નારીમાં છુપાયેલી અજ્ઞાત શક્તિઓને બહાર લાવવા માટે પાશ્ર્ચાત્ત દેશોમાં ખાસ કાર્યક્રમ બનાવવામાં આવ્યા છે. સ્ત્રીમાં રહેલી પ્રચ્છન્ન શક્તિના સ્તોત્રને બહાર લાવવા કામ કરવામાં આવી રહ્યું છે. નારીમાં રહેલી અગણિત શક્તિઓ જે ત્રાહિત વ્યક્તિઓ જોઈ શકે છે, પરંતુ જે શક્તિઓથી તે અજાણ છે. તેને વાચા આપીને તેમના જીવનના ધ્યેયને મેળવે તેવો તેમનો હેતુ રહ્યો છે.
શ્રાવણ માસ શરૂ થાય એટલે ભાઈબહેનના સંબંધોની મોસમ શરૂ થાય. રક્ષાબંધન ઉજવાય તો વળી શ્રાવણમાસના એક રવિવારે વીરપસલી પણ ઉજવાય. જે ભાઈબહેનના સંબંધને મજબૂત બનાવે. બહેન ભાઈને રાખડી બાંધીને તેની રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે. તેની સામે ભાઈ બહેનને તેને શુભેચ્છા રૂપે કંઈક ભેટ આપતો હોય છે. આપણે વાત કરીશું એક પુત્રીએ પોતાના લગ્નમંડપમાં બધાની સામે પિતાને ભેટ આપી તો પિતાએ પણ સામે વચનરૂપી ભેટ આપી.
હરખભેર લલિતભાઈએ ઘરમાં પ્રવેશ કર્યો ..‘સાંભળ્યું’? અવાજ સાંભળીને લલિતભાઈના પત્ની નિર્મળાબહેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા. લલિતભાઈ ચહેરા પર એક સ્મિત સાથે બોલ્યા, આપણી આરતીનું માગુ આવ્યું છે. ખાધેપીધે સુખી ઘર છે. છોકરાનું નામ રોહિત છે. બૅંકમાં નોકરી કરે છે. આરતી સંમતિ આપે એટલે સગાઈ કરી દઈએ. આરતી લલિતભાઈની એકની એક દીકરી. ઘરમાં કાયમ આનંદનું વાતાવરણ રહેતું. હા, ક્યારેક લલિતભાઈના સિગારેટ અને પાન મસાલાના વ્યસનને લઈને નિર્મળાબહેન અને આરતી લલિતભાઈને ટોકતા. લલિતભાઈ મા-દીકરીની વાત ટાળી દેતા. આરતી સમજદાર અને સંસ્કારી દીકરી હતી. ગ્રેજ્યુએટ થયા બાદ નોકરી કરવા લાગી હતી. લલિતભાઈ દીકરીની આવકનો એક રૂપિયો પણ લેતા નહીં. તેને કહેતા તું તારી મેળે જ બચાવીને રાખ. તને ભવિષ્યમાં કામ લાગશે. બે-ત્રણ મિટિંગ બાદ આરતીએ રોહિત સાથે લગ્ન કરવાની હા કહી દીધી. થોડા દિવસમાં લગ્નનું મુહૂર્ત જોઈને લગ્નનો દિવસ નક્કી કરવામાં આવ્યો. માતાપિતાની લાડકી દીકરી હવે તેમના ઘરની થોડા દિવસની મહેમાન છે. તેમ માનીને થોડા ગંભીર બનીને રહેતા. આરતી તેમને મજાક મશ્કરી કરીને ખુશ રાખવા પ્રયત્ન કરતી. એક દિવસ રાતના ત્રણે બેઠા હતા. ત્યારે લલિતભાઈએ આરતીને અચાનક જણાવ્યું, ‘બેટા મારે તને એક વાત કહેવી છે. તારા સસરા સાથે મારી વાત થઈ ગઈ છે. તેમણે કરિયાવરમાં કાંઈપણ લેવાની ના કહી છે. રોકડા, દાગીના કે ઘરવખરી કાંઈ પણ લેવાની ના કહી છે.
તારા લગ્ન માટે મેં થોડી બચત કરી રાખી છે. બે લાખ રૂપિયાનો ચેક તને ભવિષ્યમાં કામ લાગે તે માટે તને આપું છું. આરતી હકારમાં માથું હલાવી અને પોતાના રૂમમાં ચાલી ગઈ. સમયને જતા ક્યાં વાર લાગે છે? ઘરઆંગણે જાન આવીને ઊભી રહી. સપ્તપદીના ફેરા ફરવાનો સમય થયો. ત્યાં તો કોયલ જેવી આરતીએ ટહૂકો ર્ક્યો..ઊભા રહો પંડિતજી, બધાની હાજરીમાં જ મારે પપ્પા સાથે વાત કરવી છે. પપ્પાને પાસે બોલાવ્યા. હાથ પકડીને કહેવા લાગી તમે મને લાડકોડથી મોટી કરી, ભણાવી, સારા સંસ્કાર આપ્યા. તેનું ૠુણ હું ચૂકવી શકીશ નહીં, પરંતુ રોહિત અને મારા સસરાની સહમતિથી તમે આપેલો બે લાખ રૂપિયાનો ચેક તમને હું પાછો આપું છું. મારા લગ્ન માટે તમે કરેલ ખર્ચો તમને પરત કરું છું. આ ત્રણ લાખનો બીજો ચેક જે મેં મારા પગારમાંથી કરેલી બચત છે. જે તમારી નિવૃત્તિમાં કામ લાગશે. હું નથી ઈચ્છતી કે ઘડપણમાં તમારે કોઈની પાસે હાથ લંબાવવો પડે. હું તમારો દીકરો હોત તો આટલું તો કરત જ ને! પપ્પા, હવે હું તમારી પાસે કરિયાવરમાં જે માગું તે આપશો? લલિતભાઈ ભારે અવાજમાં હા બેટી એટલું જ બોલી શક્યા. પપ્પા મને વચન આપો કે આજ પછી તમે સિગારેટને હાથ નહીં લગાવો. તમાકું, પાનમસાલાનું વ્યસન આજથી છોડી દેશો. દીકરીનો બાપ ના કેવી રીતે કહી શકે?
