SANKLAN

SANKLAN
SANKLAN

Thursday, 21 August 2014


'તિનકા તિનકા તિહાડ’

 
'તિનકા તિનકા તિહાડ’
 
 
 બીજી બાજુએ એક દુનિયા વસે છે, સપનાં શ્વસે છે.
 
રમા ચૌહાણ-હિ‌ન્દી, અંગ્રેજી, બંગાળી, પંજાબી, હરિયાણવી અને રાજસ્થાની ભાષા બોલી શકે છે. ત્રણ બહેનોમાં સૌથી નાની રમાને એક સાંજે કોઇએ છેડી. એ પોતાને રોકી શકી નહીં. એક ભયાનક ઘટના એને તિહાડ જેલમાં લઇ આવી. શરૂઆતમાં એની મા મળવા આવતી હતી. હવે મળવા આવતી નથી... દીકરી કઇ સ્થિતિમાં મોટી થઇ રહી છે તેની રમાને ખબર નથી. સીમા રઘુવંશી-બે બહેનો અને બે ભાઇમાં સૌથી મોટી સીમા બી.એ. પાસ છે. થોડા વખત પહેલાં પ્રમોદને મળી. બંનેએ મંદિરમાં લગ્ન કરી લીધાં, પણ રજિસ્ટર કર્યાં નહીં. એ પહેલાં એક ઘટનાથી બધું બદલાઇ ગયું. હવે સીમા જેલ નં. ૬માં અને એનો સાથી (પતિ નહીં) જેલ નં. ૮માં છે. અદાલતમાં ક્યારેક પ્રમોદને જોવાનો મોકો મળે છે. બંને એકબીજાને મળી શકતાં નથી. પહેલાં વિરોધ કરી રહેલા પરિવારે આ સંબંધ સ્વીકારી લીધો છે... હવે સ્વીકાર્યો છે

રિયા શર્મા-ગોરી, સુંદર, બે બહેન અને ભાઇમાં સૌથી નાની. સાઇકોલોજી અને ઇકોનોમિકમાં બી.એ. કરીને પ્રેમલગ્ન કર્યાં. રિયા અને એનો પતિ જેલમાં છે. રિયા જેલ નં. ૬માં અને એનો પતિ જેલ નં. ૩માં. દર શનિવારે પતિ-પત્ની મળી શકે છે. આ બધા સંજોગો પછી પણ પતિ-પત્નીનો પ્રેમ કાયમ છે, એ કદાચ સૌથી અગત્યની વાત છે. સમય, સંજોગો અને જિંદગીની થપ્પડો ખાઇને જેલ નં ૬, તિહાડમાં જીવે છે કેટલીક સ્ત્રીઓ. એમણે લખેલી કવિતાઓનું ચયન કરીને એનું એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. 'તિનકા તિનકા તિહાડ.’ સામાન્ય રીતે તિનકા-તિનકા જોડીને માળો, નશેમન અથવા આશિયાં બનાવવામાં આવે છે. આ એવી સ્ત્રીઓ છે, જેમની પાસે રહેવાની કોઇ જગ્યા જ નથી... જેલ જ એમનું ઘર છે. જીવનમાં બનેલી એક ઘટનાએ એમની દુનિયા પલટી નાખી છે.

સ્ત્રીસંવેદના અને લાગણીઓ અકબંધ છે. પ્રેમ - સંસાર, સંતાનો છે, પણ એ ચાર દીવાલની બહાર છે. સપનાં છે, પણ જોવાની છૂટ નથી. આ કવિતાઓ માનવહૃદય સાથે જોડાયેલી આળી-દુઝતા ઘાની કવિતાઓ છે, પરંતુ એમાંથી નીકળતો સૂર પોઝિટિવ છે. હજી ક્યાંક હકારાત્મકતા-સારાપણું-સદ્ભાવના જીવે છે આ હૃદયોમાં. આપણી સિસ્ટમ માણસમાં રહેલા સારા અને શુભ ભાવને કચડવાનું કામ કરે છે, એવું આપણે શીખતાં જઇએ છીએ. 'તિનકા તિનકા તિહાડ’ આનાથી જુદી વાત કરે છે. દરેક જેલમાં મહિ‌લા સેક્શન અલગ હોય છે. ક્યારેક વિચાર આવે કે જે સ્ત્રીને આપણે દેવી ગણીને પૂજીએ છીએ એ કઇ સ્થિતિમાં ગુનેગાર બનતી હશે એવું શું થતું હશે એની સાથે, જે એને મજબૂર કરી દેતું હશે લોહીની નદીમાં ડૂબવા, છળ કે ગુનો કરવા. કેટલીયે મહિ‌લા કેદીઓ જાતને બચાવવાના પ્રયાસમાં ખૂન કરી બેઠી છે.

