SANKLAN

SANKLAN
SANKLAN

Monday, 8 September 2014


 
પ્રગતિ અને ઉત્કર્ષમાં કેટલીક બાબત અડચણરૂપ હોય છે. દરેકને પ્રગતિ કરવી છે - આગળ જવું છે અને ઊંચાઈ સર કરવી છે, પરંતુ મનની કલ્પના અને વાસ્તવિકતા વચ્ચે અંતર છે. કેટલાય એવા કાયદા છે કે જેને બહુ વર્ષો અગાઉ રદબાતલ કરવાની જરૂર હતી, પરંતુ કોઈ કારણથી તેમ થયું નથી.

હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે એકસો જેટલા કાયદા રદ કરવામાં આવનાર છે, પરંતુ આટલાથી સંતોષ માનવા જેવો નથી. બધા મળીને ૧૦ હજાર જેટલા કાયદા છે તેમાંથી ૫૦ ટકા કાયદાની કોઈ જરૂર નથી. ભ્રષ્ટાચારના મૂળમાં જ કાયદા અને નિયમો છે. શું ૨૦૦ વર્ષ પહેલા આટલા કાયદા હતા? શું તે વખતે બધા જંગલી આ દેશમાં હતા?

કાયદા - કાનૂનથી સમાજ સુસંસ્કૃત બને છે તેવી પશ્ર્ચિમી વિચારધારા છે. ભારતીય વિચારધારા કહે છે કે કોઈ નિયમ - કાનૂનની જરૂર નથી - જરૂર છે માત્ર સ્વયંશિસ્તની. આવું કેમ નથી? કાયદાના વિસ્તાર બાદ ભ્રષ્ટાચાર વધ્યો છે. એક અદાલતની ઉપર બીજી અદાલત છે અને બન્ને પરસ્પર વિરોધી નિર્ણય આપે છે. તેવે વખતે તેને "બુદ્ધિનો વિસ્તાર થયો છે તેમ કહેવાય છે.

આ દેશની પ્રજાને સમજણ આપવાની જરૂર છે, માત્ર એક જ વખત જણાવી દેવાની જરૂર છે કે કાર્યપદ્ધતિ આ પ્રકારની છે તેને બદલે કાયદા બનાવવામાં આવે છે જે પૈકી અસંખ્ય બાબતોની ખુદ ન્યાય તોળનારાઓને પણ જાણકારી હોતી નથી. સુપ્રીમ કોર્ટની મુદતો આપવા માટેની જે માર્ગદર્શિકા છે તેને નીચલી અદાલતો ઘોળીને પી જાય છે.

ભ્રષ્ટાચાર નાબૂદ કરવો હોય તો સરકારી વિભાગોની પ્રક્રિયાને સરળ બનાવવી જોઈએ. દરેક ઓફિસની બહાર કાર્ય માટેના માપદંડ નક્કી થવા જોઈએ કે આટલા સમયમાં નીચેના કાર્ય પૂરા થાય છે. મતલબ કે સાત દિવસ અથવા તો કામકાજના ૧૦ દિવસ - ૧૫ દિવસ વગેરે. જો તેટલા સમયમાં ન થાય તો કોને મળવું અને ક્યાં ફરિયાદ કરવી તેની સૂચના લેખિતમાં હોવી જોઈએ.

સરકારી કર્મચારીઓ તેમ જ બાબુઓએ એ વાત સમજી લેવી રહી કે તેમને જે તગડો પગાર મળે છે તે કાર્ય પેટે છે. મતલબ કે પ્રજાના કાર્ય કરવા માટે છે અને તેના માટે જ તેમને નોકરીમાં લેવાયા છે. જો તેઓ કરી શકે તેમ ન હોય તો પછી અન્યને માટે જગ્યા ખાલી કરે. હવે અગાઉ ચાલ્યું હતું તેમાંનું કશું જ ચાલવાનું નથી.