લગ્નમાં દીકરીની વિદાય વખતે ક્ધયા પક્ષના સગાને તો રડતા જોયા હશે. તે ઘડીએ જાનૈયાઓની આંખો પણ ભીંજાઈ ગઈ. આરતીના લક્ષ્મી સ્વરૂપને બધા નિહાળતા જ રહ્યા. લગ્નમાં આવેલ મહેમાનોના શુભેચ્છા કવર લેવાની પણ ના કહી. એક સવાલ મનમાં થાય કે ભ્રૂણહત્યા કરીને સંસ્કારી કહેવાતા ધનાઢ્ય લોકોને શું આરતી જેવી લક્ષ્મીની જરૂર નહીં હોય!
મુંબઈસ્થિત ફોર્ટિસ્ હોસ્પિટલમાં કામ કરી રહેલ ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. શ્રુતિ શાસ્ત્રી જણાવે છે કે આજની મોર્ડન યુવતીઓમાં લગ્નની વ્યાખ્યા થોડી બદલાઈ છે. આજથી પચાસ વર્ષ પહેલાં માતા-પિતાની પસંદગીને જ માન્ય રાખવામાં આવતી અને પુત્ર-પુત્રી પરણી જતાં. હવેની દીકરી બહાર ફરતી થઈ છે. સમાજમાં જે બદલાવ આવ્યો છે તેને સમજીને બરાબર જીવનમાં અપનાવતી થઈ છે. જેની સાથે લગ્નબંધનથી બંધાવાનું હોય તેનામાં કેવી ખાસિયત હોવી જોઈએ તે માટે તેનું માનવું છે કે ઘરમાં પુત્રવધૂ આવી છે તેની નોંધ બધાએ લેવી જ જોઈએ. ઘરમાં લેવાતા અગત્યના નિર્ણયોમાં તેના વિચારોનો સમાવેશ થવો જોઈએ. તેનામાં રહેલ લાગણીઓની યોગ્ય કદર થાય તેનું ધ્યાન ઘરની વડીલ વ્યક્તિઓ લે તેવું તે ઈચ્છતી હોય છે. વર્ષો જૂની રહેણીકરણીમાં બદલાવ આવી ગયો છે. નવવધૂ પહેરવેશ બદલે તો તેને સહેલાઈથી અપનાવે તો સારું લાગે. પહેલાં નોકરી કરતી સ્ત્રી ઘરનું કામ પણ કરે અને નોકરી પણ કરે. હવે સમયની સાથે કદમ મિલાવવા હોય તો પુરુષોએ પણ રસોડામાં મદદ કરાવવી જરૂરી છે. સંસારના બે ચક્ર ગણાતા પતિ-પત્ની સુલેહથી કામ કરે તો ચક્રોને ફરવામાં આસાની રહે. બદલાતા જમાનામાં સાસુ-સસરાના વિચારોમાં બદલાવ તો આવી જ ગયો છે. વહુને ફક્ત ઘરના કામકાજ કરનારી કઠપૂતલી સમજવાનું બંધ થયું છે. આજના યુગમાં આવી નિર્ભય રહીને સમાજને સંદેશ આપી શકે તેવી પેઢી આવી રહી છે. પહેલાનાં સમયમાં તો માતા-પિતા કહે તેની સામે કોઈ પણ પ્રકારનો વિરોધ કરવામાં આવતો ન હતો. ત્યારબાદ પુત્રવધૂ સાસરે જાય ત્યારબાદ પણ એક ભયના ઓળા હેઠળ જીવતી રહેતી. હાલની વહુ-દીકરી કોઈ સંકોચ રાખ્યા સિવાય સાચી લાગતી વાત જણાવી દેતી હોય છે.
તેમનું માનવું છે કે સમાજથી બચીને રહેવા માટે પહેલાં લક્ષ્મણ રેખા દોરવામાં આવતી. હવે તેના બદલે આજની નારી જ સીતા રેખા દોરશે. જેમાં પુરુષોએ પોતાની ખોટી આદતોને બદલીને સીતારેખાની આમન્યા રાખીને જીવવું પડશે મોર્ડન સાસુ-સસરા વહુને પ્રોત્સાહન આપીને તેના સ્વપ્ના સફળ કરવામાં સાથ આપતા થયા છે. તેની પ્રગતિને ખુશ થઈને આવકારે છે. તમારે પણ બદલાતા જમાનાની સફળતામાં ડૂબકી મારવી હોય તો આજની નારીના સ્વપ્ન સાકાર કરવામાં જરૂર સાથ આપજો. તો જ આજની યુવા વહુ-દીકરીઓમાં જોવા મળતી નિર્ભયતા કાયમ રહેશે.
|
No comments:
Post a Comment