN

SANKLAN
SANKLAN

Tuesday, 22 July 2014

તાજી છાશ …
 આરોગ્ય વિજ્ઞાન - ડૉ. મલ્લિકા ચં. ઠક્કુર (આયુર્વેદ ક્ષેત્રનાં કન્સલ્ટન્ટ)

આપણા શરીરના યોગ્ય પોષણ માટે જે જે આહાર દ્રવ્યોની જરૂર પડે છે તેમાં છાશનું વિશેષ મહત્ત્વ છે. અમે વૈદ્યો આયુર્વેદિક પરિભાષામાં છાશને ‘તક્ર’ કહીએ છીએ.  ગુણોની દૃષ્ટિએ છાશ એ ખરેખર મનુષ્ય લોકનું ‘અમૃત’ છે.  છાશના ગુણોને ધ્યાનમાં રાખીને એક કવિએ સંસ્કૃતમાં શ્લોક લખ્યો છે. તેનું ભાષાંતર આ પ્રમાણેછે :
 
“જો સ્વર્ગમાં છાશ હોત તો મહાદેવ એટલે કે શંકરનું ગળું વિષપાનને લીધે કાળું ન પડત કુબેરને કોઢ ન થાત. ગણપતિને મોટું પેટ ન હોત અને ચંદ્રને ક્ષય ન થાત. છાશ વિશે ભલે આ અતિશયોક્તિ લાગે, પરંતુ છાશમાં જે અનેક ગુણો રહેલા છે એ બાબતમાં ના કહી શકાય તેમ નથી.
 
આપણે જાણીએ છીએ કે, છાશ દહીંમાંથી બને છે અને તે દહીંનું જ એક રૂપાંતર છે.  આધુનિક વૈજ્ઞાનિકો અને ડોક્ટરો છાશ અને દહીંના ગુણધર્મો સરખા જણાવે છે.  જ્યારે આયુર્વેદના ગ્રંથોમાં તેના ગુણધર્મોની ભિન્નતા દર્શાવી છે.  દહીંમાંથી છાશ બનાવવાની જે પ્રક્રિયા છે તેને આયુર્વેદમાં ‘મંથન’  કહેવામાં આવે છે.  લોકવ્યવહારમાં તેને ‘ઘોળવું’ કહેવામાં આવે છે. આમ તો દહીં અને ઘોળવામાં કંઈ જ ફેર જણાતો નથી, પરંતુ દહીં ઉપર જે વલોવવાની ક્રિયા કરવામાં આવી તેને આયુર્વેદમાં ‘સંસ્કાર’  આપ્યો કહેવાય છે.  દહીં પચવામાં ભારે ગણાય અને ઘોળવું પચવામાં હલકું ગણાય.  આમ સંસ્કાર અથવા તો વલોવવાથી ગુણોમાં ફેર પડી જાય છે. સંસ્કારનું મહત્ત્વ કેટલું છે ?  તે બતાવવા માટે આ ઉદાહરણ પર્યાપ્ત છે.  દહીંમાં ચોથા ભાગનું પાણી નાખીને વલોવવાથી જે દ્રવ બને તેને તક્ર-છાશ કહેવામાં આવે છે.  હોટેલોમાં જે ‘લસ્સી’  મળે છે તેનો આ પ્રકારમાં સમાવેશ થાય છે. દહીંથી અડધા ભાગનું પાણી નાખી વલોવવાથી જે દ્રવ તૈયાર થાય તેને વૈદ્યકીય ભાષામાં ‘ઉદ્શ્ચિત’  કહેવામાં આવે છે.  છાશના આ બધા સસ્નેહ પ્રકારો છે.  એટલે કે તેમાંથી સ્નેહી અંશ (માખણ) કાઢી લેવામાં આવેલ નથી.  છાશમાંથી જો માખણ એટલે કે સ્નેહી અંશ કાઢી લેવામાં આવે તો તે પચવામાં અત્યંત હલકી બની જાય છે. દહીંમાં પાણી અમુક અમુક પ્રમાણમાં નાખીને વલોવવાથી થતી છાશના અનેક પ્રકારો પાડી શકાય છે, પરંતુ છાશના આ બધા પ્રકારો દહીંને વલોવીને જ થતાં હોવાથી છાશ એટલે કે વલોવાયેલું દહીં, એવી ટૂંકી વ્યાખ્યા આપી છે.  મંથન એટલે કે વલોવવાની ક્રિયા વડે છાશમાંથી જે સ્નેહ ભાગ કાઢી નાખ્યો હોય અને જેમાં અડધો અડધ પાણી નાખવામાં આવ્યું હોય અને જે અતિઘટ્ટ કે અતિ પાતળું પણ ન હોય અને જે સ્વાદમાં મધુરામ્લ અને થોડું તૂરું હોય તથા સ્વભાવે શીતળ હોય તે દ્રવને તક્ર એટલે કે છાશ કહેવામાં આવે છે.
 

છાશનાં ગુણધર્મો …

 
છાશ મીઠી, ખાટી અને તૂરી એમ ત્રણ પ્રકારના સ્વાદવાળી છે.  છાશ પચવામાં લઘુ એટલે કે સહેલાઈથી પચી જાય એવી, તથા આહારનું પાચન કરાવીને ભૂખ લગાડનાર અને રુક્ષ છે.  તે કફ અને વાયુના રોગોમાં ઉત્તમ છે.  છાશને ઘણા લોકો ઠંડી માને છે, પરંતુ છાશ સ્વભાવે ઉષ્ણ છે.  તે લીવરની વૃદ્ધિ, સોજા, અતિસ્રાવ, સંગ્રહણી, પાઈલ્સ, ઉદર રોગો, કબજિયાત, પાંડુરોગ, અરુચિ, તૃષ્ણા, ઉનવા, શૂળ અને મેદ માટે ઉત્તમ છે.  મધુર એટલે મીઠી છાશ કફને ઉત્પન્ન કરે છે તથા પિત્તને શાંત કરે છે.  જ્યારે અતિ ખાટી છાશ વાયુનો નાશ કરે છે અને પિત્તને વધારે છે.  હિંગ, જીરું અને સિંધાલુણ નાખેલી છાશ અતિ વાતઘ્ન એટલે વાયુને એકદમ મટાડે છે.  તે અર્શ એટલે મસા અને અતિસાર એટલે પાતળા ઝાડા માટે અતિ ઉત્તમ છે.  મૂત્રપ્રવૃત્તિમાં તકલીફ હોય અને તે ટીપે ટીપે આવતું હોય ત્યારે છાશનો ગોળ સાથે અને પાંડુરોગમાં ચિત્રકમૂળ સાથે ઉપયોગ હિતાવહ છે. 

No comments:

Post a Comment