SANKLAN

SANKLAN
SANKLAN

Tuesday, 9 September 2014

સહજતાથી મળેલું ક્યારેય કામચલાઉ નથી હોતું
 
 
સમજ મેળવવાથી નથી મળી જતી. એ સહજ મળે છે, આપોઆપ મળે છે. લાખવાર માથું કૂટ્યા પછીય માણસ બોઘા જેવો રહેતો હોય છે. સમજણનો તસુભાર ઉમેરો એનામાં નથી થતો. ડહાપણનો ભંડાર ભર્યો હોય એવાં હજારો પુસ્તકોની લાખો નકલો બજારમાં વેચાય છે. આ પુસ્તકોના કરોડો વાચકોમાંથી કેટલા ડઝન સમજદાર બની ગયા હશે? અને આની સામે આવાં પુસ્તકો ન વાંચનારા કે કદીય કોઈ પ્રવચન કે વ્યાખ્યાન ન સાંભળનારા કરોડો સમજદાર લોકો તમારી આસપાસ પથરાયેલા છે. ક્યાંથી આવે છે એમનામાં એ સમજ.

કશુંક કરવાથી કે કશુંક ચૂકવવાથી સમજ મળી શકતી હોત તો દુનિયાના તમામ પૈસાદાર માણસોનો વર્ગ જગતનો સૌથી સમજુ સમાજ ગણાતો હોત. સૌંદર્ય, બુદ્ધિપ્રતિભા કે પ્રતિષ્ઠાને શ્રીમંતો ખરીદી શકે છે, ભાડે રાખી શકે છે, સમજને નહીં. સમજદાર માણસો પોતાના માટે કામ કરતા હોય એવો શ્રીમંત જો પોતે જ સમજદાર ન હોય તો પેલા માણસો શેઠ પર ચડી બેસે.

કહેવાય છે કે અનુભવથી સમજ આવે, વર્ષો સુધી દુનિયાદારીને નજીકથી નિહાળ્યા પછી સમજ આવે. આ
વી શકે. પણ આવે જ એ જરૂરી નથી. ખૂબ અનુભવી માણસ તદ્દન નાસમજ હોઈ શકે. આની સામે હજુ વાસ્તવની દુનિયામાં પગલાં માંડી રહેલા ટીનએજરમાં પણ ભરપૂર સમજ હોઈ શકે. સમજનો સપ્લાય ક્યારે, ક્યાંથી, કેટલો આવશે એની કોઈને ખબર નથી હોતી. બસ, એટલું કહી શકાય કે સમજ સાહજિક રીતે આવે છે, એના માટે પ્રયત્નો ન કરવાના હોય, ઝઝૂમવાનું ન હોય, એના અભાવે જાતને કે બીજા કોઈને કોસવાની ચેષ્ટા પણ કરવાની ન હોય.

સહજતાપૂર્વક આવી ગયેલી સમજદારી ઝાઝી ટકે છે. ડહાપણની ચાર વાતો ઉછીની લઈને ચપડચપડ બોલી નાખવાથી ટેમ્પરરી તમે ડહાપણના ભંડાર લાગી શકો, પણ એ બધું લાંબું ન ચાલે. વરખ કે વિનિયર વડે તમે મૂળ તત્ત્વની ગુણવત્તાને છુપાવી શકો પણ તે ક્યાં સુધી. સાહજિક રીતે કંઈ પણ મળી જાય તે કાયમી ટકે છે. ક્યારેક કાયમી નહીં તો લાંબું તો ટકે જ છે. સહજતાથી મળેલું ક્યારેય કામચલાઉ નથી હોતું.