કેટલીયે સ્ત્રીઓ કલમ ૪૯૮ની ફરિયાદમાં કાચી જેલમાં છે. કેટલીક પ્રેમભગ્ન થઇને ખૂન કરી બેઠી છે, તો કેટલીક પરિવારને બચાવવા ફ્રોડ કે ચોરી કરીને જેલમાં છે. બધી જ સ્ત્રીઓ નિર્દોષ છે એવું કહેવાનો આશય નથી, પરંતુ ઝીણવટથી તપાસતાં સમજાય કે ગુનાખોરી સ્ત્રીની પ્રકૃતિ નથી. લોહી વહાવવું એનો શોખ નથી. એની અંદર રહેલી મા, બહેન, દીકરી, પત્ની, પ્રેમિકા પણ આ દીવાલોની પાછળ હીબકાં ભરે છે. ક્ષણિક આવેશમાં થઇ ગયેલો અપરાધ એમનાં સંતાનોને પણ કેટલાક સંજોગોમાં આ દીવાલની પાછળ બંધ કરી દે છે. જે આ દેશનું ભવિષ્ય છે એમનો જન્મ જેલમાં થાય કે બાળપણ જેલની દીવાલોની પાછળ ઊછરે એ ક્યાંનો ન્યાય એવો સવાલ કોઇ સંવેદનશીલ માણસને થઇ આવે.આ કવિતાઓનાં સંપાદક વર્તિ‌કા નંદા, જેઓ લેડી શ્રીરામ કોલેજમાં પત્રકારત્વ ભણાવે છે.

એમણે પ્રસ્તાવનામાં લખ્યું છે. 'જેલ નં. ૬, તિહાડ, દિલ્હી, પિનકોડ ૧૧૦૦૬૪. આ એડ્રેસ પર કોઇ પત્ર લખવા નથી ઇચ્છતું. આ ગેટની બહાર સાંસારિક સુખો અટકીને ઊભાં રહી જાય છે. બહાર સડક પરથી પસાર થતા લોકોને ભાન પણ નથી હોતું કે અંદર એક બીજી દુનિયા શ્વાસ લઇ રહી છે. અહીંથી આસમાન અલગ દેખાય છે અને તારાઓ પણ જુદા બનીને ચમકે છે. અહીં સળિયાઓની પાર નાનકડી બારીમાંથી ડોકું કાઢે છે - સપનાં. બંધ ચાર દીવાલોમાં આવતી કાલના રૂ જેવાં હળવાં પૂમડાં અહીંથી ત્યાં ઊડીને જબરદસ્તી અંદર ધસી આવે છે. અહીં સમયની ગતિ સાવ મંથર છે-અટકી ગયેલી, બોઝિલ. ઘડિયાળના કાંટા પણ જાણે કોઇની રજા લઇને આગળ વધે છે. દરેક દિવસ ગઇ કાલ જેવો અને આવનારા દિવસની પાકી ખબર નથી હોતી. ભયાનક જંજીરોની વચ્ચે અહીં આશાઓના સૂરજને અટકાવી રાખવામાં મદદ કરે છે-એકમાત્ર કવિતા.’ એમનાં સહસંપાદક વિમલા મહેરા આઇપીએસ છે. તિહાડ જેલના મહાનિદેશક તરીકે કામ કરતાં એમને આ કવિતાઓ હાથ લાગી.

એક પક્ષીને કેદ કરી લો પીંજરામાં
ન ઊડવા દો, ન વિકસવા દો, કરવા ન દો કોઇ ખેલ
પછી માણસ તરીકે તમે જગમાં થઇ જાવ છો ફેઇલ.
તમારી મનોભાવનાઓના પીંજરાને ખોલો
ને સતરંગી સપનાંના મેળામાં એના ભાવ બોલો.
ભાવ પણ એવો કે તોલ મોલ કે બોલ... (- રમા ચૌહાણ)
ખામોશ છે જિંદગી આ સળિયાઓની પાછળ
દિલના વગડામાંથી સંભળાય છે આછી બોલાશ
કેદ થઇ ગઇ છે જિંદગી આ ચાર દીવાલોમાં
આ શ્વાસને પણ જોઇએ છે ખુલ્લી હવા.
અટકી ગયા છે જે શ્વાસ તારા પડખામાં. (- સીમા રઘુવંશી)
કઇ રીતે સાબિત કરું
હું પાપી નથી મેં વારંવાર કહ્યું, મેં પાપ નથી કર્યું
થયું નથી - માર્યા નથી કોઇને - સતાવ્યા પણ નથી...
મન પર છવાયેલો ભય, પણ મેં માર્યા નથી, કોઇને સતાવ્યા પણ નથી
રોકવાનું વિચાર્યું નથી, કાયદો મને અપરાધી નથી કહેતો,
પણ કહો, હું કોને કહું? કે હું પાપી નથી. (- આરતી)
હું માને જ્યારે યાદ કરું છું તો આંખો સજળ થઇ જાય છે
કોણ જાણે એ સમય ક્યાં ગયો? જ્યારે મા હાલરડું ગાતી
એના હાથે ચૂરી બનાવીને ખવડાવતી...
જ્યારે માનું વહાલ યાદ આવે છે ત્યારે રાત લાંબી થઇ જાય છે
માનો ચહેરો સૌથી વહાલો જ્યારે માગું, મા માગું, કારણ કે મા છે આ દુનિયાની દોલત સૌથી વહાલી ( -રિયા શર્મા)
 
kaajalozavaidya@gmail.com

No comments:

Post a Comment