SANKLAN

SANKLAN
SANKLAN

Friday, 12 September 2014

બાળકો શા માટે ખોટું બોલે છે?

વિચારમંથન - શ્રીલેખા યાજ્ઞિક

ટ્રેનમાં સહયાત્રી બનીને બેઠેલી એક સગીર બાળા ફોન પર તેની ‘મમ્મા’ સાથે વાત કરી રહી હતી. ...મમ્મા હું હજી કૉલેજમાં જ છું એક્સ્ટ્રા લૅકચર હોવાથી મને ઘરે આવતાં બે-ત્રણ કલાક લાગી જશે. બસ...ફોન મુકાઈ ગયો. બાજુમાં બેઠેલી તેની સહેલીને તે કહી રહી હતી. હવે કોઈ પ્રોબ્લેમ નથી. આરામથી આપણે ગેટ વે ઓફ ઈન્ડિયા ફરીને ઘરે જઈશું. ‘મમ્મા’ ગુસ્સો નહીં કરે. બંને એકબીજાની સામે જોઈને હસવા લાગી. મુંબઈ શહેરની વાત કરીએ તો ધોરણ ૧૦ બાદ તરત જ બાળકોને કૉલેજમાં ઍડમિશન લેવાનું હોય છે. ત્યારે નવા નવા કૉલેજમાં જતા આ સગીર બાળકોને પોતાના અલગ સ્વપ્નાં હોય છે. તેમાં કોઈ કહી દે કે ચાલને ઘરે કોઈ બહાનું બતાવી દઈશું પણ આજે તો આપણે ફરવા જવું જ છે. ધીમે ધીમે ખોટું બોલવાની આ આદત ક્યારે ઘરેડ બની જાય તેનો ખ્યાલ રહેતો જ નથી.

તેમાંથી શરૂ થાય છે ઘરમાં માતાપિતા અને સગીર બાળકો વચ્ચેની પકડાપકડી.

બાળકો વારંવાર બહાનાં બતાવીને કે ક્યારેક ખરેખર સાચું બોલતાં હોય તો પણ તે માતાને ખોટું જ લાગતા કુટુંબમાં કલહ વધતો જતો જોવા મળે છે. શા માટે બાળકો ખોટું બોલવા પ્રેરાય છે? તો વળી બીજી તરફ માતા-પિતાની વધુ રોકટોક કેવા પરિણામ લાવી શકે છે. તે વિગતે જોઈશું.

થોડા સમય પહેલાં એક ગભરાયેલા પિતા પુત્રને ડૉક્ટર પાસે લઈને આવ્યા. તેમની ફરિયાદ હતી મારા પુત્રને ચક્કર બહુ આવે છે. પહેલાં આવી કોઈ ફરિયાદ તેણે કરી જ નથી. ડૉક્ટરે તરત જ પહેલો સવાલ ર્ક્યો તમે તેની ઉપર ગુસ્સો ર્ક્યો છે? ત્યારે પિતા ગભરાતા કહેવા લાગ્યા હા, ગઈકાલે મેં તેને તેની ખોટી હરકતોને કારણે બે લાફા મારી દીધા હતા. વળી તેની ઉપર ગુસ્સો પણ ર્ક્યો હતો.

ત્યારે ડૉક્ટર સાહેબે સમજાવ્યું કે તરુણાવસ્થામાં પ્રવેશતા બાળકોની ઉપર ક્યારેય બળજબરી કરવી જોઈએ નહીં. તમે તેની સાથે જેટલી શાંતિથી વાત કરશો તેટલો ઝડપી તે તેના પ્રશ્ર્નો તમને કહેશે. તમે તેના પાલક છો. તેથી જ તો કહેવાયું છે કે સોળે સાન, વીસે વાન, પુત્ર મિત્ર સમાન.

સગીરાવસ્થામાં પ્રવેશેલ બાળકો તેમના માતા-પિતા પાસે ખોટું બોલતા હોય છે. તેના કારણ જોઈએ તો તેઓને માતા-પિતાનો ડર લાગતો હોય છે. વધુ પડતી શિસ્ત કેટલાંક ઘરોમાં જોવા મળતી હોય છે. જેમ કે રાત્રિના સાત પછી ઘરની બહાર જવાની મનાઈ. વારંવાર ફિલ્મ જોવા જવાની મનાઈ. કેટલાક કુટુંબોમાં બાળકોને બહારનું ચટપટું ખાવાનું ખાવાની મનાઈ ફરમાવવામાં આવે છે. માનવ સ્વભાવ જ એવો છે કે જે કામ કરવાની ના કહેવામાં આવે તે કરવાનું મન વધી જતું હોય છે. તો તેમાંથી બાળકો કઈ રીતે બાકાત રહે? તરુણાવસ્થામાં પ્રવેશેલાં બાળકોના શરીરમાં પણ બદલાવ થતો હોય છે. તેથી આમ પણ તેઓ મૂંઝવણ અનુભવતા હોય છે માતા-પિતા જો વધારે કડક હોય તો તેઓ ડરને કારણે અંગત વાત છુપાવતા હોય છે. બાળકોને સાચા-ખોટાની સમજણ આપો. તેમને તેમની જિંદગીના નિર્ણયો જાતે લેવાનો અધિકાર આપો. જીવનઘડતરમાં જેઓ ઠોકર ખાય છે, ઊભો થઈને આગળ પણ તે જ વધી શકે છે.

