હાલને તબક્કે મહિલાઓ એક છેડે પ્રોફેશનલ તરીકે કામ કરીને આત્મનિર્ભર બની છે તો બીજા છેડે ગૃહિણીને છાજે એમ પારિવારિક જવાબદારી પણ સુપેરે નિભાવે છે. પ્રોફેશનલ, તબીબ, કલાકાર, બિઝનેસમેન કે નોકરિયાત પુરુષ કામકાજ કરીને ઘરે આવે છે ત્યાર બાદ ઘરના કામકાજમાં જરા પણ મદદરૂપ થતો નથી. એની સરખામણીમાં સ્ત્રી, પ્રોફેશનલ હોય કે ગૃહિણી પરંતુ તેણે આબાલવૃદ્ધ સભ્યોની તમામ જરૂરત સંતોષવી પડે છે. આજે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ક્લબ મેમ્બરશિપ, પેકેજ ટૂર વગેરેના રાફડા ફાટયા છે. તમામ પરિવારે સભ્યોની પસંદગી તથા બજેટને અનુરૂપ પાંચથી સાત દિવસનો બ્રેક લેવો અનિવાર્ય છે.
પારિવારિક વૅકેશનનો સૌથી મોટો લાભ તમામ સભ્યોે શારીરિક અને માનસિક રીતે આનંદિત થાય એ છે. તાજેતરમાં ડૉ. અદિતિ શાહ, પ્રોફેશનલ પતિ મનોજ સાથે પૂજા અને વિરલ જૈન નામે અંગત મિત્રો સહિત તેમના સંતાનો કુદરતી સૌંદર્યયુક્ત કેરળ, મુનાર અને ટીકડીના પ્રવાસે ગયા હતા. મુનારસ્થિત ક્લબરિસોર્ટ પહોંચ્યા ત્યારે બાળકોએ હોલિડે એક્ટિવિટીઝની મજા માણવા સાથે ટેબલટેનિસ જેવી ઇન્ડોર ગેમનો પણ આનંદ માણ્યો. સાંજે કરાઉકે પર ગીત-સંગીતની મહેફિલ જમાવી. જેમાં ભૂલકાંઓથી લઇને વડીલવર્ગે પણ ઉત્સાહથી ભાગ લીધો. સાઇટસિઇંગના કાર્યક્રમ દરમિયાન પુન: મહિલાઓએ મુખ્ય ભૂમિકા ભજવી. નિયત સમયે નીકળવા પતિને ઉઠાડવા ઉપરાંત સંતાનોને તૈેયાર કરવાની સાથે કોલ્ડડ્રિંક અને નાસ્તાનું ભાથું સાથે લેવાની ફરજ મહિલાવર્ગે બજાવી. સાઇટસીઇંગ માટે તમામ લોકોએ ફરજિયાતપણે ચારેક કિ.મી. ચાલવું પડતું. સ્વાસ્થ્યની દૃષ્ટિએ તેને લાભકર્તા લેખાય. બંને પરિવાર સ્વિમિંગ પુલયુક્ત સ્વતંત્ર વિલામાં રહેતા હોવાને કારણે સંતાનોને પ્રિન્સ અને પ્રિન્સેસ જેવી ફિલિંગ થઇ.
પરિવાર માટે આ પ્રકારના બ્રેક જરૂરી છે. પર્યટન દરમિયાન બાળકો છૂટથી હરીફરી શકે અને મહિલાવર્ગને રોજિંદી પ્રવૃત્તિ કરવામાંથી મુક્તિ મળે એનું ધ્યાન રાખવું જરૂરી છે. જેને પરિણામે રિચાર્જ થઇને પુન: રોજિંદી પ્રવૃત્તિ કરી શકે. સામાન્યપણે સમાજમાં પુરુષ નિર્ણાયક વ્યક્તિની ભૂમિકા ભજવતો હોય છે. જેણે આવા બ્રેક દરમિયાન પત્ની અને સંતાનોને આનંદપ્રમોદ કરવા માટેની પૂરતી સ્વતંત્રતા આપવી જોઇએ. વધુમાં વૅકેશન દરમિયાન પરિવારના તમામ સભ્યોએ પોતાની નાનીમોટી જરૂરત માટે સ્ત્રીની મદદ લેવાનું ટાળવું જોઇએ. કારણ કે અન્યથા મહિલા માટે ઘર અને વૅકેશનમાં કંઇ તફાવત રહેતો નથી.
પર્યટન સ્થળ દૂર હોય કે નજીક, કુદરતી સાંનિધ્યયુકત હોય કે વેરાન, ધાર્મિક સ્થળ હોય કે બીચ, પરંતુ ભારતીય મહિલા માટે વર્ષમાં ઓછામાં ઓછા બે બ્રેક લેવા જરૂરી છે. પરિણામે કુટુંબમાં પરસ્પર એકતા અને પ્રેમભાવ જળવાય છે અને એકમેકને માન-સન્માન આપે છે.
|
No comments:
Post a Comment