SANKLAN

SANKLAN
SANKLAN

Thursday, 14 August 2014

એક દિવસ ખુદને નામ: ફિર દેખો યારોં...

શા માટે મોંઘા ભાવની ક્રોકરી કે ડિનર સેટ મહેમાન માટે જ વાપરવાનાં? મહેમાન આવવાના હોય ત્યારે જ કેમ જાતજાતનાં ફરસાણ-મિષ્ટાન્ન બનાવવાનાં? કોઈ વાર આપણા માટે દિલ દઈને રસોઈ કેમ ન બનાવવી?

દિલ કે ઝરોખોં સે - કામિની સંઘવી

આજ સવારથી હેમાને એક સેક્ધડનો પણ સમય નથી. અરે ભાઈ ખાસ કંઈ પ્રસંગ કે એવું કશું નથી એ તો એનો કઝીન અમેરિકાથી આવ્યો છે અને તેને આજે જમવા બોલાવ્યો છે એટલે હેમાના ઘરમાં આ બધી ધમાલ ચાલે છે. જોકે કઝીન આવે છે ડિનર માટે પણ હજુ તો સવારના દસ થયા છે અને છતાં હેમા અત્યારથી બધી તૈયારીમાં બિઝી થઈ ગઈ છે. આફટર ઓલ કોઈ એનઆરઆઈને ઈમ્પ્રેસ કરવા તે કાંઈ ખાવાનો ખેલ થોડો છે? એટલે જ જૂઓને છેલ્લાં બે વર્ષથી ખરીદેલો કાચના કબાટમાં ધૂળ ખાતો ફ્રેન્ચ ગ્લાસ કટનો ડિનર સેટ બહાર કાઢયો છે. એક એક પીસને ધ્યાનથી સાફ કરીને ટેબલ પર ગોઠવે છે. વળી ડાઈનિંગ ટેબલ પર મેંચિગ ટેબલ ક્લોથસ અને ટેબલ મેટના સેટ પણ ગોઠવવા પડશે. હવે ડિનર સેટ સાથે બધું મેચ તો થવું જોઈએ ને! નહીં તો આપણે ગામડિયામાં ગણાઈ જઈએ તો? ડ્રોઈંગરૂમમાં પ્લાસ્ટિકના બદલે ફ્રેશ ફલાવર્સ મૂકવા જોઈશે. તો સારું લાગે. આમ તો રોજ ઘરના બગીચામાં કેટલાં ફૂલો થાય છે પણ તે સામે જોવાનો કયાં સમય હોય છે? પણ આજની વાત જુદી છે. મહેમાનને ખુશ તો કરવા જ જોઈએ. આપણે કેવા શોખીન અને સાધન-સંપન્ન છીએ તેનો પણ તેમને અહેસાસ થવો જોઈએ ને! પણ આજે બગીચામાં ખાસ કોઈ ફૂલ ઊગ્યા જ નથી. હવે ? હેમાએ ફટાફટ નોકરને ફૂલો લેવા મોકલ્યો. ફ્રેશ રજનીગંધાના ફૂલોથી તેણે ફલાવર પોટ સજાવ્યો ત્યારે શાંતિ થઈ. ફૂલોની સુવાસથી ઘર આખું મહેંકવા લાગ્યું. હેમા ખુશ થઈ ગઈ. ચાલો ઘર સજાવટનું કામ તો થઈ ગયું. હવે ડિનર માટે મેનુ નક્કી કરવાનું કામ. જે જરા અઘરું છે કારણ કે હેમાના કઝીનના બાળકોનું બ્રોન એન્ડ બ્રોટપ અમેરિકામાં છે એટલે નક્કી ખાવા-પીવામાં બહુ નાટક હશે જ. છતાં હેમાએ ખાસ ફોન કરીને તેમને ભાવતા ફૂડ વિશે જાણી લીધું. જેથી બાળકો ખુશ રહે. આમ તો રોજ એક-બે શાક બને છે પણ આજે બે-ત્રણ બનાવ્યા. પુલાવ-કઢી સાથે છૂટી મગની દાળ પણ બનાવી દીધી. હેમાને ખુદને જ કઢી-ભાત સાથે મગની છૂટી દાળ બહુ ભાવે છે પણ બનાવતી નથી. હવે ખુદને માટે તો એટલી બધી મહેનત કરવાનું કેમ ગમે? રાયતું બનાવ્યું હતું તો પણ છાશની વ્યવસ્થા કરી રાખી. કદાચ મહેમાનને જમ્યા પછી છાશ પીવાની ટેવ હોય તો? એટલે સ્પેશિયલ કાચના ક્રિસ્ટલ કટ વાળા લાંબા ગ્લાસ ઉપર માળ્યાંમાંથી ઉતાર્યા. આમ તો હેમાને જ જમ્યા પછી કાચના લાંબા ગ્લાસમાં છાશ પીવાનું ગમે છે અને ગ્લાસની ખરીદી તેમ વિચારીને જ કરી હતી પણ ખુદના માટે તો કોણ રોજ એવી મહેનત કરે? રબડી-સમોસા વગેરેનું મેનુ ખાસ ગેસ્ટની પસંદ મુજબ બનાવ્યું. મહેમાનો ખુશ થાય તેની બરાબર કાળજી લીધી.