સુધરાઈ - પોસ્ટલ - રેલવે કે અન્ય વિભાગોમાં પ્રત્યેક કર્મચારીને અઢળક કહી શકાય તેટલો પગાર મળે છે. નોકરીના વર્ષ અને હોદ્દાને આધારે પગાર છે. બૅન્ક અને ઈન્સ્યોરન્સ કંપનીઓના પગાર પણ ખૂબ ઊંચા છે. આવે વખતે જો ગ્રાહકોને સર્વિસ ન મળે તો પછી કોઈ અર્થ જ રહેતો નથી.

કાયદા - નિયમો અને અકાર્યક્ષમતા આ ત્રણેયનો સરવાળો એટલે જ ભ્રષ્ટાચાર છે. આટલો વ્યાપક ભ્રષ્ટાચાર વિશ્ર્વના કોઈ જ લોકશાહી રાષ્ટ્રમાં નથી. વિલંબ એ ભ્રષ્ટાચારના મૂળમાં છે એટલે જ સરકારી વિભાગોમાં કાર્ય નિકાલના ચોક્કસ ધોરણ સ્થાપિત કરવાથી જ ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લાવી શકાય તેમ છે.

પ્રજાની માનસિકતા પણ કેટલીક વખત ભ્રષ્ટાચારને બહેકાવે છે જેમ કે અછત માનસને કારણે વધુ સંગ્રહ કરવાની મનોવૃત્તિ વિકસે છે, પરંતુ અછતની જગ્યાએ છત હોય તો? આ પરિસ્થિતિ માત્ર પ્રજાની દૃઢતા વડે જ સ્થાપિત કરી શકાય તેમ છે. જ્યાં પ્રજામાં સમાજ અને તેના સમૂહ પ્રતિ અભિમાન હોય ત્યાં કદી પ્રશ્ર્નો ઊભા થતાં નથી.

વચ્ચેના સમયગાળામાં જે રાજકીય નેતૃત્વ હતું તેમની માનસિકતા એવી હતી કે જેટલા કાયદા થશે તેનાથી ક્રમશ: સુધારો થશે, પરંતુ આ માન્યતા સમૂળગી ખોટી હતી. જેટલા કાયદા વધવા લાગ્યા - તેટલા જ પ્રમાણમાં અડચણ અને વિઘ્ન વધવા લાગ્યા. વળી પ્રજામાં સ્વદેશાભિમાન ઓછું હોવાથી ભ્રષ્ટાચાર વધવા લાગ્યો હતો.

દરેક બાબતની કોઈ મર્યાદા હોય છે. કાયદાની મર્યાદા એ છે કે ન્યાયતંત્ર અકાર્યક્ષમ છે. આ વાત પુરવાર કરવા કોઈ જ પ્રમાણની જરૂર નથી. એકવાર પ્રજા શું બોલે છે અને વિચારે છે તે જાણવામાં આવે તો ખ્યાલમાં આવે છે કે અદાલતે જાય તેના ધરબાર જાય તે વાક્ય સામાન્ય પ્રજાના મનમાં કોતરાઈ ગયું છે.

કાયદા કર્યા પછી પ્રજાને તો કોઈ જાણકારી - શિક્ષણ કે માહિતી આપવામાં આવતી નથી. તમામ કાયદા અંગ્રેજીમાં હોય છે. પ્રાદેશિક ભાષામાં તેના અધિકૃત અનુવાદ પણ થતાં નથી. સ્થાનિક ન્યાયતંત્ર તેની બુદ્ધિ અને સમજ અનુસાર અર્થઘટન કરે છે તેને ઉપલી કોર્ટમાં પડકારવામાં આવે છે ત્યાંથી હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી બાબતો જાય છે.

રદ્દી અને સડી ગયેલા કાયદાઓ જ આપત્તિ લાવે છે. ગરીબી અને બેરોજગારીના મૂળમાં પણ આવા જ કાયદા છે. આટલી વાત હવે જ્યારે સમજાણી છે અને લોઢું ગરમ છે તેવે વખતે જ તેને ટીપીને યોગ્ય આકાર આપવાની ખાસ જરૂર છે.

No comments:

Post a Comment