સહજતાથી મેળવવું એટલે નિર્વિરોધ મેળવવું. વિરોધનો અભાવ એટલે સંઘર્ષની ગેરહાજરી નહીં. બગાસું ખાતાં મોઢામાં પતાસું પડે એવું પણ નહીં. વિરોધ જાત સાથેનો ન જોઈએ. અંદર પડેલા અવરોધો દૂર થઈ ગયા પછી જ સહજનું સૌંદર્ય સમજી શકાય. જે બને છે

તે સારા માટે જ બને છે એવી શ્રદ્ધાનું બીજું નામ આંતરિક અવરોધોનું ઓગળી જવું. જે બને છે તે જ શું કામ, જે બનવાનું છે તે પણ સારા માટે જ બનવાનું છે એવો ભરોસો પણ ખરો. અને જે બની ગયું છે તે પણ સારા માટે જ હતું એવો વિશ્ર્વાસ પણ ખરો. પરિસ્થિતિઓનો સાહજિક સ્વીકાર કરવાની કક્ષાએ પહોંચતાં પહેલાં આ ત્રણ પગથિયાં પાર કરવાં પડે.

આસપાસ બનતી રહેતી ઘટનાઓનો સાહજિક સ્વીકાર કરતાં શીખી ગયા પછી સમજ આપમેળે પ્રગટે. પોતાને જેનો હક્ક લાગે છે તે ન મળે ત્યારે અથવા પોતાની પાત્રતા કરતાં ઘણું બધું મળી રહ્યું હોય ત્યારે પણ - સામસામા છેડાની આવી પરિસ્થિતિઓ સર્જાય ત્યારે બેઉ વખતે એનો સ્વીકાર થઈ જાય, કશાય કકળાટ વગર કે કોઈ પ્રકારની ઉચ્છૃંખલતા વિના, સમજદારી ત્યારે પ્રગટેલી કહેવાય.

સમજદારી ક્યારે પ્રવેશવાની છે જીવનમાં, તેનું કોઈ નિશ્ર્ચિત મુહૂર્ત હોતું નથી. સારું કોઈ પણ કાર્ય કરવા માટે મુહૂર્ત જોવાની જરૂર નથી હોતી. મન થાય એટલે મુહૂર્ત સર્જાય.

સમજ આવ્યા પછી જે વાત સમજવાની તે એ કે સમજશક્તિની પણ મર્યાદા હોવાની. મને બધું જ ખબર છે અને નથી ખબર તે બધું શીખી લેવાશે એવા વિશ્ર્વાસનો અતિરેક ઘાતક નીવડે. માણસનું મગજ ફૅક્ટરીમેઈડ નથી. દરેકના મગજની કૅપેસિટી કૉમ્પ્યુટરની કૅપેસિટીની જેમ એકસરખી નથી હોતી, કે નથી આવી કૅપેસિટીને જોઈતા પ્રમાણમાં અપગ્રેડ કરી શકાતી. તાલીમ, શિક્ષણ, અનુભવ અને જ્ઞાનના વ્યાપ પછી પણ દરેક વ્યક્તિ પોતાના કસ્ટમમેઈડ બ્લૉટિંગ પેપરમાં રહેલાં છિદ્રોની ક્ષમતા જેટલું જ ગ્રહણ કરે છે.

માણસ પાસે અમર્યાદ શક્તિઓ છે, એ ધારે તે કરી શકે અને આ જ શ્ર્વાસમાં કહેવું જોઈએ કે માણસની શક્તિઓની ક્યારેક મર્યાદા આવી જાય છે. એ ધારે તો પણ ક્યારેક પોતાની મરજી મુજબ કહી શકતો નથી. માણસની ક્ષમતા વિશેનાં આ બે વિરોધાભાસી અંતિમો અને બેઉ સાચાં. પ્રથમ અંતિમ વિશે ખૂબ વિચારાયું-લખાયું કે માણસ ધારે તો હવામાં ઊડી શકે, ચાંદ પર પહોંચી શકે અને ધારે તો એક ધડાકે લાખો માણસોનો સંહાર પણ કરી શકે. પણ બીજી અંતિમવાળી વાત ગળે ઉતારવી સહેલી નથી. તમે ગમે એટલી ઈચ્છા રાખતા હો છતાં તમારી સમજશક્તિની ક્યાંક ને ક્યાંક હદ આવી જતી હોય છે. જીવનમાં પોતાનામાં રહેલા અસીમ પોટેન્શ્યલ માટે ગુરુર હોવું જોઈએ અને પોતાની સમજણની મર્યાદાને સ્વીકારી લેવાની નમ્રતા પણ હોવી જોઈએ.

No comments:

Post a Comment