બધાં ગેસ્ટ બહુ ખુશ થયા. ફૂડ તથા ઘરની સજાવટ બધાંને ગમી. રાતે બધાં ગેસ્ટ ગયા પછી હેમા આરામથી ઈઝી ચેરમાં ગોઠવાઈ! ક્રિસ્ટલ કટ કાચના લાંબા ગ્લાસમાં છાશ પીવા બેઠી. આહ કેટલાં દિવસે આ ગ્લાસમાં છાશ પીવાની ઈચ્છા પૂરી થઈ! ગ્લાસ લીધા હતા ત્યારથી ઈચ્છા હતી કે તેમાં કંઈક મનગમતું પીણું પીવું. પણ કોણ માળિયામાંથી ઉતારવાની ઝંઝટ કરે? હેમાના ચહેરા પર આનંદ ચમકતો હતો. પણ શેનો વધારે આનંદ હતો? કાચના લાંબા ગ્લાસમાં મનગમતું ડ્રીન્ક પીવાનો આનંદ કે મહેમાન ખુશ થયા તેનો આનંદ? અફકોર્સ મહેમાનને સારી રીતે ટ્રીટ કર્યા તેનો આનંદ તો હોવો જ જોઈએ કારણ કે ભારતીય પરંપરા કહે છે કે, અતિથિ દેવો ભવ:. ઓકે ધેટ્સ ગુડ. ઘરે આવેલાં ગેસ્ટને સારી રીતે જમાડવા-રાખવા જોઈએ. પણ ખુદને કોઈવાર અતિથિ તરીકે ટ્રીટ કરીએ તો? તમને સારું લાગશે? આનંદ આવશે? પોતાને જ ખુશ કરવાનો નિર્મળ આનંદ? ખુદને ગમે તેવું મેનુ બનાવીને ખુદને માટે જ મહેનત કરીએ તો?

