SANKLAN

SANKLAN
SANKLAN

Saturday, 26 July 2014

સમય સાથે માણસે બદલાવું જ જોઈએ... આંગણની તુલસી - અવંતિકા ગુણવંત

સંતાનો પરિપક્વ ઉંમરના થાય પછી એમની જિંદગી એમની રીતે જીવવા સ્વતંત્ર છે, માબાપ એમના સંતાનોના માબાપ છે, માલિક નથી, સંતાનો એમના ગુલામ નથી. માબાપ એમની અપેક્ષા સંતાનોને જણાવે પરંતુ તેમની અપેક્ષા મુજબ જ થાય એવો આગ્રહ ન સેવાય, માબાપે પોતાના સંતાનને સમજવા પ્રયત્ન કરવો જોઈએ

કોઈપણ વ્યક્તિનું જીવન ઘર, કુટુંબ ક્યારેય સમસ્યામુક્ત નથી હોતું. સમય પસાર થાય તેમ સમસ્યા બદલાતી જાય છે પણ કોઈને કોઈ પ્રકારની સમસ્યા તો હોય જ છે.

છેલ્લા કેટલાક દાયકાઓથી આપણા સમાજમાં ઊતરતી અવસ્થાવાળા વયોવૃદ્ધ માતાપિતા અને તેમના યુવાન સંતાનો વચ્ચે મતભેદ પડતા જ જાય છે અને એના કારણે યુવાન સંતાનો પોતાના માબાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે અથવા તો પોતે માબાપનું ઘર છોડી પોતાનું સ્વતંત્ર ઘર વસાવે છે.

માબાપને તેમના સંતાનોએ તેમના તરફ દાખવેલી ઉપેક્ષા સહન નથી થતી અને તેઓ આક્રોશ વ્યક્ત કરે છે. ત્યારે ધીર- ગંભીર, સમજદાર વિચારશીલ

વડીલો માબાપને કહે છે તમે ધીરજ રાખો અને વાતચીતથી તમારા પ્રશ્ર્નોનો ઉકેલ લાવો. ઉદારતા દાખવો અને નાની નાની વાતોને બહુ પ્રાધાન્ય ન આપો. અને

તમારું કહેવું તમારા સંતાનો સાંભળે અને તમારા કહ્યા મુજબ જ વર્તે તેવો આગ્રહ ન રાખો.

સંતાનો પરિપક્વ ઉંમરના થાય પછી એમની જિંદગી એમની રીતે જીવવા સ્વતંત્ર છે, માબાપ એમના સંતાનોના માબાપ છે, માલિક નથી, સંતાનો એમના ગુલામ નથી. માબાપ એમની અપેક્ષા સંતાનોને જણાવે પરંતુ તેમની અપેક્ષા મુજબ જ થાય એવો આગ્રહ ન સેવાય, માબાપે પોતાના સંતાનને સમજવા પ્રયત્ન કરવો જોઈએ અને સંતાનોએ પણ નિખાલસતા અને પ્રમાણિકતાથી પોતાના મનની વાત, ઈચ્છા,

આકાંક્ષા માબાપને જણાવવા જોઈએ તો કલેશ-કંકાસ ઓછા થશે.

છેલ્લા કેટલાક વરસોથી ભૌતિકવાદના પ્રચંડ ઝંઝાવાત ફૂંકાય છે, નાના-મોટા, શિક્ષિત અશિક્ષિત સૌ એની ઝપટમાં આવી ગયા છે. આપણે આપણી પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિને ભૂલી ગયા છીએ. આધુનિક ગણાવાની સ્પર્ધામાં આપણા પરંપરાગત સંસ્કાર ભૂલી ગયા છીએ. આપણા જીવનનો હેતુ જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના ભૂલી ગયા છીએ અને ભૌતિક સંપત્તિ મેળવવાનો મોહ રાખીએ છીએ.

