SANKLAN

SANKLAN
SANKLAN

Wednesday, 10 September 2014

અમૂલ્ય આંખોનું જતન કરીએ


હેલ્થ : અંબાલાલ પટેલ
કુદરતે આપણા શરીરમાં આંખો આપીને ખૂબ જ અમૂલ્ય ભેટ આપી છે. શરીરના બીજા અંગો કરતાં આંખો ખૂબ જ જરૂરી છે. 'આંખો છે તો દુનિયા છે.' આંખ વિના આપણું જીવવું નકામું છે. આંખ વિના આખી જિંદગીમાં અંધકાર છવાઈ જાય છે. માટે ખુદાએ આપેલ આ અમૂલ્ય ભેટ આપણે ખૂબ સાચવવી જોઈએ અને તેના તરફ બેદરકાર રહેવાના બદલે તેની બરાબર સાર-સંભાળ રાખવી જોઈએ.
જો આપણા ખોરાકમાં પૌષ્ટિક તત્ત્વોની કમી અને વિટામિન 'એ'ની કમી હોય તો આંખોમાં અંધાપો આવી શકે છે. માટે આંખો સારી રાખવા માટે વિટામિન 'એ'થી ભરપૂર પૌષ્ટિક ભોજન નિયમિત લેવું જોઈએ.
ઘણી વખત યોગ્ય ખોરાક ન લેવાતા કબજિયાત પણ આંખોને નુકસાન કરે છે માટે કબજિયાત ન રહે તેવો સરળતાથી પચે તેવો ખોરાક લેવો જોઈએ.
વિટામિન 'એ'થી ભરપૂર દૂધ, લીલાં શાકભાજી, ઘી, પનીર અને ફળો ખૂબ જ પ્રમાણમાં લેવા જોઈએ.
વિટામિન 'એ'ની કમીને લીધે આંખોને બીજી પણ અનેક તકલીફો થઈ શકે છે. વિટામિન 'એ' આંખોને તંદુરસ્ત રાખવાની સાથે સાથે આંખોની ચામડીને પણ કોમળ બનાવે છે. અને આંસુ બનાવનારી ગ્રંથિઓને પણ બરાબર કામ કરતી બનાવે છે. લીલાં શાકભાજીમાં પાલક, ચોળાફળી અને ગાજર ભરપૂર પ્રમાણમાં ખાવા જોઈએ.
આંખોની તંદુરસ્તી માટે ઊંઘ પણ ખૂબ જ જરૂરી છે. જો ઊંઘ પૂરતા પ્રમાણમાં લેવામાં ન આવે તો પણ આંખની અનેક બીમારીઓ થઈ શકે છે. દરેક વ્યક્તિએ રાત દરમિયાન છથી આઠ કલાકની શાંતિથી એકધારી ઊંઘ લેવી જોઈએ. તમારો સૂવાનો ઓરડો, હવાબારી અને વેન્ટીલેશનવાળો હોવો જોઈએ. દિવસ દરમિયાન દસથી બાર મિનિટ આંખો બંધ રાખીને આરામથી પડયા રહેવું જોઈએ. બની શકે તો આરામ કરતી વખતે બંધ આંખો પર ગુલાબજળમાં રૂને પલાળીને પોતાં આંખ પર મૂકવા જોઈએ.
આંખો માટે અનેક જાતની કસરતો પણ આપેલી છે. જે આંખોને ફાયદો પહોંચાડે છે. જો તમે ભરતગૂંથણ કરતાં હોવ, ત્યારે વચ્ચે વચ્ચે અડધી મિનિટ માટે કામ બંધ કરી, તમારી આંખો ઉપર હથેળી ઢાંકી દો. તમને કાળો કાળો અંધકાર દેખાય ત્યાં સુધી હાથ રાખી મૂકો. પછી આંખો ખોલી નાખો. આમ કરવાથી આંખોનો થાક દૂર થઈ જશે. કોઈ કોઈ વાર બંને આંખોની પાંપણો એકસાથે દસથી બાર વખત ઝબકાવો. પછી થોડીવાર આંખો બંધ રાખો. આમ પંદર વખત કરો. આંખોની કસરત માટે આંખની કીકીઓને પહેલાં જમણી બાજુ, પછી ડાબી બાજુ અને ઉપર તેમ જ નીચે વારાફરતી ફેરવો. તેનાથી આંખોની માંસપેશીઓ મજબૂત બનશે અને આંખોની નીચે કાળા ડાઘા કે કરચલીઓ નહીં પડે. આમ દરરોજ નિયમિત કરવાથી આંખો નિરોગી રહેશે.
આંખોની સજાવટ માટે ઘણી વસ્તુઓ બજારમાં મળે છે, પણ એ બધી વસ્તુઓ ખાસ કરીને કાજળ પણ આંખમાં લગાવતી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. જેથી કરીને આંખોને સહેજ પણ નાનીસરખી ઇજા ન થાય.
આંખમાં આંજવા માટે બજારમાં મળતાં સસ્તા સુરમા વગેરે લાવવા ન જોઈએ. તે આંખોને ફાયદાના બદલે નુકસાન પહોંચાડે છે. જો તમારાથી બની શકે તો અઠવાડિયામાં એક વખત આંખોમાં ચોખ્ખું મધ આંજો. તેનાથી આંખોને ખૂબ જ રાહત પહોંચશે. આંખોને ક્યારેય પણ ગંદા પાણીથી કે ગમે તેવા પ્રવાહી નાખેલા પાણીથી સાફ ન કરવી જોઈએ અને આંખો લૂછવા માટે બીજા કોઈનો ટુવાલ વાપરવો ન જોઈએ. કેમ કે તેનાથી ઇન્ફેક્શન થવાનો સંભવ રહે છે.
આંખ નીચે પડેલા કાળા કુંડાળાને દૂર કરવા માટે બાફેલા બટાટાના માવાને રેશમી કપડાંમાં બાંધીને આંખો ઉપર રાખવાથી ફાયદો થાય છે તેમ જ મોસંબીના રસમાં રૂને પલાળી તેના પોતાં મૂકવાથી પણ કાળા ડાઘા દૂર થાય છે.
આંખો માટે ખૂબ જ જરૂરી વિટામિન 'એ' માછલીનું તેલ, લીલાં શાકભાજી, ઇંડાની જરદી, દૂધ-મલાઈ અને ફળોમાં પુષ્કળ પ્રમાણમાં હોય છે. માટે આ બધી વસ્તુઓ ખોરાકમાં નિયમિત લેવી જોઈએ. ટી.વી. અને થિયેટરોમાં પિક્ચર જુઓ ત્યારે થોડી થોડી વારે તમારી આંખો ઝબકાવો. ઓછા પ્રકાશમાં વાંચવાનું કે સિલાઈકામ ન કરો. પણ ટ્રેન કે બસમાં વાંચન ન કરો. આંખોને નુકસાન કરે તેવા જલદ પ્રવાહીથી હંમેશાં આંખો દૂર રાખો. વાહન ચલાવતી વખતે આંખ પર ગોગલ્સ જરૂર પહેરો. રાંધતી વખતે રસોડામાં ધૂમાડો ન થાય એનું પૂરતું ધ્યાન રાખો અને આંખોને ધૂમાડાથી જરૂર બચાવો.

No comments:

Post a Comment