મોટાભાગે આપણે જોતા આવ્યા છીએ, કે કરતાં આવ્યા છીએ કે જ્યારે ઘરે મહેમાન આવે ત્યારે જ આપણે ઘર સજાવીએ છીએ. સારા સોફા કવર્સ, ટેબલ કલોથ પાથરીએ ત્યાં સુધી તે વોર્ડરોબમાં પડી રહે. સારા ડિનર સેટ કે ક્રોકરી વગેરે પણ ત્યારે જ સ્ટોરરૂમમાંથી બહાર આવે. મોંઘાભાવની વસ્તુ પણ આપણે ગેસ્ટ માટે ઝડપથી મુશ્કેલી વેઠીને પણ કાઢીએ. કારણ કે આપણે ખરીદી કરીએ છીએ આપણાં માટે પણ પછી ખુદના માટે વાપરવાનું ભુલાઈ જવાય છે અને મહેમાન આવે ત્યારે વાપરીશું એમ જાણીને તે બધી વસ્તુ કબાટમાં ઘૂળ ખાતી રહે છે. કારણ કે સારી-મોંઘી વસ્તુ ગેસ્ટને ઈમ્પ્રેસ કરવા માટે જ હોય છે. કેમ પણ કયારેય આપણે આપણને ઈમ્પ્રેસ કરવા માટે મહેનત કરતા નથી? શા માટે સારા-મોંઘા ભાવની ક્રોકરી ફકત મહેમાન માટે યુઝ કરવાની? કેમ કોઈ દિવસ પોતાના કે પોતાના ફેમિલિ માટે કોસ્ટલી ડિનર સેટ ડિનર કરવા ન વાપરવો? શા માટે આપણને ગમતી સારી વાનગીઓ કે મિષ્ટાન-ફરસાણ ફકત આપણાં માટે ના બનાવીએ? કેમ કોઈવાર આપણા માટે દિલ દઈને રસોઈ ના બનાવી? કે ઘર-ટેબલ સજાવીને રાખીએ? ક્યારેય ન બનાવતા હોઈ તેવી વાનગી બનાવીએ. અરે બહુ મહેનત માગી લેતી વાનગી પણ બનાવવા તૈયાર રહીએ. કોઈને ત્યાં જમવા ગયા હોઈએ ત્યારે ઘણીવાર સાંભળવા મળે, મને તુવેરના લીલવાંની કચોરી બહુ ભાવે પણ આટલી બધી તુવેર છોલવાનો કંટાળો આવે એટલે બનાવતી નથી પણ તમે આજે આવવાના હતા એટલે બનાવી. બહુ સારી વાત છે કે તમે ગેસ્ટ માટે આટલી તકલીફ લઈને પણ કચોરી બનાવી પણ કયારેક તમારાં માટે પણ બનાવો. ખુદને પેમ્પર કરવાની પણ મજા છે ને! તેમાં પણ સ્ત્રીઓને પોતાના માટે કદી મહેનત કરીને જમવાનું બનાવવાવાનો શોખ થતો નથી. જે હોય તે ચાલશે, ફાવશે અને ગમશે. ખુદને ગમતું કરવું તેમાં ખોટું શું છે? માન્યું કે આપણી પરંપરા કહે છે કે,મહેંમા જો હમારા હોતા હેં વો જાનસે પ્યારા હોતા છે. પણ આપણે જ ગીતામાં બોધપાઠ શીખ્યા છીએને અહમ્ બ્રહ્માસ્મિ! યાને કે મારામાં જ બ્રહ્મ છે તો બ્રહ્મને ખુશ રાખો. અહીં અતિથિને અવગણવાની વાત નથી પરંતુ ખુદને અતિથિ બનાવવાની વાત છે. ભાવશે,ચાલશે અને ફાવશે આ શબ્દો તમારા માટે કયારેક ભૂલીને જુઓ જીવન જીવવાની મજા પડશે. શા માટે ગેસ્ટ આવે ત્યારે જ ફ્રેશ ફલાવર ફલાવર વાઝમાં સજાવવાના? તમારા માટે પણ કયારેક ફ્રેશ ફલાવર સજાવો અને દિવસને સુગંધમય બનાવો. તાજાં ફૂલ તોડવાને બહાને તમે રોજ રોજ બગીચામાં જતા હશો અને તમારી સવારને ફૂલો જેવી ખિલેલી બનાવવાની પ્રેરણા આપોઆપ મળશે.

નવા ડિનર સેટમાં જમો. સારા ટેબલ મેટથી ડાઈનિંગ ટેબલ સજાવો. મનગમતી વાનગીઓ મહેનત કરીને પણ તમને ગમે છે એટલે બનાવો. કબૂલ કે રોજ રોજ બધું કરવાનો સમય ના મળે પણ અઠવાડિયે એક દિવસ તો પોતાને લાડ લડાવવાનો મોકો ઝડપી લો. પછી જૂઓ જીવનમાં આપોઆપ નવી તાજગી આવશે. યસ પણ અહીં સ્વકેન્દ્રી બનવાની વાત નથી પણ તેને કારણે ડિપ્રેશન કે ખુદને હાઉસ વાઈફ કે હોમમેકર છો એટલે મહત્ત્વ નથી મળતું તે નેગેટિવિટીમાંથી બચી શકાશે.. પોતાને ગમતી વસ્તુ બનાવીને ખાવી કે પોતાના માટે ઘર સજાવવું તેથી તમે કોઈ ગુનો નથી કરતા, કારણ કે આફટર ઓલ તમે પણ માણસ છો. મહેમાન માટે પણ કરો પણ ખુદને થોડું મહત્ત્વ આપતા પણ શીખો. કારણ કે આપણે ઘરમાં હંમેશાં સારી વસ્તુ વસાવીએ ત્યારે પહેલાં એ વિચારીએ છીએ કે ગેસ્ટ આવે ત્યારે આ કે તે વસ્તુની બહુ જરૂર પડે છે. અગ્રીડ કે ઘરે ગેસ્ટ આવતા-જતા હોય એટલે ઘરે અમુક વસ્તુ વસાવવી પડે. પણ માત્ર ગેસ્ટ આવે ત્યારે જ તે વસ્તુ વાપરવી તે અભિગમ ખોટો કહેવાય ને? સો થીન્ક ફોર યુ સમટાઈમ. એક વીકમાં એક દિવસ તમને પેમ્પર કરવા માટે ફાળવો. તો તમે જ તમને માનથી જોતા થશો તેથી ઘરના બીજા સભ્યો પણ તમને માન આપતા શીખશે. આખરે ઘર આપણાં માટે પણ છે તે વાત ભૂલવા જેવી નથી.

No comments:

Post a Comment