મનુષ્યના સત્કર્મો જ મુક્તિનો માર્ગ બને
સંસારનો સનાતન સત્ય નિયમ છે કે આ જગતમાં જે જીવ જન્મ લે છે તે મૃત્યુ પામે છે. આ નિયમ મનુષ્ય, પશુપક્ષીઓ તથા તમામ જીવજંતુઓને પણ લાગુ પડે છે, પરંતુ આજે આપણે મનુષ્ય જન્મની વાતો કરવાની છે. દરેક મનુષ્ય આ સંસારમાં ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જ પાછો ચાલ્યો જાય છે. લાખ કોશિશો કરીને એણે જે કાંઇ ધન, સંપત્તિ કે માલ મિલકત ભેગી કરી છે, તે અહીંથી છોડીને ખાલી હાથ જ પાછો જાય છે. કોઇપણ વ્યક્તિ ઇચ્છવા છતાંય પોતાની સાથે કશું જ લઇ જઇ શકતો નથી, ફક્ત એની સાથે સારાં કે ખરાબ કર્મો જ જાય છે. મનુષ્ય અવતાર આપણને સત્કાર્યો કરવા માટે તેમજ પ્રભુનું સ્મરણ કરવા માટે મળેલો છે, છતાં પણ આપણે પામર મનુષ્યો આપણા જન્મદાતા એવા પ્રભુને ભજવા માટે પાંચ મિનિટ પણ ફાળવી શકતાં નથી કે પ્રભુનું સ્મરણ કરતાં નથી. આપણી પાસે સમય હોય, નાણાકીય સ્થિતિ સારી હોય તો પણ આપણે કોઇ સત્કાર્ય કરતાં નથી કે પ્રભુુનું ભજન કરતાં નથી, પરંતુ આપણે તો દરરોજ દાદાગીરી, બળજબરી, ચોરીચપાટી, અનીતિ, બેઇમાની, જૂઠ વિગેરેમાં દિવસો પસાર કરીએ છીએ. આ બધાં બદકામ અને નઠારાં કૃત્યો છે.
ખાલી હાથ આયા જગમેં,
જાના ખાલી હાથ હૈ,
દો દિનકી જિંદગી હૈ,
દો દિન કા મેલા હૈ
જાના ખાલી હાથ હૈ,
દો દિનકી જિંદગી હૈ,
દો દિન કા મેલા હૈ
આ બધાં કૃત્યો કરવાથી સમાજ તો આપણને વિકારી મનુષ્ય ગણી તિરસ્કાર કરી દે છે, પરંતુ ભગવાન પણ આપણને નરકનાં દ્વાર દેખાડી દે છે. દરેક મનુષ્યે પોતાના વ્યસ્ત સમય પત્રકમાંથી પ્રભુની ભક્તિ કરવા માટે થોડો સમય ફાળવવો જોઇએ, પરોપકારના થોડા કાર્યો કરવા જોઇએ.
નીતિ અને નેકીની રાહ પર ચાલવું જોઇએ, કોઇ મુસીબતમાં ફસાયું હોય તો એને મદદ કરવી જોઇએ, પોતાની આવકમાંથી થોડું દાન કરવું જોઇએ, કોઇ ભૂખ્યાને ભોજન કરાવવું જોઇએ, અતિથિનો આદર સત્કાર તથા વડીલોને માન સન્માન આપવું જોઇએ, કોઇ વૃદ્ધ માણસનો સહારો બનવંુ જોઇએ. દરેક મનુષ્યે પ્રભુ ભક્તિમાં તથા સાદગીમાં પોતાનું જીવન વિતાવવું જોઇએ. કોઇને મદદ ના કરી શકીએ તો કાંઇ નહીં, પરંતુ કોઇનું બૂરું થાય એવું કદી ના કરવું જોઇએ.
ભલા કિસી કા કર ના સકો
તો બુરા કિસી કા મત કરના,
ફૂલ અગર તુમ બન ના સકો
તો કાંટે બનકર મત રહના.
કોઇને રોટલો ન આપી શકીએ તો વાંધો નહીં, પણ કોઇનો રોટલો છીનવી લેવાનું પાપ ન કરવું જોઇએ. આ ભવાટવીમાં ભટકવું ન પડે તેથી દરેક મનુષ્યે સત્કર્મો કરવા જોઇએ અને આ સત્કર્મો જ મનુષ્યની મુક્તિનો માર્ગ બતાવે છે.
-યોેગેશ જોશી
No comments:
Post a Comment