SANKLAN

SANKLAN
SANKLAN

Monday, 8 September 2014

શા માટે? – ‘ગની’ દહીંવાળા

જે શોધમાં ગુમ થઈ જાવું હો, એ શોધનો આરો શા માટે?
નૌકાને વળી લંગર કેવું? સાગરને કિનારો શા માટે?

સેકાઈ ચૂકયું છે કૈંક સમે સૌંદર્યથી ઉષ્માથી જીવન,
આંખોને ફરી આકર્ષે છે રંગીન બહારો શા માટે?

મનદમસ્ત યુવાનીની શિક્ષા ઘડપણને મળે એ ન્યાય નથી,
તોફાન થયું છે ભરદરિયે, સપડાય કિનારો શા માટે?

પ્રત્યક્ષ સુણી છે આ ચર્ચા મેં તારલિયાની ટોળીમાં :
રાત્રિએ અવિરત જાગે છે આ એક બિચારો શા માટે?

મૃત્યુ એ વધારી દીધી છે સાચે જ મહત્તા જીવનની,
અંધાર ન હો જ્યાં રજનીનો ,પૂજાય સવારો શા માટે?

અપમાન કરીને ઓચિંતા મહેફિલથી ઉઠાડી દેનારા !
મહેફિલમાં પ્રથમ તેં રાખ્યો’તો અવકાશ અમારો શા માટે?

તોફાન તો મનમાન્યું કરશે પણ એક વિમાસણ છે મોટી :
નૌકાને ડુબાડી સર્જે છે મઝધાર કિનારો શા માટે?

વર્ષોથી ‘ગની’ નિજ અંતરમાં એક દર્દ લઈને બેઠો છે,
છો એનું તમે ઔષધ ન બનો, પણ દર્દ વધારો શા માટે?

- ‘ગની’ દહીંવાળા

No comments:

Post a Comment