સામાન્ય રીતે ૯૬ ટકા બાળકો સગીરાવસ્થામાં ખોટું બોલતા હોય છે.

સગીરાવસ્થા જ એવી અવસ્થા છે જેમાં બાળકોને માતા-પિતાને ખોટું બોલીને થોડા હેરાન કરવા પણ પસંદ હોય છે. તેમ કરીને તેઓ તમારો તેમના પ્રત્યેનો પ્યાર કેટલો છે તે ચકાસતા હોય તેવું પણ બની શકે છે. બાળકો ઉપર કારણ વગર ગુસ્સો કરવાથી નાની વાત પણ મોટું સ્વરૂપ પકડે છે. તમારાં બાળકો તમારી શિસ્તને ત્યારે જ આવકારશે જ્યારે તેઓ તમારો કોઈપણ બિનશરતી પ્યાર મેળવશે.

મોટાં શહેરોમાં આજે યુવાવસ્થામાં પ્રવેશતાં બાળકોને ‘ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ’ રાખવાની ફેશન ચાલી રહી છે. આધુનિક યુગની કહેવાતી આ નવી બદીને માતા-પિતાએ સ્વીકારવી જ રહી. તેના ઉકેલરૂપે તેમના મિત્રોને ઘરે બોલાવો. તેમની સાથે પ્યારથી વાતચીત કરો. વારંવાર બહાર ફરવા જવાનું ટાળીને ભણતર પર ભાર વધુ મૂકવાનું નમ્રતાથી પણ મક્કમ અવાજે જણાવો. તમારા વિચારો ઉપર પણ તેઓને વિચાર કરવાનું મન થશે.

નવા યુગના બાળકો સાથે માતા-પિતાએ પણ વિચારોમાં બદલાવ લાવવો જરૂરી છે. માતા-પિતાએ બાળકો માટે સમય કાઢવો જરૂરી બની રહે છે, કારણકે તરુણાવસ્થામાં પ્રવેશેલા બાળકો માતા-પિતાનું અનુકરણ નાની નાની વાતમાં કરતા હોય છે. માતા-પિતા તેમની સાથે લાગણીથી બોલે, તેમના અંગત જીવનમાં રસ લે તેવું ઈચ્છતા હોય છે. અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામા અને મિશેલ તેમના ભરચર કાર્યક્રમોની અંદર પણ તેમની પુત્રી ‘માલિયા અને સાશા’ માટે સમય કાઢીને બાળકીઓના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જેનું દૃષ્ટાંત આધુનિક યુગના માતાપિતાએ અપનાવવા જેવું છે.

બાળકો કરતાં બીજું કાંઈ જ અગત્યનું નથી. બાળકો દુનિયાનું અને કુટુંબનું ભવિષ્ય છે. કાળજીપૂર્વકની દોરવણી તેમના માટે અગત્યની છે. આજે સ્પર્ધાના યુગમાં બાળકો પણ ભણતરનો ભાર અનુભવે છે. આ સંજોગોમાં વડીલોએ પણ બાળપણમાં અનુભવેલ આનંદને ભૂલી ના જવો જોઈએ. બાળકોને પણ ‘ટ્રાયલ અને ઍરર’નો લાભ આપવો જોઈએ. વાતને છુપાવવાની આદત પડે જ નહીં તે વધુ અગત્યનું છે. છુપાવવાની આદત ગમે તેટલી હોય પણ તે ક્યારેક તો બહાર આવી જ જાય છે. માતા-પિતા એટલા તો સ્માર્ટ હોય છે કે બાળકોની છુપાવેલી વાત તેઓ જાણી જ લેતા હોય છે. બાળકોએ પણ એટલું તો ધ્યાનમાં રાખવું જોઈએ માતા-પિતા કે ઘરના વડીલો ક્યારેય પોતાના બાળકોનું ખરાબ તો ના જ ઈચ્છે. બાળકોની વાત સાથે તેઓ સહમત ના થાય તેની પાછળ પણ કોઈ કારણ હોઈ શકે. એકસાથે બેસીને વાત કરવાથી ગમે તેવી મુશ્કેલીનો હલ નીકળી શકે છે.

No comments:

Post a Comment