પેલા વિનુભાઈને ચાર દીકરાઓ છે. વિનુભાઈ અને એમના પત્ની નર્મદાબેન પોળના નાનકડા ઘરમાં રહેતાં હતાં, ત્યારથી એમને બંગલો બંધાવવાની હોંશ હતી. ખૂબ કરકસરથી તેઓ જીવ્યાં. પાઈ, પૈસો બચાવીને તેમણે રૂપિયા બચાવ્યા અને પ્લોટ લીધો. બંગલાનો નકશો દોરવા આપ્યો એ આર્કીટેકને કહ્યું, બંગલાનો નકશો એવો દોરજો કે ચારે દીકરાઓ ભેગાં જ રહે. હા, દરેક દીકરાને સ્વતંત્ર રૂમ હોય પણ રસોડું, ડાઈનિંગરૂમ અને લિવિંગરૂમ તથા દિવાનખાનું એક જ બનાવજો.

"અત્યારે તો દીકરાઓ કુંવારા છે, પણ પરણશે પછી અલગ રહેવા ઈચ્છશે,
આર્કિટેકટે કહ્યું.

વિનુભાઈ રોષથી બોલ્યા, "મારા દીકરાઓ સંપથી એક થઈને રહેશે.

"પણ તમારી પુત્રવધૂઓ ભેગાં રહેવાનું પસંદ નહિ કરે તો?’

"જખ મારીને ભેગી રહેશે. બંગલાના ભાગ પડી શકે તેવું બાંધકામ કરવાનું જ નહિ અને દીકરાઓ બંગલાનો મોહ છોડી શકશે નહિ.

આર્કિટેકટે વિનુભાઈની જીદને માન આપ્યું ને એમના કહ્યા પ્રમાણે બંગલાનો નકશો તૈયાર કર્યો.

વિનુભાઈના મિત્રોએ કહ્યું, "બદલાતા સમયને ઓળખો. તમે દીકરાઓ ભેગાં રહે એવો આગ્રહ છોડી દો, નહિં તો બંગલામાં શાંતિને બદલે રોજ ઝઘડા, કંકાસ થશે.

વિનુભાઈ બોલ્યા, "મેં દીકરાઓને જુદા થવાના નહિ પણ પ્રેમથી ભેગાં રહેવાનાં સંસ્કાર આપ્યા છે.

મારા આપેલા સંસ્કાર એમના લોહીમાં છે. હુંય સંયુક્ત કુટુંબમાં રહ્યો છું, તેથી જ બચત કરીને મારો આલીશાન બંગલો બાંધું છું, દીકરાઓ ભેગા રહેશે તો ખર્ચો ઓછો થશે અને એમની મિલકત ઊભી થશે.’ વિનુભાઈ જુનવાણી વિચારો છોડી શક્યા નહિ. એમના પત્ની નર્મદાબેન તો પતિ કહે એ સાચું એવું માનનારાં હતાં. પતિ-પત્નીએ બદલાતા સમયને ઓળખ્યો નહિ.

એમણે ખૂબ હોંશથી એમના ચારે દીકરાઓને પરણાવ્યા. ચારે પુત્રવધૂઓ ભણેલી હતી પણ સ્વતંત્ર સંસાર રચવાની હિમાયતી હતી. તેઓના સ્વતંત્ર વિચાર હતા. સંયુક્ત કુટુંબપ્રથામાં તેઓ માનતી ન હતી. તેથી તેમની વચ્ચે હુંસાતુંસી, ઝઘડા થવા માંડ્યા. વહુઓ વચ્ચેના ઝઘડાથી નર્મદાબેન કંટાળ્યા. તેમણે વિનુભાઈને કહ્યું, "દીકરાઓને અલગ રહેવાની સગવડ કરી આપો.

"બંગલો મોટો છે, પણ એના ભાગ પડી શકે એમ નથી.

"તમને આર્કિટેકટ અને મિત્રો કહેતા હતાં પણ તમે કોઈનું સાંભળ્યું જ નહિ, દીકરાઓ કરતાં તમે મોટા છો પણ તમારામાં સમજદારી નથી, હું તો તમારા આ બંગલામાં નહિ રહી શકું.

નર્મદાબેન તો પોતાની હૈયાવરાળ કાઢીને હળવા થાય પણ વિનુભાઈ કોને કહે. એક રાત્રે ઊંઘમાં જ તેમના પ્રાણ નીકળી ગયા. સવારે તેઓ ઊઠ્યા જ નહિ.

No comments:

Post a Comment